બાયો-બબલમાં રહેવું ખૂબ જ પડકારજનક, પણ ભારતીય ક્રિકેટરો છે સહનશક્તિવાળા

07 April, 2021 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી કહે છે કે આ બાબતે ઑસ્ટ્રેલિયનો ખૂબ નબળા છે એથી ટુર્નામેન્ટમાંથી છેલ્લી ઘડીએ ખસી જાય છે અને સાઉથ આફ્રિકાની ટૂર પણ તેમણે કૅન્સલ કરી

સૌરવ ગાંગુલી

કોરોનાકાળમાં જ્યારથી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવાનું શરૂ થયું છે ત્યારથી દરેક મૅચ માટે ખેલાડીઓ બાયો-બબલમાં સમય પસાર કરી રહ્યા છે. જોકે આ બાયો-બબલની લાઇફ ખૂબ ટફ ગણાવતાં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી કહે છે કે ‘જ્યાં સુધી પડકાર સહન કરવાની વાત છે ભારતીય ક્રિકેટરોની સહનશક્તિ ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ કરતાં વધારે છે. ભારતીયો કોઈલપણ પરિસ્થિતિમાં જલદીથી ઍડ્જસ્ટ થઈ જાય છે.’

ઉક્ત મુદ્દે પોતાના વિચાર જણાવતાં સૌરવ ગાંગુલીએ કહ્યું કે ‘મને લાગે છે કે ભારતીય ક્રિકેટરોની સહનશક્તિ અન્ય ક્રિકેટરો કરતાં વધારે છે. હું ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ જેવા અનેક દેશોના ખેલાડીઓ સાથે ક્રિકેટ રમ્યો છું. તેમનું માનસિક સ્વાસ્થ ઘણું નબળું હોય છે.’

પોતાની વાત આગળ વધારતાં ગાંગુલીએ કહ્યું કે ‘છેલ્લા ૬-૭ મહિનાથી ખેલાડીઓ બાયો-બબલમાં રહીને ક્રિકેટ રમી રહ્યા છે. તેઓ માત્ર હોટેલની રૂમથી ગ્રાઉન્ડ પર જાય છે, અનેક પ્રેસર વચ્ચે મૅચ રમે છે અને ફરી પાછા હોટેલની રૂમમાં આવીને બીજા દિવસે ગ્રાઉન્ડ પર જવાની તૈયારી કરે છે. આ ખરેખર પડકારજનક છે. હું ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ એમ અનેક દેશો સામે રમ્યો છું. મને લાગે છે કે આપણે વિદેશી ખેલાડીઓની સરખામણીમાં માનસિક રીતે મજૂબત હોવાથી સૌથી વધુ સહનશીલ છીએ. બીજું, આપણે ગમે તેવી પરિસ્થિતિમાં જલદીથી ઍડ્જસ્ટ થઈ જઈએ છીએ.’

ઑસ્ટ્રેલિયાનું ઉદાહરણ જુઓ

ગાંગુલી આ બાબતે ઑસ્ટ્રેલિયન ટીમનું ઉદાહરણ આપતાં કહે છે કે ‘ભારત સામે ઘરઆંગણે હાર્યા બાદ ઑસ્ટ્રેલિયન ટીમ માર્ચમાં સાઉથ આફ્રિકા સામે સિરીઝ રમવા જવાની હતી. ખેલાડીઓ અને સહયોગી સ્ટાફે કોરોનાના ડરને લીધે જવાની ના પાડી દેતાં તેમણે તેમને લીધે ખૂબ મહત્ત્વની સિરીઝ રદ કરી દીધી હતી. આ સીઝનમાં પણ છેલ્લી ઘડીએ સૌથી વધુ ઑસ્ટ્રેલિયન જ હટી ગયા છે. કોવિડનો ડર તો હંમેશાં રહેશે. એવામાં તમારે સકારાત્મક રહીને પોતાને માનસિક રીતે મજબૂત કરી આગળ વધતા રહેવાનું છે.’

દબાણ તો રહેવાનું જ

ગાંગુલીને જ્યારે ૨૦૦૫માં ડ્રૉપ કરવામાં આવ્યો ત્યાર બાદ તેણે સારી રીતે કમબૅક કર્યું હતું. આ સંદર્ભે ગાંગુલીએ કહ્યું કે ‘તમારે એ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો જ પડે છે. જિંદગીની કોઈ ગૅરન્ટી નથી હોતી. તમારે જીવનની ચડતી-પડતીમાંથી પસાર થવું જ પડે છે. દરેકના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારનું દબાણ હોય જ છે. જ્યારે તમે તમારી પહેલી ટેસ્ટ મૅચ રમો છો ત્યારે તમારી ક્ષમતા દુનિયાને બતાવી સફળ થવાનું તમારા પર દબાણ હોય છે. જેમ જેમ તમે વધારે રમત રમતા જાઓ છો એ પ્રમાણે તમારું દબાણ ઘટતું જાય છે અને તમે સારું પ્રદર્શન કરતા જાઓ છો.’

sports sports news cricket news indian premier league ipl 2021 sourav ganguly