11 August, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ
લૉર્ડ્્સ ટેસ્ટ-મૅચના બીજા દિવસે ઇંગ્લૅન્ડ અને ભારતીય પ્લેયર્સે રુથ સ્ટ્રૉસ ફાઉન્ડેશનના અભિયાન હેઠળ લાલ રંગની કૅપ અને કેટલાક લાલ લોગો, આંકડાઓવાળી જર્સી પહેરી હતી. ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઍન્ડ્ર્યુ સ્ટ્રૉસે કૅન્સરને કારણે મૃત્યુ પામનાર પત્ની રુથ સ્ટ્રૉસની યાદમાં શરૂ કરેલા આ અભિયાન હેઠળની જર્સીઓનું ઑક્શન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય કૅપ્ટન શુભમન ગિલની ટેસ્ટ-જર્સી પર મોટી બોલી લાગી હતી.
શુભમન ગિલની ઑટોગ્રાફવાળી જર્સી પર ૪૬૦૦ પાઉન્ડ (લગભગ ૫.૪૧ લાખ રૂપિયા)ની મોટી બોલી લાગી હતી, જ્યારે બીજા ક્રમે જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાની જર્સી ૪૨૦૦ પાઉન્ડ (લગભગ ૪.૯૪ લાખ રૂપિયા) સાથે બીજા ક્રમે રહી હતી. ત્યાર બાદ કે. એલ. રાહુલની જર્સી પર ૪૦૦૦ પાઉન્ડ (લગભગ ૪.૭૦ લાખ રૂપિયા) જેવી મોટી બોલી લાગી હતી.
ઇંગ્લૅન્ડના પ્લેયર્સમાંથી જો રૂટની જર્સી સૌથી વધુ ૩૮૦૦ પાઉન્ડ (લગભગ ૪.૪૭ લાખ રૂપિયા) અને કૅપ્ટન બેન સ્ટોક્સની જર્સી ૩૪૦૦ પાઉન્ડ (લગભગ ૪ લાખ રૂપિયા)માં વેચાઈ હતી. ટેસ્ટ-કૅપમાં ઇંગ્લૅન્ડ તરફથી જો રૂટની કૅપની સૌથી વધુ ૩૦૦૦ પાઉન્ડ (લગભગ ૩.૫૨ લાખ રૂપિયા)ની અને ભારત તરફથી રિષભ પંતની કૅપની ૧૫૦૦ પાઉન્ડ (લગભગ ૧.૭૬ લાખ રૂપિયા)ની મોટી બોલી લાગી હતી.