વાંચો સ્પોર્ટ્સના સમાચાર ટૂંકમાં: જુલાઈમાં શ્રીલંકા રમવા જશે ભારતીય ટીમ

10 May, 2021 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે આગામી જુલાઈ મહિનામાં ટીમ શ્રીલંકામાં વન-ડે તથા ટી૨૦ રમવા જશે.

સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે આગામી જુલાઈ મહિનામાં ટીમ શ્રીલંકામાં વન-ડે તથા ટી૨૦ રમવા જશે. ઇંગ્લૅન્ડમાં રમાનારી પાંચ મૅચોની ટેસ્ટ સિરીઝને જોતાં કૅપ્ટન વિરાટ કોહલી તથા રોહિત શર્મા જેવા ખેલાડીઓ આ ટૂરમાં ભાગ નહીં લે. શ્રીલંકામાં ભારતીય ટીમ પાંચ ટી૨૦ અને ત્રણ વન-ડે રમશે. વાઇટ બૉલ નિષ્ણાતોની આ ટીમ હશે. ભારતીય ટીમનો ઇંગ્લૅન્ડનો પ્રવાસ ૧૪ સપટેમ્બરે પૂરો થશે. ભારતીય ટીમ શિખર ધવન, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર તથા યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓને મૅચ માટે તૈયાર રાખવા માગે છે.

પાકિસ્તાન સુપર લીગની બાકીની મૅચ યુએઈમાં રમાશે
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાકી રહેલી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની છઠ્ઠી સીઝનની બાકીની મૅચ આવતા મહિનાથી યુએઈમાં રમાડા વિશે વાતચીત શરૂ કરી છે. ખેલાડીઓ સંક્રમિત થવાથી ચોથી માર્ચે આ લીગ રદ કરવામાં આવી હતી. દુબઈ અને અબુ ધાબીમાં બાકીની મૅચ રમવા માટે વાતચીત શરૂ થઈ છે. અમીરાત ક્રિકેટ બોર્ડને ​​વિશ્વાસ છે કે ઓછો સમય હોવા છતાં તેઓ આ ટુર્નામેન્ટનું આયોજન કરી શકશે. પીસીબી અગાઉ પહેલી જૂનથી પાકિસ્તાનમાં જ આ ટુર્નામેન્ટ યોજવાનો વિચાર કરતા હતા, પરંતુ જૂનમાં કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતાને જોતતાં આ વિચાર માંડી વાળ્યો છે.

ઇંગ્લૅન્ડ સામે ૩-૨થી જીતશે ભારત : દ્રવિડ
ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામે રમાનારી ટેસ્ટ સિરીઝ ૩-૨થી જીતશે એવો વિશ્વાસ દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડે વ્યક્ત કર્યો છે. ૨૦૦૭માં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી હતી ત્યારે રાહુલ ભારતીય ટીમનો કૅપ્ટન હતો. દ્રવિડે કહ્યું હતું કે ૨૦૦૭ બાદ ભારતીય ટીમ માટે ઇંગ્લૅન્ડને ઘરઆંગણે હરાવવાની આ ઉત્તમ તક છે. બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીના હેડ રાહુલે કહ્યું હતું કે અશ્વિન વિરુદ્ધ  સ્ટોક્સની ટક્કર જોવાની દર્શકોને મજા પડશે.

પંજાબ કિંગ્સની ટીમના તમામ ભારતીય પ્લેયરો સલામત ઘરે પહોંચ્યા
આઇપીએલ મોકૂફ રાખવાની ઘોષણા બાદ પંજાબની ટીમના તમામ ભારતીય ખેલાડીઓ સહીસલામત ઘરે પહોંચી ગયા છે. ટીમે એક ટ્વીટમાં માહિતી આપતાં કહ્યું હતું કે ‘આઇપીએલ રદ થયા બાદ પંજાબ કિંગ્સના તમામ ભારતીય ખેલાડીઓ તેમના ઘરે પહોંચી ગયા છે, તો વિદેશી ખેલાડીઓ તેમના દેશમાં પહોંચે એ પહેલાં ભારતથી રવાના થઈ ગયા છે. અમે ભારતીય ક્રિકેટ બોર્ડ, અન્ય ફ્રૅન્ચાઇઝી અને ગો ઍરનો આભાર માનીએ છીએ. ટીમના ચાહકોને માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનો અનુરોધ કરીએ છીએ.’

cricket news sports news sports ipl 2021 indian premier league england sri lanka