14 November, 2025 11:32 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતની વિશ્વવિજેતા મહિલા કૅપ્ટન હરમનપ્રીત કૌરને ગઈ કાલે ચેન્નઈની વેલામ્મલ નેક્સસ સ્કૂલમાં ધમાકેદાર વેલકમ મળ્યું હતું. ઢોલ-નગારા અને પુષ્પવર્ષા વચ્ચે સ્કૂલની વિદ્યાર્થિનીઓએ ટીમ ઇન્ડિયાની જર્સી પહેરીને કૅપ્ટનનું સ્વાગત કર્યું હતું. હરમનપ્રીત કૌરને પ્રતીકાત્મક ટ્રોફી અને વિશાળ ગુલાબનો હાર પહેરાવીને સન્માનિત કરવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ સાથે ચર્ચા દરમ્યાન એક વર્ષમાં પોતાની સ્કૂલ સહિત ત્રણ સ્કૂલમાં વિઝિટ કરવાની અપીલ કરી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌરે આ અભિયાનની શરૂઆત કરી દીધી છે. વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમ્યાન હરમને પોતાના ફેવરિટ મૅન ક્રિકેટર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીનું નામ આપતાં સ્કૂલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠી હતી. હરમને વિમેન્સ ક્રિકેટને મળી રહેલા પ્રેમ માટે ખુશી વ્યક્ત કરી હતી.
વિમેન્સ વર્લ્ડ કપની સ્ટાર પ્લેયર્સ સાથે રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવની મુલાકાત
ગઈ કાલે ભારતના રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે વિમેન્સ વર્લ્ડ કપ વિજેતા ટીમની ત્રણ સ્ટાર પ્લેયર્સ સાથે શુભેચ્છા-મુલાકાત કરી હતી. સ્નેહ રાણા, રેણુકા સિંહ ઠાકુર અને પ્રતીકા રાવલે પોતાના ઑટોગ્રાફવાળી જર્સી રેલવે મિનિસ્ટરને ભેટ કરી હતી. મુલાકાત દરમ્યાન પ્લેયર્સે છેલ્લાં કેટલાંક વર્ષોની તેમની સફર અને મેદાન પરના અનુભવોની પ્રેરણાદાયી વાતો શૅર કરી હતી.