ભારતને નહીં મળે પ્રૅક્ટિસ મૅચ, કાઉન્ટી ખેલાડીઓથી ખતરો

26 June, 2021 08:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિરાટ કોહલીએ વ્યક્ત કરેલી નારાજગી બાદ ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે ડર્હામના મેદાનમાં અંદરોઅંદર મૅચ રમવાની છૂટ આપી

વિરાટ કોહલી

ભારતીય ટીમ ઇંગ્લૅન્ડના ડર્હામના મેદાનમાં બે મૅચ રમશે, જે ટીમના અંદરના ખેલાડીઓની જ બે ટીમ બનાવીને રમાશે. વિરાટ કોહલીના ખેલાડીઓની કાઉન્ટી ટીમો સામે કોઈ પણ પ્રૅક્ટિસ મૅચ મળે એવી શક્યતા નથી. કોહલીએ ૪ ઑગસ્ટથી નોટિંગહૅમમાં ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી સિરીઝ પહેલાં કોઈ પણ પ્રૅક્ટિસ મૅચ ન મળતાં નારાજગી વ્યક્ત કરી ચૂક્યો છે. ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના પ્રવક્તાએ ગઈ કાલે કહ્યું હતું કે કોવિડ-19 પ્રોટોકોલ મુજબ પહેલી ટેસ્ટ પહેલાં પોતાના ખેલાડીઓની બે ટીમ બનાવીને ૪ દિવસની બે મૅચ રમશે.  ઇંગ્લૅન્ડના તમામ કાઉન્ટી ટીમના ખેલાડીઓનું નિયમિત કોરોના-ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે, પરંતુ તેમને બાયો-બબલમાં રાખવામાં નથી આવ્યા. ભારતીય ટીમ ૧૪ જુલાઈએ લંડનમાં ભેગી થશે અને ડર્હામ જવા રવાના થશે. ત્યાર બાદ ફરીથી બાયો-બબલમાં રહેશે.

ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે ઇંગ્લૅન્ડના ડોમેસ્ટિક ખેલાડીઓ બાયો-બબલમાં નથી. કોરોનાકાળમાં આ ચોક્કસ એક ગંભીર મુદ્દો છે એથી જ ડર્હામમાં મૅચ ટીમના ખેલાડીઓને બે ભાગમાં વહેંચીને રમાશે. સુનીલ ગાવસકરે આ મામલે સવાલ ઉઠાવતાં કહ્યું કે ‘આ પ્રકારની મૅચોથી કોઈ ટીમ કઈ રીતે તૈયારી કરી શકે. ભૂતકાળમાં પ્રવાસી ટીમને કાઉન્ટી ટીમ સાથે ઘણી ફર્સ્ટ ક્લાસ મૅચો રમવા મળતી હતી. અંદરોઅંદરની મૅચમાં જો કોઈ ખેલાડી જલદી આઉટ થઈ જાય તો ફરીથી બૅટિંગ કરી શકે, પરંતુ ફર્સ્ટ ક્લાસ મૅચમાં એ શક્ય નથી.’

sports sports news cricket news india england virat kohli board of control for cricket in india