17 June, 2025 09:07 AM IST | London | Gujarati Mid-day Correspondent
લંડનમાં બ્રેકના સમયને બરાબર એન્જૉય કરી રહ્યા છે ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ.
રોહિત શર્માએ T20 અને ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું ત્યારથી ટીમ-બસમાં ટ્રાઇવર પાછળની તેની સીટ ખાલી રહે છે. રોહિત શર્માએ અહીં લાંબા સમય સુધી ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સાથે સમય વિતાવ્યો છે. હવે રોહિતની સીટ સ્પિનર કુલદીપ યાદવે લઈ લીધી છે.
૩૦ વર્ષનો કુલદીપ કહે છે, ‘ટીમ-બસમાં એ સીટ પર હવે હું બેસું છું. હું ક્યારેય રોહિતભાઈનું સ્થાન લઈ શકતો નથી. બસ એટલું જ કે હું જાડેજા સાથે મેદાનની અંદર અને બહાર વધુ સમય વિતાવી રહ્યો છું. સ્પિનર તરીકે મારા માટે આ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે રવિચન્દ્રન અશ્વિન હવે ત્યાં નથી. મેં તેમની પાસેથી ઘણું શીખ્યું છે. મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી હું બન્ને સાથે રમ્યો છું. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે જાડેજા મારો સ્પિન પાર્ટનર છે. હું એનો આનંદ માણી રહ્યો છું. ચોક્કસ બૅટર્સ, ફીલ્ડરોની તૈયારી અને રણનીતિ વિશે તે મને સલાહ-સૂચન આપી રહ્યો છે.’
ઇંગ્લૅન્ડ-ટૂર પર કેવો રહ્યો છે બન્ને સ્પિનર્સનો રેકૉર્ડ?
૩૦ વર્ષનો કુલદીપ ઇંગ્લૅન્ડ સામે ૬ ટેસ્ટ-મૅચ રમ્યો છે જેમાં તેણે ૨૧ વિકેટ ઝડપી છે. જ્યારે ઇંગ્લૅન્ડની ધરતી પર તેણે એક ટેસ્ટ-મૅચ રમી છે, પરંતુ એક પણ વિકેટ લઈ શક્યો નથી. ૩૬ વર્ષનો વર્તમાન ભારતીય ટીમનો સૌથી અનુભવી પ્લેયર રવીન્દ્ર જાડેજા ઇંગ્લૅન્ડ સામે ૨૦ ટેસ્ટમાં ૧૦૩૧ રન ફટકારવાની સાથે ૭૦ વિકેટ લઈ ચૂક્યો છે. ઇંગ્લૅન્ડમાં તેણે ૧૨ ટેસ્ટમાં ૬૪૨ રન બનાવીને ૨૭ વિકેટ ઝડપી છે.
કુલદીપે ફિયાૅન્સે વંશિકા સાથેના ભૂલથી શૅર કરેલા ફોટો વાઇરલ થઈ ગયા
ભારતીય સ્પિનર કુલદીપ યાદવે ચોથી જૂને પોતાની બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી હતી. તેની સાથે હાલમાં ઇંગ્લૅન્ડ-ટૂર દરમ્યાન ૩૦ વર્ષના આ પ્લેયરે એક વેસ્ટર્ન કપલના ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતું જેના ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યા બાદ થોડા જ સમયમાં તેણે ડિલીટ પણ કરી નાખ્યા હતા. જોકે સોશ્યલ મીડિયા પર એ વાઇરલ થઈ રહ્યા છે. અહેવાલ અનુસાર ઇંગ્લૅન્ડ-ટૂર પછી તેઓ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.