MI vs KKR : દિલ્હીમાં અબોલા, મુંબઈમાં બોલાચાલી

17 April, 2023 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ઇન્ડિયન્સના શોકીને કલકત્તા નાઇટ રાઇડર્સના કૅપ્ટન રાણાને આઉટ કરતાં જ ઉશ્કેરણીજનક બોલ્યો એટલે રાણાએ સામું સંભળાવી દીધું : સૂર્યા-ચાવલાએ મામલો ઠંડો પાડ્યો

વાનખેડેમાં ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સના બોલર રિતિક શોકીને (ડાબે) વિકેટ લીધા પછી કરેલી ઉશ્કેરણીનો જવાબ આપી રહેલો કેકેઆરનો કૅપ્ટન નીતીશ રાણા (જમણે). તસવીર પી.ટી.આઇ. અને આશિષ રાજે

મુંબઈ ઇન્ડિયન્સનો ઑફ-સ્પિનર રિતિક શોકીન અને કલકત્તા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન નીતીશ રાણા ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી વતી રમે છે, પરંતુ તેમની વચ્ચે એકમેક સાથે વાતચીત કરવા જેટલો પણ સંબંધ નથી અને ડ્રેસિંગ રૂમમાં એકબીજા સાથે ક્યારેય બોલતા નથી. ગઈ કાલે વાનખેડેમાં તેમની વચ્ચેની આ શત્રુતા બહાર આવી ગઈ હતી. નવમી ઓવરમાં બાવીસ વર્ષના શોકીને રાણા (૧૦ બૉલમાં પાંચ રન)ને સબસ્ટિટ્યૂટ રમણદીપ સિંહના હાથમાં કૅચઆઉટ કરાવ્યો ત્યાર બાદ રાણાને ઉદ્દેશીને શોકીન ઉશ્કેરણીજનક બોલ્યો હતો એટલે પૅવિલિયન તરફ જઈ રહેલો રાણા પાછો આવ્યો હતો અને ક્રોધમાં શોકીનને સામું સંભળાવવા લાગ્યો હતો. મામલો વધુ ગંભીર બને એ પહેલાં જ એમઆઇના કાર્યવાહક સુકાની સૂર્યકુમાર યાદવ અને બન્ને ટીમના સૌથી સિનિયર ખેલાડી પીયૂષ ચાવલાએ વચ્ચે પડીને મામલો ઠંડો પાડી દીધો હતો અને રાણા તરત જ શાંતિથી પાછો ગયો હતો. ગઈ કાલે શોકીન માટે દિવસ એકંદરે સફળ હતો. તેણે કેકેઆરના શાર્દુલની પણ વિકેટ લીધી હતી અને એ પહેલાં કૅમેરન ગ્રીનના બૉલમાં એન. જગદીશનનો શાનદાર કૅચ પકડ્યો હતો.

 ગુજરાત ટાઇટન્સ સામેની મૅચના છેલ્લા પાંચ બૉલમાં પાંચ છગ્ગા મારીને સિક્સર સ્પેશ્યલિસ્ટ તરીકે ઓળખાતા થયેલા કેકેઆરના બૅટર રિન્કુ સિંહ પાસે ગઈ કાલે વાનખેડેમાં અસંખ્ય ક્રિકેટપ્રેમીઓએ સિક્સરની અપેક્ષા રાખી હશે, પરંતુ ૧૮ બૉલની સંઘર્ષભરી ઇનિંગ્સમાં તે માત્ર ૧૮ રન બનાવી શક્યો હતો, જેમાં બે ચોક્કા હતા, પણ એકેય છગ્ગો નહોતો. નવોદિત બોલર ડુઆન યેન્સેને તેને લૉન્ગ ઑન પર નેહલ વઢેરાના હાથમાં કૅચઆઉટ કરાવીને રિન્કુની ઇનિંગ્સ ટૂંકાવી નાખી હતી.

 એમઆઇના નવોદિત અર્જુન તેન્ડુલકર (૨-૦-૧૭-૦)ને મૅચની પહેલી ઓવર અપાઈ હતી, પણ બે ઓવરના એ સ્પેલ બાદ તેને ફરી મોરચા પર નહોતો લાવવામાં આવ્યો. અર્જુને પહેલી ઓવરમાં એન. જગદીશનને બીટ કર્યો હતો અને તેની સામે એલબીડબ્લ્યુની અપીલ થઈ હતી જે નકારાઈ હતી. એ ઓવરમાં માત્ર પાંચ રન બન્યા હતા. બીજી ઓવર શરૂઆતમાં સારી રહી હતી, પણ પછી કેકેઆરના વેન્કટેશ ઐયરે ચોક્કો અને છગ્ગો ફટકારી દીધો હતો.

 મુંબઈના કાર્યવાહક સુકાની સૂર્યકુમાર યાદવ નિર્ધારિત સમયમાં ૨૦ ઓવર પૂરી નહોતો કરાવી શક્યો. ઘણી વાર ફીલ્ડ-પ્લેસમેન્ટ્સમાં ઘણો સમય જતો હોવાથી આવું બન્યું હતું. ૧૯મી ઓવર વખતે મુંબઈની ટીમ બે ઓવર પાછળ હતી જેને પગલે સૂર્યા સામે સ્લો ઓવર-રેટ બદલ મૅચ રેફરી રાજીવ શેઠ દ્વારા પગલું ભરાઈ શકે.

મેન્સ ક્રિકેટના લેજન્ડ સાથે ચૅમ્પિયન સુકાની

ગઈ કાલે વાનખેડેની મૅચ પહેલાં સચિન તેન્ડુલકર અને સૌપ્રથમ ડબ્લ્યુપીએલની ચૅમ્પિયન કૅપ્ટન મુંબઈ ઇન્ડિયન્સ વિમેનની હરમનપ્રીત કૌર. એમઆઇ દ્વારા ગઈ કાલે ‘એજ્યુકેશન ઍન્ડ સ્પોર્ટ્‍સ ફૉર ઑલ’ અભિયાન યોજાયું હતું.

sports news sports cricket news indian premier league ipl 2023 mumbai indians kolkata knight riders harmanpreet kaur sachin tendulkar