આવતી કાલથી આઇપીએલનો નિર્ણાયક સેકન્ડ હાફ

18 September, 2021 01:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દુબઈમાં મુંબઈ મેદાન મારશે કે ચેન્નઈનો ડંકો વાગશે?

ફાઈલ તસવીર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઢોલ હમણાં શાંત થઈ ગયા છે અને વિશ્વની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું બ્યૂગલ ફરી વાગવાની તૈયારીમાં છે. આવતી કાલે યુએઈમાં આઇપીએલનો બીજો રાઉન્ડ (ખેલકૂદ જગતમાં જે સેકન્ડ હાફ તરીકે વધુ પ્રચલિત છે) શરૂ થઈ રહ્યો છે. આવતી કાલે સાંજે ૭.૩૦ વાગ્યે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મૅચ શરૂ થશે એ સાથે જ ક્રિકેટપ્રેમીઓમાં નવો રોમાંચ ફેલાશે. કંઈકેટલાય ખેલાડીઓ માટે સેકન્ડ હાફનો આ ખરાખરીનો ખેલ આવતા મહિને યુઅઈમાં જ રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ પહેલાંનું રિહર્સલ બની રહેશે.

મુંબઈને બીજા કે ત્રીજા નંબરે આવવાની તક

વિરાટ કોહલીએ ટી૨૦ વર્લ્ડ કપ પછી ટી૨૦ની ટીમની કૅપ્ટન્સી છોડવાની જાહેરાત કરી દીધી હોવાથી રોહિત શર્માને તેનું એ પ્રતિષ્ઠિત સ્થાન લેવાની તક મળશે એટલે ગઈ સીઝનની ચૅમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સનો આ મુંબઈકર કૅપ્ટન આવતી કાલથી આઇપીએલના બીજા રાઉન્ડમાં વધુ જોશ-ઉત્સાહ તથા વધુ સારા ફૉર્મમાં રમતો જોવા મળી શકે. સૌથી વધુ પાંચ વખત ચૅમ્પિયન બનેલી મુંબઈની ટીમ અત્યારે પૉઇન્ટ્સ-ટેબલ પર ચોથા નંબરે છે, પરંતુ આવતી કાલે જીતીને બીજા કે ત્રીજા નંબરે આવવાનો એને મોકો છે.

ચેન્નઈ જીતે તો નંબર-વન

ત્રણ વખત ચૅમ્પિયન બનેલા મહેન્દ્ર સિંહ ધોનીના ધુરંધરોની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ પૉઇન્ટ્સ-ટેબલ પર બીજા નંબરે છે અને તેઓ આવતી કાલે મુંબઈને હરાવશે તો દિલ્હી કૅપિટલ્સ પાસેથી નંબર-વનનું સ્થાન આંચકી લેશે.

30

આવતી કાલે રમાનારી મુંબઈ-ચેન્નઈની મૅચ સ્પર્ધાની આટલામી મૅચ છે. સોમવારે ૩૧મા મુકાબલામાં કલકત્તા અને બૅન્ગલોર ટકરાશે.

કેવિન પીટરસન

મુંબઈ ઇન્ડિયન્સને આ બીજા અને નિર્ણાયક રાઉન્ડમાં રાબેતા મુજબ સ્લો વિનિંગ સ્ટાર્ટ કરવાનું નહીં પરવડે. આ વખતે શરૂઆતના ત્રણ-ચાર પરાજય એને ભારે પડી શકે છે. એણે આવતી કાલથી જ આક્રમક શરૂઆત કરવી પડશે. જોકે ચેન્નઈને આ વખતે ચોથી વાર ટાઇટલ જીતીને ૨૦૨૦ની સીઝનના કંગાળ દેખાવને ભુલાવવાનો મોકો પણ છે.

ટુર્નામેન્ટમાં સેકન્ડ હાફ જ ખરો મહત્ત્વનો : તબ્રેઝ શમ્સી

સાઉથ આફ્રિકાનો લેફ્ટ-આર્મ સ્પિનર તબ્રેઝ શમ્સી રાજસ્થાન રૉયલ્સની ટીમમાં છે અને આ ટીમ અત્યારે પૉઇન્ટ્સ-ટેબલ પર ટૉપ-ફાઇવમાં પણ નથી, પરંતુ પુરુષોની ટી૨૦ના વર્લ્ડ નંબર-વન બોલર શમ્સીનું દૃઢપણે માનવું છે કે ‘હું અમારી ટીમનું ભાગ્ય આ બીજા રાઉન્ડમાં ફેરવી નાખવામાં કોઈ કસર નહીં છોડું. હું ખૂબ પૉઝિટિવ અભિગમ સાથે મેદાન પર રમવા ઊતરવાનો છું. હું દૃઢપણે માનું છું કે ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડના અંતે કોઈ ટીમ પહેલા સ્થાને હોય કે પાંચમા નંબરે, એનો કોઈ મતલબ નથી. ખરો ખેલ તો બીજા એટલે કે છેલ્લા રાઉન્ડમાં જ ખેલાતો હોય છે. એટલે અમે હવે કેવું રમીએ છીએ એના પર જ બધો આધાર છે. બીજું, શારજાહની પિચ પર બોલિંગ કરવી મોટો પડકાર કહેવાય, પરંતુ એનો અર્થ એ પણ છે કે બોલરને વિકેટ લેવાની તક પણ મળે છે.’

sports sports news cricket news indian premier league ipl 2021 mumbai indians chennai super kings