પ્રથમ મૅચ નહીં, ચૅમ્પિયનશિપ જીતવી મહત્ત્વની: રોહિત

11 April, 2021 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈનો કૅપ્ટન કહે છે કે અમને આ વખતે તૈયારી કરવાનો પૂરતો સમય નથી મળ્યો: ગયા વર્ષે અમે એક મહિના પહેલાં યુએઈ પહોંચી ગયા હતા

રોહિત શર્મા

ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ શુક્રવારે ચેન્નઈમાં બૅન્ગલોર સામે ૧૪મી સીઝનની પહેલી મૅચ હારી ગયું હતું. આ સાથે ૨૦૧૩થી ચાલ્યો આવતો સીઝનની પ્રથમ મૅચમાં હારવાનો સિલસિલો મુંબઈએ જાળવી રાખ્યો હતો. હારથી હતાશ રોહિત શર્માએ સીઝનની પ્રથમ મૅચમાં હારને બદલે આ દરમ્યાન પાંચ-પાંચ વાર ચૅમ્પિયન બનવાના કીર્તિમાનને વધુ મહત્ત્વ આપ્યું હતું. રોહિતે કહ્યું કે ‘મારા ખ્યાલથી પહેલી મૅચ કરતાં ચૅમ્પિયનશિપ જીતવી વધારે મહત્ત્વની છે. અમે તેમને સરળતાથી જીતવા નહોતા દીધા. અમે પૂરતા રન નહોતા બનાવી શક્યા, વીસેક રન ઓછા પડ્યા હતા. હા, અમે થોડી ભૂલો કરી હતી, જે પ્રથમ મૅચમાં સ્વાભાવિક રીતે થવાની જ હોય છે. આ પિચ પર બૅટિંગ કરવી સરળ નહોતી અને બૉલ ગમે ત્યારે અને અટકીને આવતો હતો. આ વાતનું અમે આગામી મૅચમાં ધ્યાન રાખીશું અને એ પ્રમાણે બદલાવ કરીશું.’

રોહિતે છેલ્લે કહ્યું કે ‘એક ગ્રુપ તરીકે અમે વધારે સમય સાથે પસાર નથી કરી શક્યા. અહીં કરતાં દુબઈમાં પરિસ્થિતિ સાવ વિપરીત હતી, કેમ કે ત્યાં અમે એક મહિના પહેલાંથી તૈયારી શરૂ કરી દીધી હતી.’

36 - આઇપીએલમાં શુક્રવારે પહેલી મૅચમાં મુંબઈનો કૅપ્ટન રોહિત શર્મા રનઆઉટ થતાં તે હવે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ આટલી વાર રનઆઉટ વિકેટમાં સંડોવાયેલો છે. આમાં ૧૧માં તે પોતે આઉટ થયો છે અને ૨૫ વાર તેનો પાર્ટનર આઉટ થયો છે.

 

‘સેવ ધ રાયનો’ મેસેજવાળાં શૂઝ પહેરીને રમ્યો રોહિત

રોહિત શર્મા શુક્રવારે રાયનો (ગેંડા)ની લુપ્ત થતી જતી પ્રજાતિઓને બચાવવાનો સંદેશ આપતાં બૂટ પહેરીને રમ્યો હતો. એક શિંગડાવાળા ગેંડા અથવા ભારતીય ગેંડાઓની પ્રજાતિને બચાવવા રોહિત શર્મા લાંબા સમયથી લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યો છે. રોહિતે ખાસ ડિઝાઇન કરેલાં શૂઝ પર આ લુપ્ત થઈ રહેલી ભારતીય ગેંડાની પ્રજાતિને બતાવી છે અને સાથે મેસેજ લખ્યો છે, ‘સેવ ધ રાયનો.’

 

હાર્દિક બોલિંગ ન કરી શક્યો, તેની કમી નડી: ક્રિસ લીન

મુંબઈ ઇન્ડિયન્સના ઓપનર ક્રિસ લીનનું માનવું છે કે ‘ટીમ પાસે છઠ્ઠો બોલર ન હોવાથી પહેલી મૅચ ગુમાવવી પડી હતી. મુંબઈએ  હાર્દિક પંડ્યા પાસેથી બોલિંગ નહોતી કરાવડાવી.’

આ સંદર્ભે મૅચમાં મુંબઈ વતી સૌથી વધારે ૪૯ રન બનાવનાર ક્રિસ લીનનું કહેવું છે કે ‘અમને છઠ્ઠા બોલરની કમી નડી. હું સ્પષ્ટપણે નથી જાણતો પણ કદાચ તેના ખભામાં દુખાવો છે. સ્વાભાવિક રીતે જો તે બોલિંગ કરત તો ટીમમાં એક અલગ સંતુલન બન્યું હોત. મને લાગે છે કે સાવધાનીના પગલે તેની પાસેથી બોલિંગ નહોતી કરાવવામાં આવી.’

sports news sports cricket news indian premier league ipl 2021 mumbai indians rohit sharma