IPL 2021 : ‘છ બોલમાં છ સિક્સ ફટકારવાનો રેકૉર્ડ બનાવવો છે’ : કૃણાલ પંડ્યા

24 September, 2021 12:41 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

મુંબઇ ઇન્ડિયન્સના ઑલ-રાઉન્ડરે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવી પોતાની ઈચ્છા

કૃણાલ પંડ્યાની ફાઈલ તસવીર

આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવર છ સિક્સ ફટકારવી એ એક વિશેષ સિદ્ધિ છે. મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians)ના ઑલ-રાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) એક અનોખો રેકૉર્ડ બનાવવાનું સપનું જોયું છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન કૃણાલે ઈચ્છા વ્યક્ત કરી છે કે, તેને એક ઓવરમાં એટલે કે છ બોલમાં છ છગ્ગા ફટકારવા છે.

ઇએસપીએનના ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે કૃણાલ પંડ્યાને પુછવામાં આવ્યું કે, એવા એક રેકૉર્ડ વિશે જણાવ જે તે બનાવવા માંગે છે. તેના જવાબમાં કૃણાલે કહ્યું હતું કે, ‘એક ઓવરમાં છ સિક્સર ફટકારવી એ મારું સપનું છે’. જ્યારે પૂછવામાં આવ્યું કે, કયા બેટ્સમેન સામે બોલિંગ કરવી મુશ્કેલ છે? ત્યારે તેણે વેસ્ટ ઈન્ડિઝના પાવર હિટર ક્રિસ ગેલનું નામ આપ્યું હતું.

તમને જણાવી દઈએ કે, અમેરિકાના જસકરણ મલ્હોત્રાએ પાપુઆ ન્યૂ ગિની સામેની મેચમાં બોલર ગોડી ટોકાની ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. જસકરન પહેલા ત્રણ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન હર્શેલ ગિબ્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છ સિક્સર ફટકારનાર પ્રથમ ખેલાડી છે.

નોંધનીય છે કે, પ્રથમ વાર વર્ષ ૨૦૦૭માં આઇસીડી વનડે વર્લ્ડ કપ દરમિયાન સાઉથ આફ્રિકાના હર્શેલ હર્મન ગિબ્સ નેધરલેન્ડ સામે એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. ગિબ્સે નેધરલેન્ડના બોલર ડેન વાન બુંજ સામે ઇનિંગની ૩૦મી ઓવરમાં એક જ ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.

વનડેની જેમ, બે બેટ્સમેનોએ ટી20 આંતરરાષ્ટ્રીયમાં પણ છ બોલમાં છ સિક્સર ફટકારવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છ છગ્ગા ફટકારનાર ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ બીજો બેટ્સમેન છે. તેણે વર્ષ ૨૦૦૭માં ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડે આ વર્ષે માર્ચમાં શ્રીલંકા સામેની ટી20 મેચમાં અકિલા ધનંજયની ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.

sports sports news cricket news indian premier league ipl 2021 mumbai indians krunal pandya