આઇપીએલમાં હવે પૂરી કરવી પડશે ૯૦ મિનિટમાં એક ઇનિંગ

31 March, 2021 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવા નિયમ સંદર્ભે ભારતીય ક્રિકેટ બોર્ડનું કડક વલણ : સૉફ્ટ સિગ્નલની એક્ઝિટ: શૉર્ટ રનનો નિર્ણય લેશે થર્ડ અમ્પાયર

ફાઇલ તસવીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી​​ સીઝન ૯ એપ્રિલથી શરૂ થવાની છે અને એ પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ કડક વલણ અપનાવતાં સમયના નિયમોનું પાલન કરવાનું દરેક ફ્રૅન્ચાઇઝીઓને જણાવી દીધું છે.

ક્રિકેટ બોર્ડે દરેક ફ્રૅન્ચાઇઝીને મોકલેલી ઈ-મેઇલમાં મૅચના સમયને નિયંત્રણમાં લાવવા માટે સ્પષ્ટપણે કહ્યું કે હવે દરેક ટીમે ૯૦ ​મિનિટની અંદર જ ૨૦મી ઓવર પૂરી કરવી પડશે. પહેલાંના નિયમ મુજબ ૨૦મી ઓવર ૯૦મી ​મિનિટે શરૂ થ‍વી જોઈતી હતી.

૮૫ + ૫

નિયમમાં કરાયેલા આ ફેરફાર પર વિગતવાર જાણકારી આપતાં ક્રિકેટ બોર્ડે કહ્યું કે ‘આઇપીએલની મૅચમાં દર કલાકે સરેરાશ ૧૪.૧૧ ઓવર નાખવી પડશે, જેમાં ટાઇમ-આઉટ સામેલ નહીં હોય. કોઈ રુકાવટ વિના મૅચની એક ​ઇનિંગ્સ ૯૦ મિનિટમાં પૂરી કરવાની રહેશે (એટલે કે ૨૦ ઓવર માટે ૮૫ ​મિનિટ અને પાંચ મિનિટનો ટાઇમ-આઉટ) મોડેથી અથવા જે મૅચમાં કોઈ વિઘ્ન આવે, જેને લીધે ઇનિંગ્સ નિર્ધારિત સમયમાં પૂરી ન થાય તો પ્રત્યેક ઓવર માટે ૪ મિનિટ ૧૫ સેન્કડનો વધારાનો સમય ફાળવવામાં આવશે.’

ફોર્થ અમ્પાયર કરશે સજા

આ ઉપરાંત જો બૅ​ટિંગ કરતી ટીમ જાણીજોઈને સમય બરબાદ કરશે અને એને લીધે બોલિંગ કરનાર ટીમ નિર્ધારિત સમયમાં ૨૦ ઓવર પૂરી ન કરી શકે તો ફોર્થ અમ્પાયર બૅટિંગ કરનાર ટીમના કૅપ્ટન અને ટીમ-મૅનેજમેન્ટને ચેતવણી આપી શકે છે. સાથોસાથ આ ભૂલને લીધે બૅટિંગ કરનાર ટીમના સમયમાં પણ કાપ મૂકવાનો ચોથા અમ્પાયરને અધિકાર રહેશે.

વિવાદાસ્પદ સૉફ્ટ સિગ્નલ આઉટ

ભારત-ઇંગ્લૅન્ડ સિરીઝ દરમ્યાન ‘સૉફ્ટ સિગ્નલ આઉટ’નો મુદ્દો પણ ઘણો ચર્ચાયો હતો. એ સૉફ્ટ સિગ્નલ આઉટના વિકલ્પને આઇપીએલમાંથી બાકાત કરવામાં આવ્યો છે. શૉર્ટ રનના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે જેને લીધે હવે થર્ડ અમ્પાયરે શૉર્ટ રન તપાસવાનો રહેશે અને તે ઑન-ફીલ્ડ અમ્પાયરના નિર્ણયને પણ બદલી શકશે. ગયા વર્ષે શૉર્ટ રનને લઈને દિલ્હી કૅપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) વચ્ચે મગજમારી થઈ હતી. ત્યાર બાદ પંજાબ ટીમ મૅનેજમેન્ટે ફરિયાદ દાખલ કરી હતી.

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings mumbai indians kolkata knight riders sunrisers hyderabad rajasthan royals kings xi punjab royal challengers bangalore delhi capitals