હું હજી નિવૃત્ત થયો નથી : ધોની

17 October, 2021 04:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ચેન્નઈની ટીમ માટે બહુ મોટો વારસો છોડીને જાઓ છો’ એવા સવાલનો માહીએ આપ્યો જવાબ, કલકત્તાની ટીમને ગણાવી ટાઇટલ માટેની સૌથી મોટી દાવેદાર

ચેન્નઈનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની

ચેન્નઈનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ૪૦ વર્ષનો થયો છે, પરંતુ તે ૨૦૨૨ની આઇપીએલમાં ચેન્નઈ તરફથી રમી શકે છે. શુક્રવારે રમાયેલી ફાઇનલમાં ચેન્નઈએ કલકત્તાને ૨૭ રનથી હરાવ્યું હતું. વિજય બાદ જ્યારે કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ તેને પૂછ્યું કે ‘તું ચેન્નઈ માટે બહુ મોટો વારસો મૂકીને જાય છે?’ એનો મજેદાર જવાબ આપતાં ધોનીએ કહ્યું હતું કે ‘મેં હજી છોડ્યું નથી. બધો દારોમદાર ભારતીય ક્રિકેટ બોર્ડ પર છે, કારણ કે બે નવી ટીમ જોડાઈ રહી છે. હું ચેન્નઈ તરફથી રમું કે ન રમું એ મહત્ત્વનું નથી, પરંતુ ચેન્નઈ માટે શું સારું છે એ મહત્ત્વનું છે.’

ચેન્નઈના કૅપ્ટને કહ્યું કે જો કોઈ ટીમ ૨૦૨૧નું ટાઇટલ જીતવા માટે દાવેદાર હતી તો એ ટીમ કલકત્તા હતી, કારણ કે ટુર્નામેન્ટમાં જે બ્રેક પડ્યો હતો એનો લાભ તેમણે ઉઠાવ્યો હતો. ચેન્નઈની ટીમ વિશે તેણે કહ્યું હતું કે અમે મૅચ મુજબ થોડા ખેલાડીઓ બદલતા હતા. જે ખેલાડીઓ સારા ફૉર્મમાં હતા તેમને રમાડ્યા, બાકીના ખેલાડીઓની આવ-જા ચાલુ રાખી હતી.

બહુ ટીમ-મીટિંગ કરતો નથી

વિજય મેળવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે ‘મને વધુ પડતી ટીમ-મીટિંગમાં કોઈ વિશ્વાસ નથી. અમારી આવી મીટિંગ ૨૦ મિનિટ કરતાં વધુ હોતી નથી. અમે મીટિંગમાં વધુ વાત કરતા નથી. વળી હોય તો પણ તે કોઈ એક વ્યક્તિ સાથેની વાતચીત પ્રકારની જ હોય છે. અમારું  પ્રૅક્ટિસ-સેશન જ અમારું મીટિંગ-સેશન છે. કેમ કે તમે મીટિંગ માટે કોઈ એક રૂમમાં ભેગા થાઓ તો એક અલગ પ્રકારનું દબાણ ઊભું થાય છે. અમારું પ્રૅક્ટિસ-સેશન સારું હોય છે.

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings mahendra singh dhoni ms dhoni