IPL આ સીઝન માટે સસ્પેન્ડ, કોરોનાનો કહેર વધતા લેવાયો નિર્ણય

04 May, 2021 02:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

BCCIના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ સત્તાવાર જાહેરાત કરી

BCCIના વાઈસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લા (તસવીર સૌજન્યઃ એએફપી)

કોરોના વાયરસ (Covid-19)ના વધતા કહેર વચ્ચે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝન એટલે કે IPL 2021 સ્થગિત કરવામાં આવી છે. આ સિઝન માટે આઈપીએલને સ્થગિત કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત BCCIના વાઈસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ કરી છે. તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને આ બાબતની માહિતી આપી હતી. ગત બે દિવસમાં અનેક ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા બે દિવસમાં IPLના અનેક ખેલાડીઓ અને સ્ટાફ કોરોનાની ચપેટમાં આવ્યા છે. વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર, રિદ્ધિમાન સાહા, અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત ૮ ખેલાડી તેમજ બે કોચિંગ સ્ટાફ મેમ્બર કોરોના પૉઝિટિવ થયા છે. ત્યારબાદ જ BCCIએ આઈપીએલની આ સિઝન સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. BCCIએ કહ્યું હતું કે, ટૂર્નામેન્ટને રદ કરવી જરૂરી છે. લીગમાં જોડાનારા દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફને તેમના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

IPLમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ચેપ લાગ્યા બાદ BCCIએ પ્લાન બી પર કામ શરૂ કર્યું. લીગની બાકીની મેચોને મુંબઈ ખસેડવાની તૈયારી ચાલી રહી હતી. આ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાકીની મેચ મુંબઈના ત્રણ ગ્રાઉન્ડ વાનખેડે, બ્રેબોર્ન અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યોજવાનું કામ ચાલી રહ્યું હતું. વાનખેડેમાં સિઝનની ૧૦ મેચ પહેલાં જ રમી શકાઈ હતી. બાકીના બે સ્ટેડિયમ પણ મેચ માટે તૈયાર હતા. આ અઠવાડિયાના અંતથી IPLને મુંબઈ ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો તેવું હોત, તો અમદાવાદની ફાઇનલ્સ અને પ્લેઓફ્સ પણ અહીં રમાઈ હોત. પરંતુ તે પહેલા IPL મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

IPLની આ સીઝનની આગામી મેચ અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર અને કોલકાતામાં યોજાવાની હતી. દિલ્હીમાં બીજા તબક્કાની ચાર મેચ બાકી હતી. દરમિયાન અમદાવાદમાં પ્લે ઑક્સ અને ફાઈનલ સહિતની વધુ ૭ મેચ હતી. આ સિવાય બૅન્ગલોરમાં પણ ૧૦ મેચ થવાની હતી. અહીંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર હજી સુધી કોઈ મેચ થઈ નહોતી. દરમિયાન કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સીઝનની કોઈ મેચ રમવામાં આવી ન હતી.

તમને જણાવી દઈએ કે, છેલ્લા બે દિવસમાં વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર, રિદ્ધિમાન સાહા, અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત આઠ ખેલાડી અને બે કોચિંગ સ્ટાફ મેમ્બરને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તે સિવાય IPLની ૧૪મી સીઝન પહેલાં જ ઘણા ખેલાડીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. કલકત્તા નાઇડ રાઇડર્સનો નીતિશ રાણા, રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનો દેવદત્ત પડિક્કલ, દિલ્હી કૅપિટલ્સનો અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું.

હાલ તો IPLને સસ્પેન્ડ કરાઈ છે. જો તેને સમગ્ર રીતે રદ કરાશે તો લગભગ ૨,૦૦૦ કરોડ રપિયાનું નુકસાન થશે. સાથે ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પર પણ જોખમ ઊભું થશે. જો તેનું આયોજન ભારત પાસેથી છીનવી લેવાશે તો પણ BCCIને કરોડોનું નુકસાન થશે.

sports sports news cricket news indian premier league ipl 2021 chennai super kings mumbai indians royal challengers bangalore punjab kings sunrisers hyderabad rajasthan royals delhi capitals kolkata knight riders