ઑસ્ટ્રેલિયા માંડ-માંડ જીત્યું, ભારતે જીતવાની તક ગુમાવી

10 October, 2021 02:56 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મહિલાઓની ટી૨૦ સિરીઝમાં ગઈ કાલે બીજા મુકાબલામાં યજમાન ઑસ્ટ્રેલિયાએ ભારતને ૪ વિકેટે હરાવીને આ મલ્ટિ-ફૉર્મેટ સિરીઝ ૯-૫થી જીતી લીધી હતી

ભારતીય ટીમ

અહીં મહિલાઓની ટી૨૦ સિરીઝમાં ગઈ કાલે બીજા મુકાબલામાં યજમાન ઑસ્ટ્રેલિયાએ ભારતને ૪ વિકેટે હરાવીને આ મલ્ટિ-ફૉર્મેટ સિરીઝ ૯-૫થી જીતી લીધી હતી. મેગ લૅનિન્ગના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયન ટીમને જીતવા માત્ર ૧૧૯ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. એક તબક્કે એણે ૯૪ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે ભારતીય ટીમને વર્ચસ્વ વધારીને જીતવાનો મોકો હતો, પણ હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ એ મોકો ગુમાવ્યો હતો અને યજમાન ટીમે ૨૦મી ઓવરના પહેલા બૉલમાં ૧૧૯/૬ના સ્કોર સાથે વિજય મેળવ્યો હતો. પ્લેયર ઑફ ધ મૅચ તાહિલા મૅક્ગ્રા ૪૨ રને (૩૩ બૉલ, ૬ ફોર) અણનમ રહી હતી. ભારત વતી રાજેશ્વરી ગાયકવાડે તેમ જ શિખા પાન્ડે, હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ લીધી હતી.

એ પહેલાં, ભારતે બૅટિંગમાં ધબડકો જોયો હતો અને ૯ વિકેટે માત્ર ૧૧૮ રન બનાવ્યા હતા, જેમાં પૂજા વસ્ત્રાકરના ૩૭ રન હાઇએસ્ટ હતા. હરમનપ્રીત ૨૮ રન બનાવી શકી હતી, પણ જેમાઇમા રૉડ્રિગ્સ, સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા સહિતની પ્લેયરો ૧૦ રન પણ નહોતી બનાવી શકી.

કૅપ્ટન હરમનપ્રીતે હાર પછી કહ્યું હતું કે ૅઅમારી ટીમ મર્યાદિત ઓવરોના ફૉર્મેટમાં પ્રભુત્વ જમાવવા માગે છે એટલે હું ઇચ્છું છું કે અમારી પ્લેયરો વધુ જવાબદારીપૂર્વક રમે.’

હવે આ ટી૨૦ સિરીઝની છેલ્લી મૅચ આજે રમાશે. શ્રેણીની પ્રથમ મૅચ વરસાદને લીધે અનિર્ણીત રહી હતી.

sports sports news cricket news india australia indian womens cricket team