10 March, 2026 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેડ કોચ ગૌતમ ગંભીર અને કૅપ્ટન સૂર્યાએ ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો
કૅપ્ટન તરીકે પહેલી જ વખત ICC ટાઇટલ જીતનાર સૂર્યકુમાર યાદવે ભારતની T20 ટીમના આગળના ટાર્ગેટ વિશે મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘આગામી લક્ષ્ય ચોક્કસપણે ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે અને એ વર્ષે ૨૦૨૮માં T20 વર્લ્ડ કપ પણ, ભૂલશો નહીં.’
મેન્સ T20 વર્લ્ડ કપની સફર વિશે વાત કરતાં તેણે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘છેલ્લા મહિનામાં આ એક શાનદાર સફર રહી છે. જોકે એ અમારી ઇચ્છા મુજબ શરૂ થઈ નહોતી, પરંતુ એ રમતનો એક ભાગ છે. આજ સુધીની આખી સફર ખૂબ જ ખાસ રહી છે અને એક ટીમ તરીકે અમે જે પ્રાપ્ત કર્યું છે એ તમારી સામે છે. એથી હું એનાથી ખૂબ ખુશ છું.’
સૂર્યા ઍન્ડ કંપનીને આ ટુર્નામેન્ટમાં માત્ર સાઉથ આફ્રિકા સામે સુપર 8 રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
સૂર્યાનો ૧૨ વર્ષ જૂનો અને વર્તમાન ફોટો
T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી કૅપ્ટન સૂર્યકુમાર યાદવે તેના ૧૨ વર્ષ જૂના વાઇરલ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી. ૨૦૧૪ની ૧૭ જાન્યુઆરીએ ટ્વીટમાં તેણે પોતાનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘મિત્રના પેટ્રોલ પમ્પનું ઉદ્ઘાટન. હું એના માટે ખૂબ ખુશ છું.’ આ ટ્વીટ પર રીઍક્શન આપીને સૂર્યાએ પોતાના વર્લ્ડ કપ ટ્રોફી સાથેના ફોટો શૅર કરીને પોતાના માટે લખ્યું કે ‘આજે હું આ વ્યક્તિ માટે ખૂબ ખુશ છું.’