14 June, 2025 07:22 AM IST | London | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલીની ફાઇલ તસવીર
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝ માટે સફળતાનો મંત્ર આપ્યો છે. તે કહે છે કે ‘કૅપ્ટન શુભમન ગિલે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો વિકેટટેકર બોલર તરીકે ઉપયોગ કરવો જોઈએ. ટૂંકા ગાળા માટે તેનો ઉપયોગ કરો જેથી તે પાંચ ટેસ્ટ- મૅચ માટે ફિટ રહે. આ સિરીઝમાં ફિટ બુમરાહ ખૂબ મહત્ત્વપૂર્ણ રહેશે. ખાતરી કરો કે અન્ય બોલર્સ પણ યોગદાન આપે, યુવા અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ પાસે જબરદસ્ત ફિટનેસ અને ક્ષમતા છે અને તેઓ યોદ્ધા છે.’
તેણે આગળ કહ્યું કે ‘ભારતને જીતતાં કોઈ રોકી શકતું નથી. રમતગમતમાં કોઈ ફેવરિટ નથી હોતું. જો ભારત સખત મહેનત કરે અને બુમરાહ ચાર ટેસ્ટ માટે ફિટ રહે તો તેઓ આ આ ટેસ્ટ-સિરીઝ જીતી શકશે. આપણે ઑસ્ટ્રેલિયાના ૨૦૨૦-’૨૧માં યુવા બૅટિંગ ઑર્ડર સાથે સિરીઝ જીત્યા હતા.’
ગાંગુલીએ શ્રેયસ ઐયરની કરી પ્રશંસા
સૌરવ ગાંગુલીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘શ્રેયસ ઐયર છેલ્લા એક વર્ષથી તેના શ્રેષ્ઠ પ્રદર્શનમાં છે અને આ ટીમમાં તે હોવો જોઈતો હતો. છેલ્લું એક વર્ષ તેને માટે શાનદાર રહ્યું છે. તે એવો પ્લેયર નથી જેને ટીમમાંથી બહાર રાખી શકાય. તે હવે પ્રેશર હેઠળ રન બનાવી રહ્યો છે, જવાબદારી લઈ રહ્યો છે અને શૉર્ટ બૉલ સારી રીતે રમી રહ્યો છે. જોકે ટેસ્ટ ક્રિકેટ અલગ છે. હું તેને આ ટેસ્ટ-સિરીઝમાં સામેલ કરવા માગતો હતો જેથી તે શું કરી શકે છે એ જોઈ શકું.’