કૅપ્ટન ગિલની ઉપરાઉપરી બીજી સદી

04 July, 2025 06:58 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

બીજી ટેસ્ટના પહેલા દિવસે ભારતના પાંચ વિકેટે ૩૧૦ : જાયસવાલ ૧૩ રનથી સદી ચૂક્યો : જસપ્રીત બુમારહને આરામ, સાઈ સુદર્શન અને શાર્દૂલ ઠાકુરના સ્થાને નીતીશ કુમાર રેડ્ડી અને વૉશિંગ્ટન સુંદર

યશસ્વી જાયસવાલે ૮૭ રન ફટકાર્યા હતા.

ગઈ કાલે શરૂ થયેલી ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સમાં પહેલા ​દિવસની રમતના અંતે ભારતે પાંચ વિકેટે ૩૧૦ રન કરી લીધા હતા. પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગ્સની જેમ કૅપ્ટન શુભમન ગિલે ફરી સેન્ચુરી ફટકારી હતી. તે ૨૧૬ બૉલમાં ૧૨ ફોરની મદદથી ૧૧૪ રન કરીને અણનમ રહ્યો હતો. તેની સાથે રવીન્દ્ર જાડેજા ૬૭ બૉલમાં કરેલા ૪૧ રન સાથે અણનમ હતો. બન્નેએ પાંચમી વિકેટ માટે ૯૯ રનની ભાગીદારી નોંધાવી હતી.

ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સે ભારતના ઓપનર કે. એલ. રાહુલને ક્લીન બોલ્ડ કરી નાખ્યો હતો.

​ઇંગ્લૅન્ડે ગઈ કાલે ટૉસ જીતીને ભારતને પહેલાં બૅટિંગમાં ઉતાર્યું હતું. પહેલી ટેસ્ટની બીજી ઇનિંગ્સનો સેન્ચુરિયન કે. એલ. રાહુલ ગઈ કાલે માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયો હતો. યશસ્વી જાયસવાલ ફરી વાર બૅટ સાથે ઝળક્યો હતો અને તેણે ૧૦૭ બૉલમાં ૧૩ ફોરની મદદથી ૮૭ રન કર્યા હતા. વન-ડાઉન આવેલો કરુણ નાયર ૫૦ બૉલમાં ૩૧ રન કરીને આઉટ થયો હતો. રિષભ પંતે ૪૨ બૉલમાં પચીસ રન કર્યા હતા અને નીતીશ કુમાર રેડ્ડી માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો.

કૅપ્ટન શુભમન ગિલે ૧૧૪ રન ફટકાર્યા હતા. આ તેની સિરીઝમાં બીજી સેન્ચુરી છે.

ભારતે બીજી ટેસ્ટ માટેની ટીમમાંથી સાઇ સુદર્શન અને શાર્દૂલ ઠાકુરને ડ્રૉપ કર્યા હતા તથા જસપ્રીત બુમરાહને આરામ આપ્યો હતો. આ ત્રણ પ્લેયર્સની જગ્યાએ ટીમમાં નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર અને આકાશ દીપને સમાવવામાં આવ્યા હતા.

india england london test cricket cricket news indian cricket team shubman gill jasprit bumrah yashasvi jaiswal sports news sports kl rahul ravindra jadeja Rishabh Pant karun nair washington sundar nitish kumar reddy sai sudharsan