✕

પહેલી વાર ભારતે ફર્સ્ટ ઓવરમાં ઝીરો પર ત્રણ વિકેટ ગુમાવી

14 November, 2026 08:00 AM IST  |  New Zealand | Gujarati Mid-day Correspondent

વન-ડે ઇતિહાસમાં ભારતને મળી પોતાની ૨૪૪ રનની બીજી સૌથી મોટી હાર : ઓપનર વિલ યંગના ૧૨૫ રનની મદદથી ન્યુ ઝીલૅન્ડે ૩૩૩ રન કર્યા હતા, ટૉપ ફોરના ધબડકા પછી ભારત ૮૯ રનમાં ઑલઆઉટ થયું ઃ મૅટ હેન્રી ૬ વિકેટ લઈને બન્યો હીરો.

વિકેટ પડ્યા પછી ઝઘડો કરતા ટિમ સાઇફર્ટ અને ગુરનૂર બરાડ વચ્ચે શાંતિદૂત બનતો જોવા મળ્યો વિરાટ કોહલી, મૅટ હેન્રીએ ૬ વિકેટ લઈને ભારતની કમર તોડી નાખી હતી. તેને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો

વન-ડે ઇતિહાસમાં ભારતને મળી પોતાની ૨૪૪ રનની બીજી સૌથી મોટી હાર : ઓપનર વિલ યંગના ૧૨૫ રનની મદદથી ન્યુ ઝીલૅન્ડે ૩૩૩ રન કર્યા હતા, ટૉપ ફોરના ધબડકા પછી ભારત ૮૯ રનમાં ઑલઆઉટ થયું : મૅટ હેન્રી ૬ વિકેટ લઈને બન્યો હીરો : ભારત સામેની પાંચ વન-ડે મૅચની સિરીઝમાં ન્યુ ઝીલૅન્ડે સ્કોરલાઇન ૧-૨ કરી, છેલ્લી વન-ડે મૅચ રવિવારે રમાશે

ન્યુ ઝીલૅન્ડે ચોથી વન-ડે મૅચમાં ૨૪૪ રનની જીત સાથે પાંચ વન-ડે મૅચની સિરીઝમાં કમબૅક કરીને સ્કોરલાઇન ૧-૨ કરી છે. ૧૫ નવેમ્બરે પાંચમી વન-ડે મૅચ પણ માઉન્ટ મૌંગાનુઈમાં જ રમાશે. ન્યુ ઝીલૅન્ડની આ બીજી સૌથી મોટી વન-ડે જીત છે. અગાઉ આ ટીમે ૨૦૦૮માં આયરલૅન્ડ સામે ૨૯૦ રને જીત મેળવી હતી. ભારતને સૌથી મોટી ૨૪૫ રનની વન-ડે હાર ૨૦૦૦માં શ્રીલંકા સામે મળી હતી. ભારતની આ બીજી સૌથી મોટી વન-ડે હાર છે.

વિલ યંગની સદીના આધારે ન્યુ ઝીલૅન્ડે ચોથી વન-ડે મૅચમાં ૫૦ ઓવરમાં ૩૩૩-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતના બૅટર્સ ૨૬.૪ ઓવરમાં ૮૯ રનના સ્કોર પર તંબુભેગા થયા હતા.

ટૉસ હારીને પ્રથમ બૅટિંગ કરનાર ન્યુ ઝીલૅન્ડ માટે ઓપનર વિલ યંગે ૧૦૮ બૉલમાં ૧૪ ફોર, ૪ સિક્સની મદદથી ૧૨૫ રન કર્યા હતા. આકિબ નબી સામે બીજી ઓવરમાં જ વિલ યંગના બૅક-ટુ-બૅક બૉલ પર કૅચ છૂટ્યા હતા. ટિમ સાઇફર્ટે ૪૮ બૉલમાં ૫૮ રન અને ફિન ઍલને ૩૦ બૉલમાં ૪૧ રનનું યોગદાન આપ્યું હતું.

ન્યુ ઝીલૅન્ડે પોતાની અંતિમ પાંચ વિકેટ ૭૫ રનમાં ગુમાવી દીધી હતી. ભારતીય બોલિંગ યુનિટમાંથી આકિબ નબી, ગુરનૂર બરાડ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી. નમન ધીર અને અર્શદીપ સિંહને એક-એક વિકેટ મળી હતી.

રન-ચેઝ દરમ્યાન ભારતે ઝીરોના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, શ્રેયસ ઐયર ગોલ્ડન ડક થયા હતા અને વિરાટ કોહલી ૪ બૉલમાં એક પણ રન કર્યા વગર તંબુભેગો થયો હતો. રોહિત શર્માનો નવો સાથી ઓપનર ઋતુરાજ ગાયકવાડ ૧૩ બૉલમાં પાંચ રન જ કરી શક્યો હતો.

ઈશાન કિશને ૫૩ બૉલમાં ૪ ફોરની મદદથી ૨૭ રન, અક્ષર પટેલે ૩૬ બૉલમાં ૩ ફોરની મદદથી ૨૧ રન અને નમન ધીરે ૨૪ બૉલમાં બે સિક્સની મદદથી ૨૧ રન કર્યા હતા. કિવી ટીમ માટે ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ ૯.૪ ઓવરમાં ૨૭ રન આપીને ૬ વિકેટ લીધી હતી. મૅથ્યુ ફિશરને ૩ વિકેટ અને કાઇલ જૅમીસનને ૧ વિકેટ મળી હતી.

પહેલી વખત ભારતે ઝીરોના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી, ૧૯૮૩માં પણ ૯ રનના સ્કોર પર પહેલી ૪ વિકેટ પડી હતી

વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં ભારતે પહેલી વખત ઝીરોના સ્કોર પર પહેલી ૩ વિકેટ ગુમાવી દીધી હતી. અગાઉ પાકિસ્તાને ૧૯૮૩ અને ૧૯૯૭માં, બંગલાદેશે ૨૦૦૩માં અને ઑસ્ટ્રેલિયાએ આ વર્ષે જ આવી શરમજનક સ્થિતિનો સામનો કર્યો છે.

ગઈ કાલે ભારતીય વન-ડે ટીમે ૧૦ રનની અંદર એટલે કે ૯ રનના સ્કોર પર પહેલી ૪ વિકેટ ગુમાવી હતી. અગાઉ ભારતની વન-ડે ટીમે માત્ર એક વખત ૧૯૮૩માં ઝિમ્બાબ્વે સામે વર્લ્ડ કપ મૅચમાં ૯ રનના સ્કોરે ૪ વિકેટ ગુમાવી હતી. આ મૅચમાં કપિલ દેવે છઠ્ઠા ક્રમે રમીને અણનમ ૧૭૫ રન કરીને ભારતનો સ્કોર ૨૬૬-૮નો કર્યો હતો.

વન-ડેમાં સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થવા મામલે વિરાટ કોહલીએ સચિન તેન્ડુલકરની બરાબરી કરી

વિરાટ કોહલી ગઈ કાલે વન-ડે ક્રિકેટમાં ભારત તરફથી ૩૦૮ ઇનિંગ્લમાં વીસમી વખત ઝીરો પર આઉટ થયો હતો. વિરાટ કોહલીએ સચિન તેન્ડુલકરના શરમજનક રેકૉર્ડની બરાબરી કરી છે. સચિન તેન્ડુલર ૪૫૨ ઇનિંગ્સમાં ૨૦ વખત ઝીરોના સ્કોર પર આઉટ થઈને વન-ડેમાં સૌથી વધુ ડક આઉટ થનાર ભારતીય છે.

રોહિત શર્મા ૧૮ ઝીરો સાથે આ લિસ્ટમાં અનિલ કુંબલે અને યુવરાજ સિંહ સાથે ત્રીજા ક્રમે છે. જવાગલ શ્રીનાથ ૧૯ વખત સાથે બીજા ક્રમે છે.

વિરાટ અને રોહિત વન-ડે ક્રિકેટમાં એકસાથે બીજી વખત ઝીરો પર તંબુભેગા થયા છે. અગાઉ ૨૦૧૦માં શ્રીલંકા સામેની વન-ડે મૅચમાં આવું થયું હતું.

8 : આટલામી વખત ભારત વન-ડેમાં ૧૦૦ રનની અંદર ઑલઆઉટ થયું. છેલ્લે ૨૦૧૯માં કિવી ટીમ સામે જ ૯૨ રને તંબુભેગુ થયું હતું.

ચોથી વન-ડે મૅચમાં ભારતીય ટીમના ધબડકાના આંકડા

૦.૧ ઓવરમાં સ્કોર ૦-૧

૦.૫ ઓવરમાં સ્કોર ૦-૨

૦.૬ ઓવરમાં સ્કોર ૦-૩

૫.૩ ઓવરમાં સ્કોર ૯-૪

૧૭.૧ ઓવરમાં સ્કોર ૫૩-૫

૨૦.૧ ઓવરમાં સ્કોર ૬૧-૬

૨૧.૪ ઓવરમાં સ્કોર ૬૬-૭

૨૨.૬ ઓવરમાં સ્કોર ૬૯-૮

૨૩.૬ ઓવરમાં સ્કોર ૮૩-૯

૨૬.૪ ઓવરમાં સ્કોર ૯૮-૧૦

 

india new zealand one day international odi virat kohli rohit sharma team india indian cricket team cricket news sports news sports shreyas iyer ishan kishan