15 November, 2026 09:17 AM IST | New Zealand | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર, રોહિત શર્મા અને વિરાટ કોહલી
માઉન્ટ મૌંગાનુઈના મેદાન પર આજે રમાનારી પાંચમી અને અંતિમ વન-ડેમાં ઇન્ડિયા ચોથી મૅચની કારમી હારને ભૂલીને સિરીઝનો અંત જીત સાથે કરવાના ઇરાદા સાથે ઊતરશે. પાંચ મૅચની સિરીઝમાં ઇન્ડિયાએ અત્યારે ૨-૧ની સરસાઈ મેળવી લીધી છે, પરંતુ યજમાન ન્યુ ઝીલૅન્ડ શુક્રવારના શાનદાર કમબૅકનો લય જાળવી રાખીને સિરીઝ ૨-૨થી બરોબર કરવા આતુર છે.
શુક્રવારે ન્યુ ઝીલૅન્ડે મેળવેલી ૨૪૪ રનની જંગી જીત બાદ આ મુકાબલાનું સમીકરણ બદલાઈ ગયું છે. પ્રથમ બે મૅચમાં સંઘર્ષ કર્યા બાદ યજમાન ટીમે પ્રથમ બૅટિંગ કરતાં ૩૩૩ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો અને ત્યાર બાદ ઇન્ડિયાને માત્ર ૮૯ રનમાં ઑલઆઉટ કરીને દબદબો જમાવ્યો હતો. વિલ યંગની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ૧૨૫ રનની ઇનિંગ્સે ન્યુ ઝીલૅન્ડનો પાયો નાખ્યો હતો, ત્યાર બાદ મૅટ હેન્રીએ માત્ર ૨૭ રનમાં ૬ વિકેટ ઝડપીને ઇન્ડિયન ટૉપ-ઑર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો.
હેન્રીએ શરૂઆતની ઓવરોમાં જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરને પૅવિલિયન ભેગા કરીને સ્વિંગ અને શિસ્તબદ્ધ ફાસ્ટ બોલિંગ સામે ઇન્ડિયાની નબળાઈ છતી કરી હતી. આ મેદાનની પિચ ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મદદરૂપ થાય એવી હોવાથી ઇન્ડિયન ટૉપ-ઑર્ડરે વધુ મક્કમતાથી બૅટિંગ કરવી પડશે. આગામી ટેસ્ટ-સિરીઝની તૈયારી માટે શુભમન ગિલ અને કે. એલ. રાહુલ પરત ફર્યા હોવાથી ઇન્ડિયાનું બૅટિંગ-કૉમ્બિનેશન ફરી ચર્ચામાં છે. અંતિમ બે વન-ડેમાં સુકાન સંભાળી રહેલો શ્રેયસ ઐયર પાછલી મૅચની નિષ્ફળતા ભૂલીને મિડલ-ઑર્ડરને સ્થિરતા આપવા પ્રયત્ન કરશે. રોહિત અને કોહલી ટીમની રણનીતિના કેન્દ્રમાં રહેશે; જ્યારે ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ અને અન્ય મિડલ-ઑર્ડર બૅટરો મળેલી તકનો પૂરો ફાયદો ઉઠાવવા માગશે.
બીજી તરફ ન્યુ ઝીલૅન્ડને આશા છે કે શુક્રવારની જીત માત્ર એક અપવાદ નહીં પણ ટર્નિંગ પૉઇન્ટ સાબિત થશે. ટૉમ લૅધમ, ડૅરિલ મિચલ, હેન્રી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સ જેવા અનુભવી ખેલાડીઓ ટેસ્ટની તૈયારી માટે રવાના થતાં યજમાન ટીમ નવા કલેવરમાં છે. ચોથી વન-ડેમાં વિલ યંગની સદી અને ટિમ સાઇફર્ટની આક્રમક ૫૮ રનની ઇનિંગ્સે ટીમને નવો વિશ્વાસ આપ્યો છે, જ્યારે મૅટ હેન્રીના પુનરાગમનથી તેમની પેસ-બૅટરી વધુ મજબૂત બની છે.