આ વર્ષે આઇપીએલ ફરી શરૂ થશે તો ઇંગ્લૅન્ડના ખેલાડીઓ કદાચ નહીં રમે

12 May, 2021 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બંગલા દેશ અને પાકિસ્તાન સામેની સિરીઝ પ્લાન પ્રમાણે યોજાય તો ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડ તેમના ખેલાડીઓને પરમિશન નહીં આપે

આઇપીએલમાં અલગ-અલગ ટીમમાં ઇંગ્લૅન્ડના કુલ ૧૧ ખેલાડીઓ છે

એક તરફ ચારેક ઇંગ્લિશ કાઉન્ટી અને અમુક ભૂતપૂર્વ ઇંગ્લૅન્ડના ક્રિકેટરો અટકી પડેલી આઇપીએલની ૧૪મી સીઝનની બાકીની ૩૧ મૅચો ઇંગ્લૅન્ડમાં યોજવા માટે આમંત્રણ આપી રહી છે ત્યારે બીજી તરફ ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે જો આ વર્ષે આઇપીએલની બાકીની મૅચો યોજાય તો તેમના ખેલાડીઓ એમાં કદાચ સામેલ નહીં થઈ શકે એમ કહીને ભારતીય ક્રિકેટ બોર્ડની મૂંઝવણ વધારી રહ્યા છે. 

હાલના તબક્કે બે જ સમયગાળો દેખાઈ રહ્યો છે જ્યારે આઇપીએલની બાકીની મૅચો રમાડી શકાય એમ છે. સપ્ટેમ્બરના છેલ્લા પખવાડિયાથી ઑક્ટોબરના પહેલા અઠવાડિયા સુધીમાં અથવા ટી૨૦ વર્લ્ડ કપ પછી તરત નવેમ્બરમાં. 

એક ક્રિકેટ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર ઑફ ક્રિકેટ ઍશ્લી જાયલ્સે સ્પષ્તા કરી હતી કે જો આઇપીએલની અધૂરી સીઝન આ વર્ષે યોજાશે તો કદાચ ઇંગ્લૅન્ડના ખેલાડીઓ એમાં સામેલ નહીં થઈ શકે. જાયલ્સે કહ્યું કે ‘સપ્ટેમ્બર અને નવેમ્બર બન્ને સમયે ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ઇન્ટરનૅશનલ ટૂરમાં વ્યસ્ત હશે. સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં બંગલા દેશ અને પાકિસ્તાનની ટૂરનું આયોજન છે અને ટી૨૦ વર્લ્ડ કપ પછી તરત ઑસ્ટ્રેલિયા સામે ઍશિઝ સિરીઝ યોજાવાની છે. ઇંગ્લૅન્ડના ખેલાડીઓને ઇંગ્લૅન્ડની મૅચોમાં જ રમાડીશું. આથી જો પાકિસ્તાન અને બંગલા દેશની ટૂર યોજના પ્રમાણે યોજાશે તો અમે અમારા ખેલાડીઓ એ સિરીઝમાં જ રમે એવું ઇચ્છશું. અત્યારે કોઈને ખબર નથી કે આઇપીએલની બાકીની મૅચો ક્યાં અને ક્યારે રમાવાની છે, પણ અમને ખબર છે કે બીજી જૂનથી ન્યુ ઝીલૅન્ડ સામે શરૂ થઈ રહેલી અમારી સમર સીઝનનો કાર્યક્રમ ખૂબ વ્યસ્ત છે. અમારા ખેલાડીઓ ટી૨૦ વર્લ્ડ કપ અને ઍશિઝ એમ બે હાઈ-પ્રોફાઇલ સિરીઝ રમવાના છે. ઉપરાંત ૨૧થી જુલાઈથી શરૂ થઈ રહેલી હન્ડ્રેડ લીગમાં પણ તેઓ ભાગ લેવાના છે. આથી આવા સમયે ખેલાડીઓના વર્કલોડનું યોગ્ય મૅનેજમેન્ટ કરવું પણ ખૂબ જરૂરી છે.’

આઇપીએલમાં અલગ-અલગ ટીમમાં ઇંગ્લૅન્ડના કુલ ૧૧ ખેલાડીઓ છે અને કલકત્તા ટીમનો કૅપ્ટન ઇઓન મૉર્ગન પણ ઇંગ્લૅન્ડનો છે. 

cricket news sports news sports ipl 2021 indian premier league england