ફરી એક વાર પાકિસ્તાનને એની ઔકાત દેખાડી દીધી ભારતે! પાકિસ્તાનના દાંડિયા ડૂલ સૂર્યાના સૂરમાઓ સામે

16 February, 2026 08:52 AM IST  |  Colombo | Gujarati Mid-day Correspondent

૧૭૫ રન ડિફેન્ડ કરીને ભારતે પાકિસ્તાન સામેની સૌથી મોટી ૬૧ રનની T20 જીત મેળવી, T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો જીતનો રેકૉર્ડ ૮-૧નો થયો : નાપાક પાડોશી ટીમ સામે બિગેસ્ટ T20 વિજય મેળવીને ટીમ ઇન્ડિયાનો સુપર 8માં પ્રવેશ

એક તરફ ટીમ ઇન્ડિયાની ઉજવણી અને બીજી તરફ નાલેશી સાથે પાછી ફરતી પાકિસ્તાનની છેલ્લી જોડી

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના બિગેસ્ટ જંગમાં ભારત સામે પાકિસ્તાને ૬૧ રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. T20 વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે જીતનો રેકૉર્ડ ૮-૧નો થયો છે એ ટુર્નામેન્ટમાં એક ટીમ સામે સૌથી વધુ જીતનો રેકૉર્ડ પણ છે. ભારતે ઓપનર ઈશાન કિશનની ૭૭ રનની ધમાકેદાર ઇનિંગ્સના જોરે ૭ વિકેટ ગુમાવીને ૧૭૫ રન કર્યા હતા. ભારત-પાકિસ્તાનની T20 વર્લ્ડ કપ રાઇવરલરીનો આ સૌથી મોટો સ્કોર હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ ભારતીય બોલર્સની શાનદાર બોલિંગ સામે ૧૮ ઓવરમાં ૧૧૪ રન કરીને ઢેર થઈ ગઈ હતી. બન્ને ટીમની T20 ઇન્ટરનૅશનલ ટક્કરમાં સૌથી મોટી ૬૧ રનની જીત ભારતના નામે લખાઈ ગઈ છે.

સાથી-ઓપનર અભિષેક શર્માની પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવ્યા છતાં ઈશાન કિશન ૧૯૨.૫૦ના સ્ટ્રાઇક-રેટથી જોરદાર ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ૪૦ બૉલમાં ૧૦ ફોર અને ૩ સિક્સના આધારે ૭૭ રન કર્યા હતા. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૨૯ બૉલમાં ૩ ફોરના આધારે ૩૨ રન કર્યા હતા. તિલક વર્માએ ૨૪ બૉલમાં ૨૫ રન, શિવમ દુબેએ ૧૭ બૉલમાં ૨૭ રન અને રિન્કુ સિંહે ૪ બૉલમાં ૧૧ રનનું યોગદાન આપ્યું હતું.

 ૪૦ બૉલમાં ૧૦ ફોર અને ૩ સિક્સના આધારે ૭૭ રન ફટકારી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો ઈશાન કિશન

પાકિસ્તાનના સ્પિનર સૈમ અયુબે ૪ ઓવરમાં ૨૫ રન આપીને ૩ વિકેટ લીધી હતી. કૅપ્ટન સલમાન અલી આગાએ બે ઓવરમાં ૧૦ રન આપીને એક વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ બે ઓવરમાં ૩૧ રન આપીને ૧ વિકેટ લીધી હતી. ચર્ચાસ્પદ સ્પિનર ઉસ્માન તારિકે ૪ ઓવરમાં ૨૪ રન આપીને એકમાત્ર કૅપ્ટન સૂર્યાની વિકેટ લીધી હતી.

રન-ચેઝ દરમ્યાન પાકિસ્તાને પાવરપ્લેમાં ૩૮ રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. પાકિસ્તાન માટે સૌથી મોટી ઇનિંગ્સ વિકેટકીપર-બૅટર ઉસ્માન ખાને રમ‌ીને ૩૪ બૉલમાં ૬ ફોર અને ૧ સિક્સની મદદથી ૪૪ રન કર્યા હતા. અંતિમ ઓવર્સમાં શાહીન શાહ આફ્રિદી ૧૯ બૉલમાં બે ફોર અને એક સિક્સની મદદથી ૨૩ રનની અણનમ ઇનિંગ્સ રમ્યો હતો. તિલક વર્મા, ઈશાન કિશન અને કુલદીપ યાદવે હાથમાં આવેલા કૅચ છોડતાં પાકિસ્તાનની ટીમને ૧૦૦ રનનો આંકડો પાર કરવામાં મદદ મળી હતી.

ભારતનના બોલિંગ-યુનિટમાંથી વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ અને તિલક વર્માને ૧-૧ સફળતા મળી હતી. સાતમા બોલિંગ-વિકલ્પ તરીકે રિન્કુ સિંહે પણ એક ઓવર કરી હતી જેમાં તેણે વિકેટ લીધા વિના ૯ રન આપ્યા હતા. 

27

T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન હરીફાઈમાં સૌથી ફાસ્ટેસ્ટ આટલા બૉલમાં ફિફ્ટી ફટકારવાનો રેકૉર્ડ કર્યો ઈશાન કિશને.

18

T20 વર્લ્ડ કપની એક ઇનિંગ્સમાં સ્પિનર્સ પાસે હાઇએસ્ટ આટલી ઓવર કરાવીને 2012ના ઑસ્ટ્રેલિયા સામેના પોતાના રેકૉર્ડની બરાબરી કરી પાકિસ્તાને.

6

T20 વર્લ્ડ કપની એક ઇનિંગ્સમાં પહેલી વખત ૬ સ્પિનર્સને બોલિંગ કરાવવાનો રેકૉર્ડ કર્યો પાકિસ્તાને. 

સૂર્યા ઍન્ડ કંપનીએ પાકિસ્તાનીઓ સાથે હૅન્ડશેક ન કરવાની પૉલિસી યથાવત્ રાખી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા વર્ષે થયેલા સૈન્ય-સંઘર્ષ બાદ એશિયા કપમાં ભારતે પાકિસ્તાનીઓ સાથે હૅન્ડશેક ન કરવાનો નિર્ણય લીધો હતો. એશિયા કપથી શરૂ થયેલી આ પ્રથા સૂર્યા ઍન્ડ કંપનીએ ગઈ કાલે કોલંબોમાં T20 વર્લ્ડ કપ મૅચ દરમ્યાન પણ જાળવી રાખી હતી. ટૉસ સમયે બન્ને કૅપ્ટન્સ વચ્ચે મૅચ બાદ બન્ને ટીમોના સભ્યો વચ્ચે પણ કોઈ હૅન્ડશેક થયો નહોતો. જોકે કૉમેન્ટરી-પૅનલમાં ભારત અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર્સ એકસાથે બેસીને કૉમેન્ટરી કરતા જોવા મળ્યા હતા. 

ભારત સુપર 8માં, પાકિસ્તાનને ટૉપ-ટૂમાં આવવા કરવો પડશે સંઘર્ષ

ગઈ કાલે કોલંબોની હાઈ-વૉલ્ટેજ મૅચ પહેલાં પાકિસ્તાનની જેમ ચાર પૉઇન્ટ હોવા છતાં અમેરિકા +૦.૭૮૭ના નેટ રનરેટને કારણે ત્રીજા ક્રમે હતું. ભારત સામેની હારને કારણે પાકિસ્તાનનો નેટ રનરેટ +૦.૯૩૨ના નેટ રનરેટથી ઘટીને -૦.૪૦૩ થયો હતો. એને કારણે અમેરિકા પાકિસ્તાનને પછાડીને ગ્રુપ Aમાં બીજા ક્રમે પહોંચી શક્યું હતું. પાકિસ્તાને ટૉપ-ટૂમાં પહોંચવા માટે નામિબિયા સામેની મૅચ જીતવી પડશે. મૅચ નો-રિઝલ્ટ રહેવાના કિસ્સામાં પણ તેઓ બીજા ક્રમે પહોંચશે. ગઈ કાલની હૅટ-ટ્રિક જીત સાથે ભારત સુપર 8માં પહોંચી ગયું છે. 

રોહિત, ગંભીરના લિસ્ટમાં સામેલ થયો અભિષેક શર્મા

ભારતીય ઓપનર અભિષેક શર્મા અમેરિકા સામેની પોતાની T20 વર્લ્ડ કપ ડેબ્યુ મૅચમાં ગોલ્ડન ડક થયો હતો. ગઈ કાલે ફિટ થઈને આવેલો અભિષેક શર્મા ૪ બૉલ રમીને ઝીરો પર કૅપ્ટન અને સ્પિનર સલમાન અલી આગાની પહેલી ઓવરમાં કૅચઆઉટ થયો હતો. પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં ઝીરો પર આઉટ થનાર તે રોહિત શર્મા (૨૦૨૧), ગૌતમ ગંભીર (૨૦૦૭, ૨૦૧૨) બાદ ત્રીજો ઓપનર બન્યો હતો. 

હાઈ-વૉલ્ટેજ મૅચ પહેલાં રોહિત શર્માએ કોલંબોના મેદાન પર ઊતરીને ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધાર્યો હતો

કોલંબોમાં ગઈ કાલે ભારત અને પાકિસ્તાનની મૅચ જોવા માટે T20 વર્લ્ડ કપ 2026નો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર અને ભૂતપૂર્વ વર્લ્ડ કપ ચૅમ્પિયન રોહિત શર્મા પણ હાજર રહ્યો હતો. તેણે મૅચ પહેલાં ભારતીય ટીમના પૅવિલિયનમાં પહોંચીને તમામ પ્લેયર્સ અને સપોર્ટ-સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો.

રોહિત શર્મા, ICCના CEO સંજોગ ગુપ્તા અને પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમ રાષ્ટ્રગીત સમયે વર્લ્ડ કપ ટ્રોફી મેદાન પર લઈને આવ્યા હતા.

રોહિત શર્માએ ICCના ચૅરમૅન જય શાહ, BCCI પ્રમુખ મિથુન મન્હાસ, ઉપ-પ્રમુખ રાજીવ શુક્લા સહિતના અધિકારીઓ સાથે મૅચ જોવાનો આનંદ માણ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પ્રમુખ મોહસિન નકવી VIP બૉક્સમાં શ્રીલંકાના પ્રેસિડન્ટ અનુર કુમાર દિસાનાયકે સાથે ભારતની શાનદાર જીતની સફર નિહાળતો જોવા મળ્યો હતો. 

કેરલાના રૅપર-સિંગરે બ્લૉકબસ્ટર મૅચની શાનદાર શરૂઆત કરાવી

ગઈ કાલે શ્રીલંકાના કોલંબોમાં ભારત અને પાકિસ્તાનની બ્લૉકબસ્ટર મૅચ માટે ખાસ પર્ફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કેરલામાં જન્મેલા રૅપર-સિંગર હનુમાનકાઇન્ડે શાનદાર પર્ફોર્મન્સથી સ્ટેડિયમમાં હાજર ફૅન્સનો ઉત્સાહ વધાર્યો હતો. તેના પ્રખ્યાત સૉન્ગ પર કલાકારોએ ધમાકેદાર ડાન્સમૂવ્સ પણ દેખાડ્યા હતા. ૩૪ વર્ષના હનુમાનકાઇન્ડનું મૂળ નામ સૂરજ ચેરુકટ છે.

દાદરમાં કોલંબો જેવો માહોલ

તસવીરો : આશિષ રાજે

T-20 વર્લ્ડ કપની સૌથી રસપ્રદ મૅચ જોવા દાદરમાં શિવાજી પાર્ક જિમખાનાની બહાર મોટી સ્ક્રીન લગાડવામાં આવી હતી. મિની સ્ટેડિયમમાં ફેરવાઈ ગયેલા જિમખાનામાં લોકોએ ભારે ઉત્સાહથી ભારત-પાકિસ્તાન વચ્ચેની મૅચ માણી હતી. ભારતીય બોલરોનો તરખાટ જોઈને મૅચના ફાઇનલ રિઝલ્ટ પહેલાં જ વિજય નક્કી થઈ જતાં લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. 

t20 world cup international cricket council world cup pakistan india indian cricket team team india ishan kishan abhishek sharma tilak varma suryakumar yadav hardik pandya shivam dube rinku singh axar patel Kuldeep Yadav varun chakaravarthy jasprit bumrah board of control for cricket in india rajeev shukla jay shah rohit sharma gautam gambhir cricket news sports sports news