13 February, 2026 10:24 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતીય ઓપનર ઈશાન કિશને માત્ર ૨૦ બૉલમાં ફિફટી ફટકારી હતી, હાર્દિક બાવન રન ફટકાર્યા બાદ બે વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારતે નામિબિયા સામે શાનદાર જીત નોંધાવીને મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ Aમાં ૪ પૉઇન્ટ અને ૩.૦૫ના શાનદાર નેટ રનરેટના આધારે નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. ભારતે T20 વર્લ્ડ કપમાં પોતાનો બેસ્ટ પાવરપ્લે સ્કોર અને ફાસ્ટેસ્ટ ટીમ હન્ડ્રેડ કરીને ૯ વિકેટે ૨૦૯ રન કર્યા હતા. ભારતના ૬ બોલર્સના શાનદાર પ્રદર્શનને કારણે નામિબિયા ૧૮.૨ ઓવરમાં ૧૧૬ રને ઑલઆઉટ થઈ ગયું હતું. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતની ૯૩ રનની આ સૌથી મોટી જીત હતી.
ઈશાન કિશને ૨૫૪.૧૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૨૪ બૉલમાં ૬ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૬૧ રન કર્યા હતા. સંજુ સૅમસને ૨૭૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૩ સિક્સર અને ૧ ફોરની મદદથી ૮ બૉલમાં ૨૨ રન કર્યા હતા. તિલક વર્માએ ૨૧ બૉલમાં ૩ ફોરના આધારે ૨૫ રનનું અને કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ૧૩ બૉલમાં ૧ સિક્સરની મદદથી ૧૨ રનનું યોગદાન આપ્યું હતું. T20 વર્લ્ડ કપમાં ભારતે પોતાનો હાઇએસ્ટ ૧ વિકેટે ૮૬ રનનો પાવરપ્લે સ્કોર નોંધાવ્યો હતો. ભારતે માત્ર ૬.૫ ઓવરમાં T20 વર્લ્ડ કપ ઇતિહાસનો ફાસ્ટેસ્ટ ટીમ હન્ડ્રેડ કર્યો હતો. અગાઉ નેધરલૅન્ડ્સે ૨૦૧૪માં આયરલૅન્ડ સામે ૭ ઓવરમાં આ કમાલ કરી હતી.
ભારત તરફથી સ્પિનર વરુણ ચક્રવર્તીએ બે ઓવરમાં માત્ર ૭ રન આપીને ૩ વિકેટ લીધી હતી
હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ શાનદાર ઇનિંગ્સ રમીને મિડલ ઑર્ડરમાં ધીમી પડેલી ઇનિંગ્સ વચ્ચે મોટો સ્કોર કરવામાં મદદ કરી હતી. હાર્દિક પંડ્યાએ ૪ ફોર અને ૪ સિક્સરની મદદથી ૨૮ બૉલમાં બાવન રન કર્યા હતા. શિવમ દુબેએ ૧૬ બૉલમાં ૧ સિક્સર અને ૧ ફોરની મદદથી ૨૩ રન કર્યા હતા. નામિબિયાના કૅપ્ટન અને સ્પિનર ગેરહાર્ડ ઍરાસ્મસે માત્ર ૨૦ રન આપીને ૪ વિકેટ લઈ તરખાટ મચાવ્યો હતો.
ભારતીય બોલિંગ-યુનિટના તરખાટ પહેલાં નામિબિયાના ઓપનર્સ મોટો સ્કોર કરવામાં સફળ રહ્યા હતા. લોરેન સ્ટીનકૅમ્પે ૨૦ બૉલમાં ૨૯ રન અને જૅન ફ્રાયલિન્કે ૧૫ બૉલમાં ૨૨ રન કર્યા હતા. સ્પિનર વરુણ ચક્રવર્તીએ બે ઓવરમાં માત્ર ૭ રન આપીને ૩ વિકેટ લીધી હતી. અક્ષર પટેલે ૨૦ રનમાં બે અને ફાસ્ટ બોલર હાર્દિક પંડ્યાએ ૨૧ રનમાં બે વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ, શિવમ દુબે અને અર્શદીપ સિંહને ૧-૧ વિકેટ મળી હતી.
મૅચ બાદ નામિબિયા ટીમના સલાહકાર અને ભારતના ભૂતપૂર્વ હેડ કોચ ગૅરી કર્સ્ટનને ભેટી પડ્યા બાદ મજાકમસ્તી કરતો જોવા મળ્યો હતો હાર્દિક પંડ્યા
47
આટલામી વખત મેન્સ T20માં ભારતે ૨૦૦થી વધુ રન કર્યા. T20 વર્લ્ડ કપમાં ચોથી વખત આટલો સ્કોર કર્યો ટીમ ઇન્ડિયાએ.
10
મેન્સ T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં સતત આટલી મૅચ જીતનાર પહેલી ટીમ બની ભારત.
ભારત સામેની મૅચમાં નામિબિયાએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ટૉસ સમયે જાહેર થયેલી પ્લેઇંગ ઇલેવન અનુસાર પેટની સમસ્યાને લીધે હૉસ્પિટલ જઈ આવેલા અભિષેક શર્મા અને પાંસળીની ઇન્જરીમાંખી સ્વસ્થ થઈ રહેલા વૉશિંગ્ટન સુંદરને આરામ આપવામાં આવ્યો હતો. ઓપનર તરીકે અભિષેક શર્માના સ્થાને સંજુ સૅમસનને ટીમમાં સ્થાન મળ્યું હતું. પહેલી મૅચમાં વાઇરલ ફીવરને કારણે નહીં રમનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરી હતી. અમેરિકા સામેની મૅચના હીરો મોહમ્મદ સિરાજને બુમરાહની વાપસીને કારણે ડ્રૉપ કરવામાં આવ્યો હતો.