05 February, 2025 09:21 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નાગપુરમાં પ્રૅક્ટિસ દરમ્યાન મસ્તીના મૂડમાં ભારતીય ક્રિકેટરો.
ચૅમ્પિયન્સ ટ્રોફીની અંતિમ તૈયારીના ભાગરૂપે આવતી કાલે છઠ્ઠી ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમાશે. વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ ૨૦ ફેબ્રુઆરીએ બંગલાદેશ સામે અને ઇંગ્લૅન્ડ બાવીસ ફેબ્રુઆરીએ ઑસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. વન-ડે ફૉર્મેટમાં ભારત અને ઇંગ્લૅન્ડના રેકૉર્ડની વાત કરીએ તો ભારતીય ટીમ અંગ્રેજો પર ભારે જ પડી છે.
ઇંગ્લૅન્ડની ટીમ ૧૯૮૧-’૮૨માં ભારતમાં પહેલી વાર વન-ડે સિરીઝ રમવા આવી હતી. ભારતની ધરતી પર પહેલી વાર વન-ડે સિરીઝ રમવા આવનાર પહેલી ટીમ પણ બની હતી. ત્યારથી બન્ને ટીમ વચ્ચે ભારતની ધરતી પર ૧૦ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાંથી માત્ર ૧૯૯૨-’૯૩ અને ૨૦૦૦-’૦૧ની છ મૅચની વન-ડે સિરીઝ ૩-૩ના સ્કોરથી ડ્રૉ રહી હતી. બાકીની આઠમાંથી સાત વન-ડે સિરીઝમાં ભારતીય ટીમે કબજો કર્યો હતો.
ઇંગ્લૅન્ડની ટીમ ભારતની ધરતી પર જાન્યુઆરી ૧૯૮૫માં એકમાત્ર વન-ડે સિરીઝ જીતી છે. એ સમયે સુનીલ ગાવસકરના નેતૃત્વવાળી ભારતીય ટીમ સામે અંગ્રેજ ક્રિકેટર્સ પાંચ મૅચની સિરીઝ ૪-૧થી જીતવામાં સફળ રહ્યા હતા.
છેલ્લે ઇંગ્લૅન્ડે પોતાની ધરતી પર ૨૦૧૮માં ભારતીય ટીમ સામે ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ૨-૧થી જીત મેળવી હતી. ત્યાર બાદ ૨૦૨૧માં ભારતમાં અને ૨૦૨૨માં ઇંગ્લૅન્ડમાં આયોજિત ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમે ૨-૧થી બાજી મારી હતી.
ઓવરઑલ રેકૉર્ડની વાત કરીએ તો ભારતીય ટીમ છેલ્લે ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે ૨-૧થી ત્રણ મૅચની વન-ડે સિરીઝ હારી હતી જેને કારણે ઘરઆંગણે સતત સાત વન-ડે સિરીઝ જીત્યા બાદ ભારતનો વિજયરથ અટકી ગયો હતો.
|
વન-ડે ફૉર્મેટમાં હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૧૦૭ |
|
ભારતની જીત |
૫૮ |
|
ઇંગ્લૅન્ડની જીત |
૪૪ |
|
ટાઇ |
૦૨ |
|
નો-રિઝલ્ટ |
૦૩ |