કોવિડની દરદી રમી ભારત સામેની ફાઇનલમાં

09 August, 2022 03:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મનવેલ્થ ગેમ્સ ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ, કૉમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને આઇસીસી વચ્ચે મૅક્ગ્રાના મુદ્દે ચર્ચા થઈ હતી

ઑસ્ટ્રેલિયાની ઑલરાઉન્ડર તાહલિયા (વચ્ચે)

રવિવારે ભારત સામેની કૉમનવેલ્થ ટી૨૦ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાની ઑલરાઉન્ડર તાહલિયા મૅકગ્રાએ ફક્ત બે રન બનાવ્યા હતા અને બે ઓવર બોલિંગ કરી હતી, પરંતુ આખી મૅચમાં તેની હાજરી મોટો વિવાદ સર્જી શકે છે. તે રવિવારે સવારે બર્મિંગહૅમની હોટેલરૂમમાં જાગી ત્યારે તેની તબિયત સારી નહોતી. મેડિકલ ચેક-અપ કરાવાતાં તેનામાં કોરોનાનાં હળવાં લક્ષણ જણાયાં હતાં. ડૉક્ટરે તેને પૉઝિટિવ રિપોર્ટ આપ્યો હોવા છતાં તેને ફાઇનલમાં રમવાની છૂટ મળી હતી.

કૉમનવેલ્થ ગેમ્સ ઑસ્ટ્રેલિયા, ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ, કૉમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને આઇસીસી વચ્ચે મૅક્ગ્રાના મુદ્દે ચર્ચા થઈ હતી. આવી બાબતો પર દરેક કેસના આધારે નિર્ણય લેવો એવી આ રમતોત્સવની નીતિ હોવાથી મૅક્ગ્રાને રમવાની છૂટ આપવામાં આવી હતી.

ઑસ્ટ્રેલિયા આ ગેમ્સમાં પાંચેપાંચ મૅચ જીતી હતી. મૅકગ્રાએ પાંચ મૅચમાં ૧૪૮.૮૩ના સ્ટ્રાઇક-રેટે કુલ ૧૨૮ રન બનાવ્યા હતા. તે તમામ બૅટર્સમાં નવમા ક્રમે હતી, પરંતુ તમામ બોલર્સમાં કુલ ૮ વિકેટ સાથે બીજા નંબરે રહી હતી.

ચોંકાવનારી વાત એ છે કે રવિવારે મૅકગ્રા પોતાની બૅટિંગની રાહ જોતી લગભગ પોણો કલાક સુધી ડગઆઉટના એક આખા વિભાગમાં માસ્ક પહેરીને એકલી બેઠી હતી અને તેની બૅટિંગ આવતાં ઊભી થઈને મેદાનમાં ઊતરી હતી. તેણે પછીથી ફીલ્ડિંગ દરમ્યાન ભારતીય ઓપનર શેફાલી વર્માનો અફલાતૂન કૅચ પકડ્યો હતો અને બે ઓવર બોલિંગ પણ કરી હતી જેમાં ૨૪ રનમાં તેને એકેય વિકેટ નહોતી મળી. ફીલ્ડિંગ દરમ્યાન મૅકગ્રા મોટા ભાગે સાથીઓથી દૂર રહી હતી.

 અમને ટૉસ પહેલાં તાહલિયા મૅકગ્રાના પૉઝિટિવ રિપોર્ટ વિશે વાકેફ કરાયા હતા. તે બહુ બીમાર નહોતી એટલે તેના રમવા સામે અમને કોઈ વાંધો નહોતો. ટીમ ઇન્ડિયાએ સ્પોર્ટ્સમૅનશિપ બતાવીને તેને રમવાની અમારા તરફથી છૂટ આપી હતી. હરમનપ્રીત કૌર, ભારતીય કૅપ્ટન

 શરમની વાત તો એ છે કે પ્લેયર્સરૂમમાં ૯૦ ટકાને કોવિડની અસર હોય અને કોઈ ટેસ્ટિંગ પણ ન કરાવતું હોય એ સ્થિતિમાં ટીમની મહત્ત્વની પ્લેયર ફાઇનલ જેવી સર્વોચ્ચ સ્તરની મૅચમાં કોવિડ સાથે રમી હોવાની વાતને ચગાવવામાં આવી. તે અમારી સાથે મેદાન પર સેલિબ્રેશન પણ ન કરી શકી એ બીજી શરમની વાત કહેવાય. અમે રમતી વખતે પોતાને સેફ રાખવાની ખાતરી આપી હતી અને મૅકગ્રાને રમાડવામાં આવી એ યોગ્ય નિર્ણય હતો. બેથ મૂની, ઑસ્ટ્રેલિયન ઓપનર

sports sports news indian womens cricket team t20 covid19 harmanpreet kaur