ભારતીય મહિલા ટીમ રોકી શકશે ઑસ્ટ્રેલિયાનો વિજયરથ?

21 September, 2021 08:29 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજે પહેલી વન-ડે, ઇન્જર્ડ હરમનપ્રીત કૌર નહીં રમે, કાંગારૂ ટીમ રેકૉર્ડ સળંગ ૨૨ મૅચ જીતી છે

મિતાલી રાજ

ભારતીય મહિલા ટીમની કપરી ઑસ્ટ્રેલિયા ટૂરની આજે પહેલી પરીક્ષા છે. આજે બન્ને ટીમ વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝની પ્રથમ મૅચ (સવારે ૫.૩૫ વાગ્યે) રમાશે. ઑસ્ટ્રેલિયન ટીમ રેકૉર્ડ સળંગ ૨૨ વન-ડે જીતી હોવાથી તેમના આ વિજયરથને રોકવા ભારતીય મહિલા ટીમે કમાલનું પર્ફોર્મ કરવું પડશે. એપ્રિલમાં ન્યુ ઝીલૅન્ડને હરાવીને ઑસ્ટ્રેલિયન ટીમે સળંગ ૨૨ વન-ડે જીતવાનો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. તેમણે એના જ દેશના પુરુષ ટીમનો ૨૨ મૅચનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો હતો.

આ કપરા મુકાબલા પહેલાં ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા હતા કે ટીમની વાઇસ-કૅપ્ટન હરમનપ્રીત કૌર ઇન્જરીને લીધે આ મૅચમાં નહીં રમી શકે. હરમનપ્રીતને વૉર્મ-અપ મૅચ દરમ્યાન અંગૂઠામાં ઈજા થઈ છે.

હરમનપ્રીત વગર ભારતીય ટીમના મિડલ-ઑર્ડરે આજે જાગવું પડશે. ભારતીય ટીમની બૅટ્સવુમન્સ ખાસ કરીને મિડલ-ઑર્ડરની ખરાબ બૅટિંગને લીધે તેમણે છેલ્લી બે સિરીઝમાં સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ સામે હાર જોવી પડી છે. ભારતીય ટીમ ઓપનરો સ્મૃતિ મંધાના અને ટીનેજર શેફાલી વર્મા પર જ બધો દારોમદાર જોવા મળી રહ્યો છે. બન્ને ઓપનરોની આક્રમક શરૂઆતના મિડલ ઑર્ડરના નબળા પર્ફોર્મન્સને લીધે ટીમ વધુ લાભ નથી લઈ શકતી. મિતાલી રાજે ઇંગ્લૅન્ડ સામે સતત ત્રણ મૅચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી પણ એ ઝડપથી રન નથી બનાવી શકતી. મુંબઈકર જેમિમાહ રૉડ્રિગ્સ છેલ્લા કેટલાક સમયથી શાંત છે, પણ છેલ્લે તેણે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં શાનદાર ફૉર્મ બતાવતાંતે ફરી તેનું વન-ડાઉનનું સ્થાન મેળવીને ટીમને મોટા સ્કોર સુધી લઈ જવા મદદરૂપ થઈ શકે છે. વિકેટકીપર તાનિયા ભાટિયાની નબળી બૅટિંગને લીધે આજે કદાચ રિચા ઘોષનું વન-ડે ડેબ્યુ થઈ શકે છે.

ભારતીય ટીમ માટે રાહતના સમાચાર છે કે આ સિરીઝમાં અનુભવી ઑસ્ટ્રેલિયન બોલરોને આરામ અપાયો હોવાથી યુવા બોલરોનો સામનો કરવાનો રહેશે.

બન્ને ટીમ વચ્ચે સાડાત્રણ વર્ષ બાદ વન-ડે રમાશે. તેમની વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મૅચમાંથી ઑસ્ટ્રેલિયા ચારમાં અને ભારત એકમાં વિજય મેળવી શકી છે.

sports sports news cricket news indian womens cricket team india australia