બંગાળ ઇલેક્શન પહેલાં TMC છોડીને ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ BJPમાં જોડાયો

01 April, 2026 10:22 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં ભારતીય ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયો છે.

ગઈ કાલે દિલ્હીમાં BJP-પ્રવેશ વખતે કિરેન રિજિજુ સાથે લિએન્ડર પેસ.

પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં ભારતીય ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયો છે. તે ૨૦૨૧માં તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)માં જોડાયો હતો અને ૨૦૨૨ની ગોવાની ચૂંટણી દરમ્યાન તેણે પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. જોકે તેણે કોઈ ચૂંટણી લડી નહોતી. તેની ફૅમિલી મૂળ ગોવાની છે.

કલકત્તામાં જન્મેલા લિએન્ડર પેસને દિલ્હીમાં BJPનું સભ્યપદ સોંપતાં કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે ‘BJP પરિવારમાં લિએન્ડર પેસનો પ્રવેશ એક ઐતિહાસિક ક્ષણ છે. આશા છે કે તે પાર્ટીના પ્લૅટફૉર્મ પરથી રાજકારણમાં મોટી ઇનિંગ્સ રમશે.’

બાવન વર્ષના લિએન્ડર પેસે કહ્યું હતું કે ‘હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મને આ તક આપવા બદલ આભાર માનું છું. આ ફક્ત કાગળનો ટુકડો કે સભ્યપદ નથી, એ એક જવાબદારી છે. મને આશા છે કે જ્યારે ભારત ૨૦૩૬માં ઑલિમ્પિક્સનું આયોજન કરશે ત્યારે આપણે ૨૦ કે એથી વધુ મેડલ મેળવવાનું લક્ષ્ય રાખી શકીશું.’ 

national news india west bengal bhartiya janta party bjp bharatiya janata party political news indian politics trinamool congress