સુવેન્દુ અધિકારી બન્યા પશ્ચિમ બંગાળના BJPના પ્રથમ મુખ્ય પ્રધાન

10 May, 2026 10:58 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ૨૦ રાજ્યોના મુખ્ય પ્રધાન હાજર રહ્યા:દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પૉલ, ક્ષુદીરામ ટુડુ અને નિષિથ પ્રામાણિકે પણ પ્રધાનપદના સોગંદ લીધાઃ બધાએ બાંગ્લા ભાષામાં શપથ લીધા

સુવેન્દુ અધિકારી અને તેમની સાથે શપથ લેનારા પાંચ પ્રધાનો.

ગઈ કાલે સુવેન્દુ અધિકારીએ કલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં લાખો સમર્થકો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. તેમણે બાંગ્લા ભાષામાં ઈશ્વરના નામે સોગંદ લીધા હતા. શપથ લીધા પછી તેમણે વડા પ્રધાનને ઝૂકીને પ્રણામ કર્યા હતા. તેમની સાથે અન્ય પાંચ વિધાનસભ્યોએ પણ પ્રધાનપદના સોગંદ લીધા હતા. એમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પૉલ, અશોક કીર્તનિયા, ક્ષુદીરામ ટુડુ અને નિષિથ પ્રામાણિક સામેલ છે. 

શપથ સમારોહમાં નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી સહિત ઘણા કેન્દ્રીય પ્રધાનો હાજર રહ્યા હતા. BJPની સરકાર ધરાવતાં ૨૦ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ પણ હાજરી આપી હતી. 

શપથગ્રહણ સમારોહ પહેલાં સ્ટેજ પર રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતી પર અંજલિ અર્પણ કરતા નરેન્દ્ર મોદી.

ભગવા રંગે રંગાયા સુવેન્દુ 

ગઈ કાલે સુવેન્દુ અધિકારી શપથ લેતાં પહેલાં ભગવા ઝભ્ભામાં ઘરેથી નીકળ્યા હતા અને સીધા ઍરપોર્ટ જઈને તેમણે નરેન્દ્ર મોદીને રિસીવ કર્યા હતા. બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર પહોંચીને નરેન્દ્ર મોદીએ રોડ-શો કર્યો હતો. એ માટે ખાસ રથ બનાવવામાં આવ્યો હતો. એના પર નરેન્દ્ર મોદીની સાથે સુવેન્દુ અધિકારી અને BJPના પ્રદેશ-અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્ય પણ હતા. પશ્ચિમ બંગાળમાં થઈ રહેલા આ અભૂતપૂર્વ બદલાવને આવકારવા માટે ગ્રાઉન્ડમાં લગભગ એક લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. સુવેન્દુ અધિકારીને ભગવા ઝભ્ભામાં જોઈને જનમેદનીએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. એમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સુવેન્દુને કેસરિયા ખેસ પહેરાવતાં જનતાએ જયઘોષ કર્યો હતો.

સ્ટેજ પર મિથુન ચક્રવર્તી સાથે નરેન્દ્ર મોદીની ગુફ્તગુ.

સુવેન્દુ અધિકારીને ચૉકલેટ આપતી એક બાળકી.

બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડની અંદર અને બહાર BJPના સમર્થકોનો ઉન્માદ જોવા જેવો હતો.

શપથ સમારોહ શરૂ કરતાં પહેલાં નરેન્દ્ર મોદી અને સુવેન્દુ અધિકારીએ રવીન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શપથવિધિ પૂરી થયા પછી નરેન્દ્ર મોદીએ જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને ઘૂંટણ પર બેસીને જનતાને પ્રણામ કર્યા હતા.

નરેન્દ્ર મોદી જેમને પગે લાગ્યા તે કોણ? 

શપથગ્રહણ પહેલાં મંચ પર નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના BJPના સૌથી બુઝુર્ગ કાર્યકરોમાંના એક માખનલાલ સરકારને મળ્યા ત્યારે ભાવુક થઈ ગયા હતા. તેમણે ૯૮ વર્ષના માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા હતા અને માખનલાલે વડા પ્રધાનને ગળે લગાવી લીધા હતા. માખનલાલ ૧૯૫૨માં શ્યામા પ્રસાદ મુખરજીની સાથે કાશ્મીરમાં તિરંગો લહેરાવવા ગયેલા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૯૮ વર્ષના માખનલાલ આઝાદી પછી ભારતમાં રાષ્ટ્રવાદી આંદોલન સાથે જોડાયેલા ફાઉન્ડર નેતાઓમાંના એક છે. ૧૯૮૦માં માખનલાલ પશ્ચિમ દિનાઝપુર, જલપાઈગુડી અને દાર્જીલિંગ જિલ્લાઓના સંગઠન નેતા બન્યા અને તેમણે એ વખતે એક વર્ષમાં પાર્ટીમાં ૧૦,૦૦૦ નવા સભ્યોને જોડ્યા હતા. 

રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા લોકો માટે ગ્રાઉન્ડ પર બનાવવામાં આવ્યું હતું શ્રદ્ધાંજલિ-સ્મારક

જે ગ્રાઉન્ડ પર શપથવિધિ થઈ ત્યાં જ એક શ્રદ્ધાંજલિ-સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા BJPના કાર્યકર્તાઓની સ્મૃતિમાં બન્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજકીય સંઘર્ષોમાં જે નેતાઓ અને સમર્થકોએ જીવ ગુમાવ્યો હતો તેમને નરેન્દ્ર મોદીએ લોકતંત્ર માટે આપેલું બલિદાન ગણાવ્યું હતું. વર્ષો પછી પશ્ચિમ બંગાળમાં BJPની સરકાર બની રહી છે, પરંતુ એ પહેલાં લોકતંત્રના અનેક સમર્થકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. તેમને અહીં ખાસ સ્મૃતિ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ જગ્યાએ નરેન્દ્ર મોદી કેટલાક શહીદોના પરિવારજનોને પણ મળ્યા હતા. 

national news INDIA indian government suvendu adhikari political news indian politics west bengal bhartiya janta party bjp bharatiya janata party narendra modi amit shah nitin gadkari rajnath singh