હવે પરમવીર ચક્ર વિજેતાઓનાં નામથી ઓળખાશે આંદામાન-નિકોબારના ટાપુઓ

24 January, 2023 10:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુભાષચંદ્ર બોઝની જન્મ ​શતાબ્દી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાને વર્ચ્યુઅલી લીધો ભાગ

આંદામાન-નિકોબારના ૨૧ ટાપુને આપવામાં આવેલાં નામની તક્તિઓનો વિડિયો - ગ્રૅબ

નવી દિલ્હી : (આઇ.એ.એન.એસ.): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ શતાબ્દી નિમિત્તે ગઈ કાલે આંદામાન-નિકોબાર ટાપુના ૨૧ મોટા અનામી ટાપુને નામ આપવાની ઉજવણીમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો તથા આ ટાપુઓને પરમવીર ચક્ર અવૉર્ડ મેળવનાર ૨૧ હસ્તીઓનાં નામ આપ્યાં હતાં. આ પ્રસંગે તેમણે નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મૉડલનું પણ અનાવરણ કર્યું હતું, જે નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ પર બનાવવામાં આવશે.

જ્યારે ઇતિહાસ રચાશે ત્યારે ભાવિ પેઢીઓ માત્ર તેમને યાદ રાખવા અને તેમનું મૂલ્યાંકન કરવા ઉપરાંત તેમના જીવન પરથી પ્રેરણા પણ મેળવશે. આજના દિવસને ભાવિ પેઢી દેશના ​ઇતિહાસના એક મહત્ત્વપૂર્ણ દિવસ તરીકે યાદ રાખશે એમ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે પણ સેલ્યુલર જેલમાંથી દર્દ સાથે અદ્ભુત જુસ્સો વ્યક્ત કરતા અવાજ સંભળાય છે. બંગાળથી દિલ્હી અને આંદામાન સુધીના દેશના દરેક હિસ્સામાં આજે પણ નેતાજીના વારસાનું જતન કરાય છે તથા તેમની દેશભક્તિને પ્રણામ કરાય છે. આપણી લોકતાંત્રિક સંસ્થાઓ તેમ જ કર્તવ્યપથ પરની નેતાજીની ભવ્ય પ્રતિમા આપણને દેશ પ્રત્યેની આપણી ફરજોને યાદ અપાવતી રહેશે. 

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનાર સૈનિકોને દેશના લશ્કર સાથે જ વ્યાપકપણે ઓળખવામાં આવે એ આપણી ફરજ બની રહે છે.  

આ પણ વાંચો : 3 Idiotsના `ફુનસુક વાંગ્ડૂ`ને થઈ લદ્દાખની ચિંતા, પીએમ મોદીને લખ્યો પત્ર

મમતા બૅનરજી, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન

કેટલાક લોકો માત્ર લોકપ્રિયતા મેળવવા માટે આ ટાપુઓને શહીદ અને સ્વરાજ એવાં નામ આપે છે, પરંતુ ખુદ નેતાજી સુભાષચંદ્ર બોઝે તેમની આંદામાન અને નિકોબાર ટાપુની મુલાકાત દરમ્યાન આ ટાપુને આવાં નામ આપ્યાં હતાં. 

સુનીલ શેટ્ટી, ઍક્ટર

દેશના સાચા હીરોને સન્માનિત કરવા બદલ મોદીજીનો આભાર, નેતાજી સુભાષચંદ્રની ૧૨૬મી જન્મજયંતી નિમિત્તે તેમને આપવામાં આવેલા સન્માનથી ગર્વ અનુભવું છું. 

અક્ષયકુમાર, ઍક્ટર

પરમવીર ચક્રના વિજેતાઓને સન્માનિત કરવાની અદ્ભૂત રીત, તેમની બહાદુરી અને બલિદાનને સલામ.

સિદ્ધાર્થ મલ્હોત્રા, ઍક્ટર

આંદામાન-નિકોબારના એક ટાપુને કૅપ્ટન વિક્રમ બત્રાનું નામ આપવામાં આવશે એ જાણીને રૂંવાડાં ઊભાં થઈ ગયાં. તેમની ભૂમિકા મેં ભજવી હતી એ વાતે હું ગર્વ અનુભવું છું. આ પગલાથી મોદીજીએ સુનિશ્ચિત કર્યું છે કે શેરશાહ અમર રહેશે.

national news subhash chandra bose new delhi narendra modi akshay kumar suniel shetty sidharth malhotra