Srirama Navami 2024: 5 સદીની પ્રતિક્ષા, તપસ્યા, ત્યાગ... અવધપુરીની રામનવમીનો આનંદ વ્યક્ત કર્યો પીએમ મોદીએ

17 April, 2024 10:03 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Srirama Navami 2024: નરેન્દ્ર મોદીએ લખ્યું કે આ દેશવાસીઓની આટલા વર્ષોની કઠોર તપસ્યા, ત્યાગ અને બલિદાનની સફળતા છે.

અયોધ્યા રામમંદિરનાં રામલલ્લા અને નરેન્દ્ર મોદી

આજે ભરતભરમાં હર્ષોલ્લાસ સાથે રામ નવમી (Srirama Navami 2024)નો તહેવાર ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ઠેકઠેકાણે રામમંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. એક બાજુ અયોધ્યાનાં રામ મંદિરમાં બિરાજેલા રામલલાના મસ્તક પર સૂર્ય તિલક થવાનું છે તો એ માટે એ ધન્ય પળનાં દર્શન કરવા માટે અયોધ્યાના રામ મંદિરમાં રામભક્તોની ભીડ ઉમટી છે. આ દરમિયાન પીએમ મોદીએ આજના રામ નવમીનાં શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. 

શું કહ્યું નરેન્દ્ર મોદીએ?

આજના દિવસે સૌને શુભેચ્છા પાઠવતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, `હું દેશભરના મારા પરિવારના સભ્યોને ભગવાન શ્રી રામની જન્મજયંતિ રામ નવમી (Srirama Navami 2024)ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું! આ શુભ અવસર પર મારું હૃદય લાગણી અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે. આ શ્રી રામની પરમ કૃપા છે કે આ વર્ષે મેં મારા લાખો દેશવાસીઓ સાથે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો સાક્ષી પણ રહ્યો. અવધપુરીની એ ક્ષણની યાદો આજે પણ મારા મનમાં એ જ ઉર્જાથી સ્પંદિત થાય છે.”

પાંચ સદીઓ બાદ રામનવમીનો ઉલ્લાસ વ્યક્ત કર્યો પીએમએ 

તેઓએ આગલ જણાવ્યું હતું કે, `આ પહેલી રામનવમી (Srirama Navami 2024) છે, જ્યારે આપણાં રામલલા અયોધ્યાના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં બિરાજમાન થયા છે. રામ નવમીના આ તહેવારમાં આજે અયોધ્યા ભારે આનંદમાં છે. 5 સદીની રાહ જોયા બાદ આજે અયોધ્યામાં આ રીતે રામનવમી ઉજવવાનું સૌભાગ્ય મળ્યું છે.

તેઓ પોતાની પોસ્ટમાં જણાવે છે કે આ દેશવાસીઓની આટલા વર્ષોની કઠોર તપસ્યા, ત્યાગ અને બલિદાનની સફળતા છે. ભવ્ય રામ મંદિરની પ્રથમ રામનવમીનો આ અવસર એવા અસંખ્ય રામ ભક્તો અને સંતો-મહાત્માઓને યાદ કરવાનો અને શ્રદ્ધાંજલિ આપવાનો પણ છે જેમણે રામ મંદિરના નિર્માણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું.

પીએમએ ટીએમસી પર લગાવ્યો આ આરોપ 

અત્યારે લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. આ વચ્ચે પીએમ મોદીએ મંગળવારે ટીએમસી પર નિશાન સાધ્યું હતું. તેઓએ ટીએમસી પર પશ્ચિમ બંગાળમાં રામ નવમીના કાર્યક્રમો રોકવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આ જ વાત પર બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ આરોપ લગાવ્યો છે કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં રમખાણો ભડકાવવાની યોજના બનાવી રહી છે. મોદીએ રાયગંજ અને બાલુઘાટમાં ચૂંટણી રેલીઓને સંબોધી હતી.

મમતા બેનર્જીએ પણ સૌ કોઈને રામનવમીની પાઠવી શુભેચ્છા 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ રામ નવમીના શુભ અવસર (Srirama Navami 2024) પર શુભેચ્છા પાઠવી છે. મમતા બેનર્જીએ એક્સ પર પોસ્ટ મૂકી હતી તેમ તેઓ લખે છે કે, “રામ નવમીના શુભ અવસર પર દરેકને શુભકામનાઓ. હું બધા માટે શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ જાળવી રાખવા અપીલ કરું છું.”

national news ram navami festivals ayodhya ram mandir narendra modi mamata banerjee india