Shaheed Diwas 2023 : પીએમ મોદી સહિત આ નેતાઓએ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને કર્યા યાદ

23 March, 2023 02:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દેશની આઝાદીની લડાઈમાં આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને ભૂલી ન શકાય

તસવીર સૌજન્ય : ટ્વિટર

આજનો દિવસ એટલે કે ૨૩ માર્ચ શહીદોના બલિદાનને યાદ કરવાનો અને તેમને નમન કરવાનો દિવસ છે. દર વર્ષે આ દિવસે દેશમાં શહીદ દિવસ (Shaheed Diwas)ની ઉજવણી કરવામાં આવે છે. ૨૩ માર્ચે જ દેશભક્ત શહીદ ભગત સિંહ (Bhagat Singh), સુખદેવ (Sukhdev) અને રાજગુરુ (Rajguru)ને ફાંસી આપવામાં આવી હતી. દેશની આઝાદીની લડાઈમાં આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને ભૂલી શકાય તેમ નથી. આજે તેમની શહીદીનો દિવસ છે. આજના દિવસે દેશ માટે બલિદાન આપનાર દેશભક્તોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સહિત અન્ય રાજકારણીઓએ શ્રદ્ધાંજલી આપી છે.

​​`શહીદ દિવસ` નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કહ્યું કે, દેશ તેમના બલિદાનને હંમેશા યાદ રાખશે. એક ટ્વિટમાં મોદીએ લખ્યું છે કે, ‘ભારત હંમેશા ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને યાદ રાખશે. આ એવા મહાન લોકો છે જેમણે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનોખું યોગદાન આપ્યું છે.’

આ પણ વાંચો - કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે પીએમ મોદીએ કરી સમીક્ષા બેઠક, જાણો શું કહ્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah)એ ટ્વીટ કર્યું છે કે, ‘શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ સ્વતંત્રતા ચળવળને તેમના વિચારો અને જીવનથી જે ક્રાંતિકારી ભાવનાનો સંચાર કર્યો તે ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળ્યો છે. તેમની બહાદુરી અને દેશભક્તિ યુગો સુધી ટકી રહેશે અને પ્રેરણાદાયી રહેશે. આજે શહીદ દિવસ પર હું કરોડો દેશવાસીઓ સાથે તેમને નમન કરું છું.’

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ કહ્યું કે, ‘આજે શહીદ દિવસ પર, દિલ્હી વિધાનસભા પરિસરમાં અમર શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની પ્રતિમાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરીને બહાદુર ક્રાંતિકારીઓની અમર શહાદતને યાદ કરવામાં આવી હતી. આપણે આ અમર શહીદોના સપનાના ભારતનું નિર્માણ કરવું જોઈએ. ભારતને એક સમૃદ્ધ અને શક્તિશાળી દેશ બનાવવો પડશે.’

આ પણ વાંચો - શહીદ ભગત સિંહના ટ્વીટે કંગના રનોટ અને જાવેદ અખ્તરને કર્યા આમને-સામને

નોંધનીય છે કે, લાહોર ષડયંત્ર કેસમાં મૃત્યુદંડની સજા સંભળાવ્યા બાદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને આજના દિવસે બ્રિટિશ સરકાર દ્વારા ફાંસી આપવામાં આવી હતી. તેથી તેમની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા માટે ૨૩ માર્ચને `શહીદ દિવસ` તરીકે ઉજવવામાં આવે છે.

national news india new delhi arvind kejriwal amit shah narendra modi