19 February, 2026 07:41 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉને સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદી સાથેની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી જનરેટ કરેલી બેઉના હાથથી હાર્ટની સાઇન બનાવતી એક તસવીર શૅર કરી
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉદ્ભવથી ભારત સહિત વિશ્વભરના પ્રોફેશનલોમાં ચિંતા ફેલાઈ છે. AIના આગમન વચ્ચે ઘણી અગ્રણી કંપનીઓ મોટા પાયે છટણી કરી રહી છે એટલે પ્રોફેશનલોમાં ભય વધતો જ રહ્યો છે એવા સમયે દિલ્હીમાં ચાલી રહેલી ઇન્ડિયા AI ઇમ્પૅક્ટ સમિટ 2026 વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમાચાર એજન્સીને આપેલી મુલાકાતમાં ભાર મૂક્યો કે AI માનવક્ષમતાઓમાં વધારો કરી શકે છે, પરંતુ એનો ઉપયોગ યોગ્ય દિશામાં કરવાની જરૂર છે; તૈયારી એ ભયનો શ્રેષ્ઠ ઉપાય છે.
નરેન્દ્ર મોદીએ આ મુલાકાતમાં AI સમિટની વિચારણા અને ભારતના વિઝન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે AIનું ભવિષ્ય અને ભારત, વિકસિત ભારતમાં AIનું મહત્ત્વ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી સેક્ટર પર AIની અસર વગેરે મુદ્દાઓ પર વાત કરી હતી.
આ મુદ્દે વધુમાં બોલતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘ઇતિહાસે બતાવ્યું છે કે ટેક્નૉલૉજીને કારણે કામ બંધ થતું નથી, એનું સ્વરૂપ બદલાય છે અને નવા પ્રકારની નોકરીઓનું સર્જન થાય છે. જ્યારે કેટલીક નોકરીઓને ફરીથી વ્યાખ્યાયિત કરી શકાય છે ત્યારે ડિજિટલ પરિવર્તન ભારતના અર્થતંત્રમાં નવી ટેક નોકરીઓ પણ ઉમેરશે. સદીઓથી એવી આશંકા રહી છે કે ઇનોવેશન અને ટેક્નૉલૉજિકલ ક્રાન્તિ નોકરીઓને ખતમ કરશે. છતાં ઇતિહાસ આપણને શીખવે છે કે જ્યારે પણ ઇનોવેશન થાય છે ત્યારે નવી તકો ઊભરી આવે છે. Al યુગમાં પણ આવું જ થશે.’
વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘ડિજિટલ પરિવર્તન ભારતીય અર્થતંત્રને વેગ આપવા માટે નવી તકોનો ઉદય પણ કરશે. કેન્દ્ર સરકારનું ધ્યાન કાર્યબળના કૌશલ્ય અને પુનઃ કૌશલ્ય પર છે જેથી ખાતરી કરી શકાય કે તેઓ AI-સંચાલિત ભવિષ્ય માટે તૈયાર છે. સરકારે વિશ્વની સૌથી મહત્ત્વાકાંક્ષી કૌશલ્ય પહેલોમાંની એક શરૂ કરી છે. અમે આને ભવિષ્યની સમસ્યા તરીકે નથી જોઈ રહ્યા, પરંતુ અમે એને વર્તમાન આવશ્યકતા તરીકે ગણી રહ્યા છીએ. હું AIને એક બળ-ગુણાકાર તરીકે જોઉં છું જે અમને શક્ય લાગેલી સીમાઓને આગળ વધારવામાં મદદ કરશે.’
ગઈ કાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રૉને સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદી સાથેની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી જનરેટ કરેલી બેઉના હાથથી હાર્ટની સાઇન બનાવતી એક તસવીર શૅર કરીને લખ્યું હતું, ‘જ્યારે દોસ્તો કનેક્ટ થાય ત્યારે ઇનોવેશન આપમેળે થાય. AI ઇમ્પૅક્ટ સમિટ માટે તૈયાર!’ ટેક્નૉલૉજીની બાબતમાં અમેરિકા અને ચીન પર નિર્ભર રહેવાને બદલે ભારત સાથે મળીને AI લીડર બનવાની વાત કરતાં ઇમૅન્યુઅલ મૅક્રૉને કહ્યું હતું, ‘ભારત અને ફ્રાન્સ અત્યારે કદાચ અમેરિકા અને ચીનથી પાછળ હોઈ શકે છે, પરંતુ અમે રેસમાં છીએ. અમે મજબૂતીથી મુકાબલો કરી રહ્યા છીએ. અમારે નથી અમેરિકાના મૉડલ પર નિર્ભર રહેવું કે ન ચીનની ટેક્નૉલૉજી પર. એક એવું સંતુલિત મૉડલ તૈયાર કરવું છે જે કોઈ મહાશક્તિનું મોહતાજ ન હોય.’
બ્રાઝિલના પ્રેસિડન્ટ લુલા દ સિલ્વા
કઝાખસ્તાનના વડા પ્રધાન ઓઝાસ બેકટેનોવ
ફિનલૅન્ડના વડા પ્રધાન પેટેરી ઓપ્રો
સ્પેનના પ્રેસિડન્ટ પેડ્રો સાંચેઝ
સર્બિયાના પ્રેસિડન્ટ અલેક્સાન્ડ્ર વૂચીચ
એસ્ટોનિયાના પ્રેસિડન્ટ અલાર કારિસ
ક્રોએશિયાના વડા પ્રધાન અન્ડ્રેઝ પ્લેન્કોવિક
ભુતાનના વડા પ્રધાન ત્શેરિંગ તોબ્ગે
સેશેલ્સના વાઇસ પ્રેસિડન્ટ સેબેસ્ટિયન પિલ્લે
યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગુટેરેઝ
ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)ના મૅનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટૅલિના જોર્જિવા
મૉરિશ્યસના વડા પ્રધાન નવીનચંદ્ર રામુલામ
નેધરલૅન્ડ્સના વડા પ્રધાન ડિક શૂઝ