ન્યુઝ શોર્ટમાં : અમેરિકાએ મન્કીપૉક્સને પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી

06 August, 2022 08:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લા પર મેઘ મહેરબાન અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

અમેરિકાએ મન્કીપૉક્સને પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી

વૉશિંગ્ટન: અમેરિકાએ ગુરુવારે મન્કીપૉક્સને પબ્લિક હેલ્થ ઇમર્જન્સી જાહેર કરી હતી, જેનાથી હવે આ બીમારી સામે લડવા માટે વધારે મેડિકલ પ્રોફેશનલ્સને તહેનાત કરવામાં આવશે. ડેટા મેળવવા માટે વધુ કોશિશ થશે અને સાથે જ નવું ભંડોળ ફાળવવામાં આવી શકે છે. આ પબ્લિક હેલ્થ ઇમર્જન્સી શરૂઆતમાં ૯૦ દિવસ માટે અમલમાં રહેશે, પરંતુ એને રિન્યુ કરી શકાશે. ગુરુવારે સમગ્ર અમેરિકામાં મન્કીપૉક્સના કેસની સંખ્યા વધીને ૬૬૦૦ પર પહોંચતાં આ પગલું લેવામાં આવ્યું છે. જેમાંથી લગભગ ૨૫ ટકા કેસ ન્યુ યૉર્કમાં છે. નિષ્ણાતો અનુસાર અત્યારે કેસની સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે, કેમ કે અનેક પેશન્ટ્સમાં હળવાં લક્ષણો જોવા મળે છે.

 

મમતાની પીએમ સાથેની મુલાકાતને લઈને અટકળો

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી ગઈ કાલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યાં હતાં. તૃણમુલ કૉન્ગ્રેસનાં નેતા ચાર દિવસની દિલ્હીની મુલાકાતે છે. તેમણે જીએસટીના હિસ્સા પેટે પશ્ચિમ બંગાળનાં બાકી નીકળતાં લેણાં તેમ જ કેન્દ્રીય યોજનાઓ હેઠળ પેન્ડિંગ લેણાં વિશે ચર્ચા કરી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે આ મીટિંગને લઈને ખૂબ અટકળો વહી રહી છે, કેમ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચૅટરજીની ધરપકડ કર્યા બાદ આ મીટિંગ થઈ છે. 

 

સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લા પર મેઘો મહેરબાન

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એક વાર વરસાદે રાઉન્ડ શરૂ કર્યો છે. ગઈ કાલે સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લા પર મેઘો મહેરબાન થયો હતો. વઢવાણ તાલુકામાં બે કલાકમાં સાડાચાર ઇંચ સાથે કુલ પાંચ ઇંચ જેટલો, ધ્રાંગધ્રામાં ચાર ઇંચથી વધુ અને બોટાદમાં બે કલાકમાં સવાત્રણ ઇંચ મુશળધાર વરસાદ પડ્યો હતો. સાંજે છ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૩૬ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ગઈ કાલે સુરેન્દ્રનગરના વઢવાણમાં પાંચ ઇંચ, ધ્રાંગધ્રા તાલુકામાં ચાર ઇંચથી વધુ, બોટાદ જિલ્લાના બોટાદ તાલુકામાં પોણાચાર ઇંચ અને ગઢડા તાલુકામાં સાડાત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બોટાદમાં ભારે વરસાદ પડતાં રેલવે અન્ડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર બંધ કરાયો હતો. ધ્રાંગધ્રામાં ચાર ઇંચથી વધુ ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. 

national news international news united states of america monkeypox mamata banerjee narendra modi west bengal gujarat gujarat news Gujarat Rains