16 August, 2026 09:09 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
ગઈકાલે ભારતના ૮૦મા સ્વાતંત્ર્યદિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક કિસ્સો વાઇરલ થઇ રહ્યો છે જેમાં ભારતના પૂર્વ સંરક્ષણ સચિવ આર.કે. માથુરે એક રસપ્રદ કિસ્સો શૅર કર્યો છે અને આ કિસ્સો વડા પ્રધાનના ૧૫મી ઓગસ્ટના ભાષણને લઇને છે. આ કિસ્સો છે વર્ષ ૨૦૧૪નો. ૨૦૧૪માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પર્થમવાર સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું હતું. પરંતુ આ સંબોધન પહેલાં એટલે કે ૧૪મી ઓગસ્ટે કંઇક એવું બન્યું હતું જેમાં વડા પ્રધાને કેટલીક શરત મૂકી હતી અને આ શરત પૂર્ણ ન થાય તો પોતે સ્પીચ ન આપવા સુધીની વાત કરી હતી. વાત કંઇક એમ છે કે ૨૦૧૪ની ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતી વખતે વડા પ્રધાને પોતાની સુરક્ષા માટે રાખવામાં આવતો બુલેટપ્રૂફ કાચ હટાવવાની માગ કરી હતી. તેઓ ડાયરેક્ટ જ જનતા સાથે સંવાદ સાધવા માંગતા હતા.
આર.કે. માથુરના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૪ના સ્વતંત્રતાદિવસના સંબોધન પહેલાં તેઓ અને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ડિરેક્ટર વડા પ્રધાન મોદીને સુરક્ષા સંબંધિત બ્રીફિંગ આપવા ગયા હતા. સંરક્ષણ સચિવ અને IB ચીફે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ને સમજાવ્યું હતું કે લાલ કિલ્લાની સામે ચાંદની ચોકનો વિસ્તાર આવેલો છે જયાં અતિશય ભીડ રહેતી હોય છે. પ્લસ કિલ્લાની સામેની બાજુએ ઘણી ઊંચી ઈમારતો આવેલી છે. માટે જ સુરક્ષાના ભાગ રૂપે વડા પ્રધાન જ્યાંથી સ્પીચ આપવાના હોય તે મંચની આગળ બુલેટપ્રૂફ ગ્લાસ રાખવો અત્યંત જરૂરી છે. સેફટી માટે બેરિયર આવશ્યક છે. પરંતુ નરેન્દ્ર મોદી તો પોતાના મંચની આગળ આવાં કોઈ બેરીયર્સ ઇચ્છતા નહોતા અને પોતે જનતા સાથે ડાયરેક્ટ સંવાદ કરવા માંગતા હતા. સંરક્ષણ સચિવ અને IB ચીફે ફરી ફરીને વડા પ્રધાનને તેમના નિર્ણય પર વિચાર કરવાની સુદ્ધાં સલાહ આપી હતી. પરંતુ અધિકારીઓની વાત સાંભળ્યા પછી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે "જો આ બુલેટપ્રૂફ કાચ હટાવવામાં નહીં આવે તો હું સંબોધન જ નહીં કરું. અને જો તમે ઈચ્છતા હોવ કે હું આવતી કાલે દેશવાસીઓને વ્યવસ્થિત રીતે સંબોધિત કરું, તો આ કાચ હટાવવો જ પડશે.
આમ, બહુ સમજાવ્યા બાદ પણ વડા પ્રધાન બૂલેટપ્રૂફ કાચ રાખવા તૈયાર ન જ થયા. વડા પ્રધાન (Narendra Modi) પોતાના નિર્ણય પણ અડગ રહ્યા અને આખરે અધિકારીઓએ જ પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો. ૧૪ ઓગસ્ટની મોડી રાત્રે (આશરે ૨ વાગ્યે) IB ચીફ અને સંરક્ષણ સચિવે મળીને પ્રોટોકોલમાં મોટો ફેરફાર કર્યો અને લાલ કિલ્લાની પ્રાચીર પરથી બુલેટપ્રૂફ ગ્લાસ હટાવી દેવામાં આવ્યો હતો ત્યારે જઈને બીજે દિવસે સવારે વડા પ્રધાને સ્પીચ આપી હતી.
બૂલેટ પ્રૂફ કાચના બેરીયર વગર સંબોધન આપ્યા બાદ ૧૫ ઓગસ્ટની સવારે પીએમ મોદી (Narendra Modi) પ્રોટોકોલ બાજુ પર મૂકીને સીધા જ ત્યાં હાજર શાળાના બાળકો વચ્ચે પહોંચી ગયા હતા. જ્યારે પીએમ મોદી બાળકોને મળી રહ્યા હતા ત્યારે એક વિદ્યાર્થીનીએ તેમના ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તે છોકરીની ટોપી નીચે પડી ગઈ હતી. પીએમ મોદીએ પોતે નીચે નમીને તે ટોપી ઉપાડી અને એકદમ પ્રેમભાવે બાળાના માથા પર પહેરાવી હતી. આ રીતે નરેન્દ્ર મોદીએ સતત જનતાને પ્રાથમિકતા આપતાં આવ્યા છે. અને તેઓ જનતા અને બાળકો સાથે નિકટતા કેળવતા હોય છે.