04 June, 2025 07:42 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
શ્રી પદ્મનાભસ્વામી મંદિર
કેરલાના પાટનગર તિરુવનંતપુરમમાં આવેલા શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં ૮ જૂનના રવિવારે એક દુર્લભ મહાકુંભાભિષેકમ યોજાઈ રહ્યો છે. આ પ્રકારનું આયોજન ૨૭૦ વર્ષમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટની પૅનલે મંદિરના નવીનીકરણની અનુમતિ ૨૦૧૭માં આપી હતી અને આ કાર્ય પૂરું થયા બાદ મંદિરની આધ્યાત્મિક ઊર્જાને પુનર્જીવિત કરવાના હેતુ સાથે આ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી રહી છે. આ વિધિનો ઉદ્દેશ આધ્યાત્મિક ઊર્જાને મજબૂત બનાવવાનો અને મંદિરની પવિત્રતાને ફરીથી જાગૃત કરવાનો છે. મંદિરની સદીઓ જૂની પરંપરાઓનું પાલન કરીને પવિત્ર ધાર્મિક વિધિઓનું સુવ્યવસ્થિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે મંદિર વ્યવસ્થાપન દ્વારા પગલાં લેવામાં આવી રહ્યાં છે.