09 September, 2025 09:05 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જૈન સાધુના વેશમાં આવેેલો ચોર CCTV કૅમેરામાં પકડાઈ ગયો હતો.
દિલ્હીના લાલ કિલ્લામાંથી ચોરાઈ ગયેલો એક કરોડ રૂપિયાનો સોનાનો કળશ ગઈ કાલે ઉત્તર પ્રદેશના હાપુડમાંથી મળી આવ્યો છે. આ બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ જણાવ્યું હતું કે તેમણે કુલ ત્રણ કળશ ચોરી કર્યા હતા. એમાંથી ફક્ત એક જ કળશ મેળવવામાં પોલીસ સફળ રહી છે. પોલીસ અન્ય આરોપીઓ અને વધુ બે કળશને મેળવવા માટે દરોડા પાડી રહી છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ઘણી ટીમો દિવસ-રાત કળશચોરોને શોધી રહી હતી.
જૈન સમુદાયના ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન ચોરાયેલા આ કળશમાં ૭૬૦ ગ્રામ સોનું અને ૧૫૦ ગ્રામ હીરા, નીલમ અને માણેક જડેલાં છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સંકુલના ૧૫ ઑગસ્ટ પાર્કમાં જૈન સમુદાયનો એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ સમય દરમ્યાન ચોરી થઈ હતી. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે જૈન સાધુના વેશમાં એક ચોર ખૂબ જ ચાલાકીથી પૂજાસ્થળ પર પહોંચ્યો અને હોશિયારીપૂર્વક કળશને તેની બૅગમાં મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. સોના અને રત્નોથી જડિત આ કળશ જૈન સમુદાયના ધાર્મિક કાર્યક્રમોમાં દૈનિક પૂજાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો.