સિખ સમાજની રક્તરંજિત ઘટનાઓઃ અમ્રિતસરથી નવી દિલ્હી સુધી...

07 June, 2023 08:02 AM IST  |  Mumbai | Vishnu Pandya

આૅપરેશન બ્લુસ્ટારનાં ૩૯ વર્ષ થયાં છતાં લિસોટા હજી રહી ગયા છે

ફાઇલ તસવીર

આખું સપ્તાહ એક પછી એક અને ક્યારેક એકસામટી ઘટનાઓના વાવાઝોડામાં ઘેરાયેલું રહ્યું, બાલાસોર ટ્રેન-દુર્ઘટનાઓની કારમી ચીસો હજી સંભળાય છે, વિદેશમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીનાં વક્તવ્યોએ વિવાદ જગાવ્યો, તો ઘરઆંગણે વિરોધ પક્ષો સાથે બેસે એવા મરણિયા પ્રયાસ ચાલી રહ્યા છે. પ્રતિબંધિત માઓવાદી સંગઠનનો નેતા કટ્ટમ સુદર્શન છત્તીસગઢમાં મૃત્યુ પામ્યો. તેને પકડવા માટે એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર થયું હતું. પહેલવાનો અને બ્રિજભૂષણ સિંહ વચ્ચેની તકરાર હજી એવી ને એવી છે. મણિપુરમાં લાખ પ્રયત્નો છતાં હિંસાચાર જારી છે. પુલ કાંઈ એકલા ગુજરાતમાં થોડા તૂટે છે? કાગડા બધે કાળા છે. બિહારમાં પણ ગંગા પર મુખ્ય પ્રધાનના વરદ હસ્તે ઉદ્ઘાટિત પૂલ તૂટી ગયો. રાહુલ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે!

આ સમાચાર વચ્ચે એક સ્વર્ણમંદિર પર ઑપરેશન બ્લુસ્ટાર અને એક વડા પ્રધાનની હત્યા પછી લોહિયાળ હત્યાકાંડની ૩૯ વર્ષ પૂર્વેની ઘટનાઓ ભૂલી જવા જેવી નથી, કેમ કે આજે પણ એના પડછાયા રાજકારણ પર નજરે ચડે છે અને એને નજરઅંદાજ કરી શકાય એમ નથી. હજી ગયા મહિને પંજાબમાં અમૃતપાલ સિંહની ધરપકડ થઈ. તે છેક કૅનેડાથી ખાલિસ્તાનની ચળવળ ચલાવતો હતો. આમ તો ૧૯૩૦થી પંજાબ હોમલૅન્ડની માગણી શરૂ થઈ ગઈ હતી, એને આઝાદી પછી પંજાબી સૂબા અને ખાલિસ્તાન નામ અપાયું. બ્રિટન, અમેરિકા, કૅનેડાથી શ્રીમંત સિખોએ મદદ કરી. ૧૯૮૬ની ૨૯ એપ્રિલે એની જાહેરાત થઈ અને એમાં ચંડીગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પૂર્વ પંજાબનો નકશો તૈયાર થયો. એનાં બે પાટનગર નક્કી કરાયાં; એક, લાહોર અને બીજું, શિમલા! આ ખાલી તુક્કો નહોતો. પાકિસ્તાનનાં ભુત્તોએ ખાલિસ્તાન ચળવળના જગજિતસિંહ ચૌહાણ સાથે મંત્રણા પણ કરી હતી. સિમરજિત એનો બીજો નેતા હતો. ૧૯૭૩માં આનંદપુર સાહિબ પ્રસ્તાવ કરવામાં આવ્યો અને ખાલિસ્તાની નૅશનલ કાઉન્સિલ સ્થાપવામાં આવી. જુઓ, અલગાવવાદ બધે એકસરખી પૅટર્ન પર ચાલે છે. નાગાલૅન્ડમાં અગાઉ કાઉન્સિલ ચાલી હતી, તો ઉલ્ફા પાસે એવું સંગઠન છે. પૂર્વોત્તરમાં અને કાશ્મીરમાં આવાં કુલ ૫૦થી ૬૦ સંગઠનો સક્રિય રહ્યાં જેને માંડ ઠેકાણે પાડવામાં આવ્યા છતાં, આગ નહીં તો ધુમાડો તો છે જ.

આવું એક અલગાવવાદી ભૂત ૧૯૮૪માં હાહાકાર મચાવી ગયું. અકાલી દળમાં વર્ચસ્વ માટે એના એક જૂથના એક નેતા જરનૈલ સિંહ ભિંડરાંવાલેને કૉન્ગ્રેસે સાથે લીધો અને પછીથી તે સર્વેસર્વા બની બેઠો. સ્વર્ણમંદિર અને બહાર તેનું રાજ્ય સળગતું હતું. વર્ષના પહેલા ૬ માહિનામાં ૨૯૮ મોત થયાં. સમાંતર અદાલત પણ ઊભી થઈ. એક જ અખબારના તંત્રી અને તંત્રીના પુત્રની હત્યા થઈ. સ્વર્ણમંદિર પર ઑપરેશન બ્લુસ્ટારથી લશ્કરે પગલાં લીધાં અને મંદિર પરિસરમાં અડ્ડો જમાવનાર આતંકવાદીઓને બહાર આવી જવાની સૂચના આપવામાં આવી. કોઈ બહાર આવ્યું નહીં, પણ સામસામા ગોળીબાર થયા. સેનાના ૯ ઑફિસરો અને ૧૩૧ જે.સી.ઓ માર્યા ગયા. આતંકવાદીઓને સમાપ્ત કરવા પડે એમ હતા. તેમની સંખ્યા ૪૦૦ની હતી. બીજા 
દર્શનાર્થીઓ હતા. કમનસીબે તેઓ પણ ભોગ બન્યા. પહેલીથી છઠ્ઠી જૂન સુધી આવું ચાલ્યું. અકાલ તખ્ત નુકસાન પામ્યું, ગ્રંથાગાર પણ બળીને ખાખ થયો. એક અનુમાન પ્રમાણે ૨૦૦૦ લોકો મર્યા, પણ સરકારી સંખ્યા પ્રમાણે આતંકવાદી અને નાગરિકો મળીને ૪૯૩ મૃત્યુ પામ્યા, ૮૬ ઘાયલ થયા. ૮૩ સૈનિકોના જીવ ગયા અને ૨૫૦ ઘાયલ થયા. જે આતંકવાદી પકડાયા તેમની સંખ્યા ૧૫૯૨ હતી, એમાં ૪૦ આતંકવાદીઓના મૃતદેહ વચ્ચે એક ભિંડરાંવાલે પણ હતો. આ તો માત્ર હરમંદિર સાહિબ સ્વર્ણમંદિરની ખાનાખરાબી, પૂરા પંજાબમાં મોટા પાયે ઘર્ષણ થયું.
બિહાર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં પણ કેટલાક બનાવ બન્યા. લેફ્ટનન્ટ જનરલ જગજિતસિંહ અરોરા અને રાષ્ટ્રપતિ ઝૈલ સિંહ આ સૈનિકી પગલાથી નારાજ હતા. મુખ્યત્વે પવિત્ર ધાર્મિક સ્થાનમાં આ બન્યું એ દુખદ હતું. થોડા મહિનામાં એનું પરિણામ વડાં પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની તેમના સુરક્ષા-કર્મચારીએ કરેલી હત્યાનું આવ્યું. વાત ત્યાં પૂરી નહોતી થઈ, ૧૯૮૪ની  ૩૧ ઑક્ટોબરે શ્રીમતી ગાંધીની હત્યા પછી દિલ્હી અને આસપાસ સર્વત્ર મોટા પાયે હિંસાચાર થયો અને અનેક સિખ પરિવારોને મારી નાખવામાં આવ્યા. નાગરિક તપાસ પંચના અહેવાલોમાં કેટલાક કૉન્ગ્રેસ નેતાઓની ઉશ્કેરણીનાં ઉદાહરણો અપાયાં, તેઓમાંના કેટલાક પર મુકદ્દમા ચલાવવામાં આવ્યા. થોડાં વર્ષ પહેલાં સિખ-હત્યાનો સવાલ રાહુલ ગાંધીના વિદેશોમાં સલાહકાર સૅમ પિત્રોડાને કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ‘જો હુઆ સો હુઆ’. રાજીવ ગાંધીએ પણ કહ્યું હતું કે મોટું ઝાડ તૂટી પડે ત્યારે આવું બને.

ઑપરેશન બ્લુસ્ટારના થોડા દિવસ પછી અમ્રિતસર, સ્વર્ણમંદિર, ભિંડરાંવાલેનું ચોક મહેતા, જાલંધર, લુધિયાણા, ગુરુદાસપુર જિલ્લામાં આ સમસ્યાને જાણવા માટે જવાનું બન્યું હતું. ૩૯ વર્ષે એ ઘટનાને જુદી-જુદી રીતે પંજાબમાં યાદ કરવામાં આવી રહી છે. આપણે શું બોધપાઠ લઈશું?

amritsar new delhi punjab indian politics national news columnists