હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે અરવિંદ કેજરીવાલ, વકીલે કહ્યું...

10 April, 2024 10:13 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ધરપકડને લઈને દિલ્હી હાઈકોર્ટ તરફથી મળેલા ઝટકા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં તેમણે હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે

અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

ધરપકડને લઈને દિલ્હી હાઈકોર્ટ તરફથી મળેલા ઝટકા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં તેમણે હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે. હાઈકોર્ટે મંગળવારે દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને માન્ય જાહેર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટીએ ઇડી પાસે સીએમ વિરુદ્ધ પૂરતા પુરાવા છે. તેમની ધરપકડ કાયદાનું ઉલ્લંઘન નથી. આવી સ્થિતિમાં ધરપકડને પડકારતી તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.

પાર્ટીએ પહેલાથી જ સંકેતો આપ્યા હતા

હાઈકોર્ટે ઇડી દ્વારા કેજરીવાલ (Arvind Kejriwal)ની ધરપકડ અને રિમાન્ડ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. આ નિર્ણય બાદ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, અમે હાઈકોર્ટનું સન્માન કરીએ છીએ, પરંતુ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું. અરજીને ફગાવી દેતા હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ઈડી પાસે કેજરીવાલની ધરપકડ માટે પૂરતા આધાર છે. સ્પેશિયલ કોર્ટ દ્વારા ઇડીને દિલ્હીના સીએમના રિમાન્ડ આપવા પણ કાયદેસર છે.

અગાઉ પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી

21 માર્ચે ઈડીએ પૂછપરછ બાદ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. તે જ દિવસે કેજરીવાલે (Arvind Kejriwal) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ બીજા દિવસે તેને પાછી ખેંચી લીધી હતી. આ અરજીમાં ઇડી દ્વારા તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. પક્ષ ઇચ્છતો હતો કે કોર્ટ રાત્રે આ મામલાની સુનાવણી કરે, પરંતુ એવું થયું નહીં. અરજી પાછી ખેંચતી વખતે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, “આપના કન્વીનર પહેલા નીચલી કોર્ટમાં રિમાન્ડનો સામનો કરશે. જો જરૂર પડશે તો અમે બીજી અરજી સાથે કોર્ટનો સંપર્ક કરીશું.”

અરવિંદ કેજરીવાલની અરેસ્ટ કાયદેસર જ છેઃ કોર્ટ કાયદાથી ચાલે છે, રાજકીય દબાવથી નહીં

આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા કરવામાં આવેલી ધરપકડને પડકારતી પિટિશન દિલ્હી હાઈ કોર્ટે મંગળવારે ફગાવી દીધી હતી અને કોર્ટે કહ્યું હતું કે કેજરીવાલની ધરપકડ એકદમ કાયદેસર છે; કોર્ટ કાયદાથી ચાલે છે, રાજકીય દબાવથી નહીં. અરવિંદ કેજરીવાલે દિલ્હી લિકર પૉલિસીના મુદ્દે મની લૉન્ડરિંગ કેસમાં કરવામાં આવેલી ધરપકડને દિલ્હી હાઈ કોર્ટમાં પડકારીને રિમાન્ડનો વિરોધ કર્યો હતો.

હાઈ કોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ કહ્યું હતું કે આ પિટિશન જામીન માટે નથી પણ એ તેમની ધરપકડને પડકારે છે, અરજદારનું માનવું છે કે ધરપકડ ખોટી રીતે થઈ છે. કોર્ટે નોંધ્યું હતું કે ‘કેજરીવાલ દિલ્હી શરાબ નીતિના આખા ષડયંત્રમાં સામેલ હતા એટલું જ નહીં, લાંચ લેવામાં અને આ ગુનો કરવામાં જે ચીજો થઈ છે એ તમામમાં તેઓ સામેલ હતા. AAPના કન્વીનર તરીકે કેજરીવાલ ખુદ શરાબ નીતિ બનાવવાની સાથે-સાથે લાંચની રકમ જમા કરવામાં પણ સામેલ હતા. કેજરીવાલની ધરપકડ કાયદાનું ઉલ્લંઘન નથી, તેમની ધરપકડ મની લૉન્ડરિંગ કાયદા હેઠળ થઈ છે અને એ કાયદામાં કોઈ વિશેષાધિકાર અપાય નહીં. આ કેન્દ્ર અને કેજરીવાલ વચ્ચેનો કેસ નથી, પણ ED અને કેજરીવાલ વચ્ચેનો કેસ છે.’

arvind kejriwal aam aadmi party delhi delhi news delhi high court supreme court india Lok Sabha Election 2024 national news