20 June, 2025 10:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઍર ઇન્ડિયાના વિમાનનું બ્લૅક બૉક્સ અમેરિકા મોકલવામાં આવશે
૧૨ જૂને અમદાવાદમાં ક્રૅશ થયેલા ઍર ઇન્ડિયાના વિમાનનું બ્લૅક બૉક્સ અમેરિકા મોકલવામાં આવશે. બ્લૅક બૉક્સમાં હાજર ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકૉર્ડર (DFDR) વૉશિંગ્ટનસ્થિત નૅશનલ સેફ્ટી ટ્રાન્સપોર્ટ બોર્ડ (NTSB) લૅબમાં વિશ્ળેષણ માટે મોકલવામાં આવશે. ભારતમાં એની રિકવરી શક્ય નથી. બ્લૅક બૉક્સને દુર્ઘટના વખતે નુકસાન પહોંચ્યું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ દિલ્હી મુખ્યાલયમાં એક ખાસ પ્રયોગશાળા સ્થાપી છે, પરંતુ હાલમાં ભારત પાસે આવા ક્ષતિગ્રસ્ત બ્લૅક બૉક્સમાંથી ડેટા પુનઃ પ્રાપ્ત કરવાની ટેક્નૉલૉજી નથી. બ્લૅક બૉક્સને હવે વિશ્લેષણ માટે અમેરિકાની NTSB લૅબોરેટરીમાં લઈ જવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા પર ભારતીય અધિકારીઓની દેખરેખ રહેશે જેથી તપાસમાં પારદર્શિતા જળવાઈ રહે અને તમામ આંતરરાષ્ટ્રીય પ્રોટોકૉલનું પાલન થાય.
DFDR અને કૉકપિટ વૉઇસ રેકૉર્ડર (CVR) જેવાં ડિજિટલ ઉપકરણોમાં રહેલો ડેટા દુર્ઘટનાના દિવસે વિમાનમાં શું ખામી હતી એ શોધવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.