28 July, 2025 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યેઉર હિલ્સ
પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા યેઉર હિલ્સ પર કન્સ્ટ્રક્શન મટીરિયલના ટ્રાન્સપોર્ટેશન પર પ્રતિબંધ મૂકતો નિર્દેશ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ આપ્યો છે. TMCના કમિશનર સૌરભ રાવે રિવ્યુ-મીટિંગ બાદ યેઉર હિલ્સ પર કન્સ્ટ્રક્શન મામલે અને ધ્વનિપ્રદૂષણ ઘટાડવા માટે આ નિર્ણય લીધો હતો.
યેઉરમાં કન્સ્ટ્રક્શન માટે TMCના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની પરવાનગી જરૂરી છે. કન્સ્ટ્રક્શનની પરવાનગી વગર કોઈ પણ કન્સ્ટ્રક્શન મટીરિયલ યેઉરમાં લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કન્સ્ટ્રક્શનની પરવાનગી હોય તો ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટે એન્ટ્રી-પોસ્ટ પર જ તમામ વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેમાં પરમિટની કૉપી, કન્સ્ટ્રક્શન મટીરિયલનો પ્રકાર અને ટ્રાન્સપોર્ટ કરતાં વાહનોની વિગતો જણાવવાની રહેશે. આ ઉપરાંત ધ્વનિપ્રદૂષણ રોકવા માટે હિલ્સ પરના બંગલાના માલિકોને પણ બિનજરૂરી લાઇટિંગ, લાઉડસ્પીકર વગાડવા અને ફટાકડા ફોડવા બાબતે પણ રોક લગાડવામાં આવી છે.
અત્યાર સુધીમાં આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૧૮૮ નોટિસ ફટકારવામાં આવી છે અને ૧૮ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો છે.