Triparna: સાહિત્ય, સંગીત અને ચિત્રકળાની રસિક બહેનો માટે મુંબઈમાં યોજાશે `ત્રિપર્ણ’ કાર્યક્રમ

17 April, 2026 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Triparna: આ કાર્યક્રમમાં બહેનો સર્જનાત્મક લેખન કર્યું હોય તો તેનું વાંચન, સ્વરસાધના કરી હોય તો તેની પ્રસ્તુતિ અને તુલિકાની કરામત બતાવી સુંદર ચિત્ર પણ રજૂ કરી શકશે.

ત્રિપર્ણ કાર્યક્રમમાં સહુને બંને સંસ્થા તરફથી જાહેર નિમંત્રણ મોકલવામાં આવ્યું છે

વિલેપાર્લેના નાગર ભગિની ગરબા મંડળ તથા તુલિકા આર્ટ્સ સેન્ટરના સંયુકત ઉપક્રમે `ત્રિપર્ણ` (Triparna) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાહિત્ય, સંગીત અને કળા સાથે સંકળાયેલી બહેનોને મૌલિક રજૂઆત કરવા આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સર્જનાત્મક લેખન કર્યું હોય તો તેનું વાંચન, સ્વરસાધના કરી હોય તો તેની પ્રસ્તુતિ અને તુલિકાની કરામત બતાવી સુંદર ચિત્ર પણ રજૂ કરી શકાશે. સહભાગી થનાર બહેનો આમાંથી કોઈ પણ એક રસની રજૂઆત કરી શકશે. સમય મર્યાદા પાંચ મિનિટની આપવામાં આવી છે, ખાસ ધ્યાન રહે કે એઆઈ ઍપનો ઉપયોગ નહીં કરાય. આ અભિયાન અંતર્ગત જેમને રસ હોય તેમણે કેતકીબહેન મહેતાને 98928 93339 પર અથવા મિતુલ પ્રદીપ 98216 66980 પર પોતાનું નામ અને રસનો વિષય તા. ૨૫.૪.૨૦૨૬ સુધીમાં જણાવવાનો રહેશે. વોલન્ટીયર તરીકે પણ જે બહેનોને ઈચ્છા હોય તેઓ નામ નોંધાવી શકે છે.

તુલિકા આર્ટ્સ સેન્ટર અને નાગર ભગિની ગરબા મંડળ દ્વારા બહેનો માટે સર્જનાત્મક અવસર

મિતુલ પ્રદીપ છેલ્લાં ૪૪ વર્ષથી તુલિકા આર્ટ્સ સેન્ટર ચલાવી રહ્યાં છે. વર્ષ ૧૯૮૨થી ચાલતા આ સેન્ટરમાં તેઓ ચાર વરસથી માંડી ૧૦૪ વર્ષના લોકોને પણ આર્ટ્સનું શિક્ષણ આપે છે. વિશેષ તો `ત્રિપર્ણ` (Triparna) કાર્યક્રમમાં મિતુલ પ્રદીપ લાઈવ પેઇન્ટિંગ કરવાનાં છે જે કલારસિકો માટે અનન્ય લ્હાવો છે.

નાગર ભગિની ગરબા મંડળનાં વરિષ્ઠ સભ્ય કેતકી મહેતા આ આયોજન (Triparna) વિશે જણાવે છે કે, "આજના બદલાતા સમયમાં જ્યારે ટેકનોલોજીનું વર્ચસ્વ ખૂબ વધી ગયું છે, ત્યારે  શિક્ષણ જ એવું એક માધ્યમ છે જે માનવ અને સમાજ વચ્ચેનું અનુંસંધાન બની રહેશે. ખાસ કરીને એવી મહિલાઓ માટે જે કૌટુંબિક જવાબદારીઓમાંથી મહદ અંશે મુકત થઇ હોય અને સતત એમ વિચારતી હોય  કે જીવનમાં હવે મારે શું? અથવા તો મને આજના જમાનાનું કંઈ સમજાશે નહીં. તો એ સ્ત્રીઓને માટે હું ચોક્કસપણે એવું કહીશ કે કોઈ પણ એક નાનો મોટો કોર્સ જરૂર કરવો જોઈએ અને પોતાને સમૃદ્ધ બનાવવાની એક તક આપવી જોઈએ. `ત્રિપર્ણ`ના કાર્યક્રમને ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો છે. આ સાબિત કરે છે કે આપણા મંડળની બહેનો સાહિત્યિક અને કલાના ક્ષેત્રે ઘણો રસ ધરાવે છે. તો ચાલો મળીએ પાંચમી તારીખે. આવો પેલી જૂની કહેવત બદલીએ અને કહીએ કે ચાર ચોટલા, ઉજાળે ઘરના ઓટલા"

આ કાર્યક્રમ (Triparna) તા : ૫.૫.૨૦૨૬ના રોજ બપોરે ૩.૩૦ થી ૫.૩૦ દરમિયાન યોજાશે. સ્થળ છે: તુલિકા આર્ટ્સ, એસ.વી.રોડ, દાદાભાઈ રોડના કૉર્નર પર, વિલેપાર્લે (વેસ્ટ)

ખાસ નોંધ: આ કાર્યક્રમમાં માત્ર બહેનો જ પ્રસ્તુતિ કરી શકશે. પણ આ કાર્યક્રમમાં કલારસિક તરીકે સર્વે ભાગ લઈ શકે છે. સહુને બંને સંસ્થા તરફથી જાહેર નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.

mumbai news mumbai mumbai guide culture news indian music indian classical music gujarati community news gujaratis of mumbai vile parle