રિકવરીના નામે જ્વેલરની હેરાનગતિ

08 April, 2021 08:22 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

સાયન પોલીસે મામૂલી ચોરીના કેસમાં નાલાસોપારાના ઝવેરીને ૧૩ લાખનો ચોરીનો માલ ખરીદ્યાની નોટિસ મોકલી: બે જુદા-જુદા ગુના માટે એક એફઆઇઆર નોંધાવાની શંકા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના બાર, રેસ્ટોરાં અને પબ પાસેથી મહિને ૧૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાનો ટાર્ગેટ તત્કાલીન ગૃહપ્રધાન અનિલ દેશમુખે આપ્યો હોવાનો પત્ર તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્ય પ્રધાનને લખ્યા બાદ પોલીસની છબિ ખરડાઈ છે. પોલીસનું નામ ખરાબ થાય એવો વધુ એક મામલો સામે આવ્યો છે. સાયન પોલીસે ૩૦૦૦ રૂપિયાની મામૂલી ચોરીના એફઆઇઆરના આધારે નાલાસોપારાના એક જ્વેલરને ૧૩ લાખ રૂપિયાના ચોરીના દાગીના ખરીદવા બદલ નોટિસ મોકલી છે. સાયન પોલીસ-સ્ટેશનમાં ૨૬/૨૧ નંબરનો એફઆઇઆર ૩૦૦૦ રૂપિયાની ચોરીનો નોંધાયો છે, જ્યારે નાલાસોપારાના જ્વેલરને ૨૬/૨૧ નંબરના એફઆઇઆરમાં ૧૩ લાખની કિંમતના ચોરીના દાગીના ખરીદવાનું કહીને પોલીસ રિકવરી માટે પરેશાન કરી રહી છે. બે જુદા-જુદા ગુના માટે એક એફઆઇઆર હોઈ શકે? જ્વેલરે આ બાબતે ઉચ્ચ પોલીસ અધિકારીને ફરિયાદ કરતાં તપાસ હાથ ધરાઈ છે.

નાલાસોપારા (ઈસ્ટ)માં રહેતા જગદીશ વૈષ્ણવ ભૂમિ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. તેમણે ઝોન-૪ના ડેપ્યુટી પોલીસ કમિશનર વિજય પાટીલને કરેલી ફરિયાદમાં નોંધ્યું છે કે ૩ એપ્રિલે બપોરે સાયન પોલીસ-સ્ટેશનમાંથી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર મહેશ નાયકવડી તેમના બે સાથી સાથે મારી નાલાસોપારા ખાતેની દુકાન પર આવ્યો હતો.

૧૩ લાખ રૂપિયાની કિંમતના ચોરી થયેલા દાગીના ખરીદ્યા હોવાનું કહીને મારી પાસેથી ૪૫૦ ગ્રામ સોનાની રિકવરી કરવા આવ્યો હોવાનું મહેશ નાયકવડીએ કહ્યું હતું. પોતે ચોરીનો માલ ન ખરીદ્યો હોવાની સાથે પૂછપરછ કરવી હોય તો નોટિસ મોકલવાનું પોલીસને કહ્યું હતું. પોલીસે જે નોટિસ મોકલી હતી એમાં સાયન પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલો ૨૬/૨૦૨૧ નંબરનો એફઆઇઆર ૨૦૨૧ની ૬ ફેબ્રુઆરીએ નોંધાયેલો હોવાનું જણાતાં પોતે ચોંકી ગયા હતા.

જગદીશ વૈષ્ણવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાલાસોપારા જ્વેલર્સ વેલ્ફેર અસોસિએશનના પદાધિકારીઓ અને મહારાષ્ટ્ર રાજ્ય સરાફા સુવર્ણકાર ફેડરેશનના વાઇસ પ્રેસિડન્ટ ભંવર મહેતા સહિતના સભ્યો પાંચ એપ્રિલે સાયન પોલીસ-સ્ટેશન ગયા હતા. અહીં ઑનલાઇન ચેક કરેલો અને પોલીસે નોટિસ મોકલેલો એફઆઇઆર નંબર એક છે, પણ બન્નેમાં ગુના જુદા કેમ છે? એમ અમે પૂછ્યું હતું.

અમારા સવાલના જવાબમાં સિનિયર ઇન્સ્પેક્ટર મનોજ હિર્લેકરે અમને સમજવામાં ભૂલ થઈ હોવાનું સમજાવ્યું હતું. તેમની વાત ગળે ન ઊતરતાં અમે ઝોન-૪ના ડીસીપી વિજય પાટીલને મળ્યા હતા. તેમણે અમારી વાત સાંભળીને તપાસ કરવાનું આશ્વાસન આપતાં અમે તેમની ઑફિસમાં ફરિયાદ નોંધાવી હતી.’

પોલીસ અધિકારી શું કહે છે?

જગદીશ વૈષ્ણવની દુકાને ચોરી થયેલા દાગીનાની રિકવરી માટે ગયેલા સાયન પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર મહેશ નાયકવડીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ-સ્ટેશનમાં એફઆઇઆર જુદી-જુદી રીતે નોંધાય છે. ઑનલાઇનમાં નંબર જુદો દેખાતો હોવાથી જ્વેલર કન્ફ્યુઝ્ડ છે. તેમને પોલીસ-સ્ટેશનમાં બોલાવીને આ વિશે સમજાવ્યું હતું. આગળની તપાસ ચાલી રહી છે.’

સાયન વિસ્તાર ડીસીપી ઝોન-૪માં આવે છે. અહીંના ડીસીપી વિજય પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્વેલરની ફરિયાદ મળ્યા બાદ મેં આ મામલાની તપાસ એસીપી સાયન ડિવિઝનને સોંપી છે.

એફઆઇઆરમાં ૩૦૦૦ની કૅશની ચોરીની ફરિયાદ

સાયન પોલીસ દ્વારા નાલાસોપારાના જ્વેલરને દાગીનાની રિકવરી માટેની નોટિસ મોકલાઈ છે એમાં સાયનમાં સાયન તળાવની પાસેની અમેય નામની સોસાયટીના પાંચમા માળે રહેતી પંચાવન વર્ષની એક મહિલાએ પોતાના ઘરમાંથી ૨૦૨૧ની ૧૨ ફેબ્રુઆરીએ રાત્રે ૧૩,૧૧,૮૦૦ રૂપિયાની કિંમતના દાગીના ચોરી થવાની ફરિયાદ બીજા દિવસે પોલીસમાં નોંધાવી હોવાનું જણાવ્યું છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી વિશાલ પાટણેએ ચોરીનો માલ ભૂમિ જ્વેલર્સના જગદીશ વૈષ્ણવને વેચ્યો હોવાનું કહેતાં આ મામલે તમારી પૂછપરછ કરવાની છે એટલે ૨૦૨૧ની ૪ એપ્રિલે સાયન પોલીસ-સ્ટેશનમાં હાજર થવાની નોટિસ પોલીસે જગદીશ વૈષ્ણવને આપી હતી. જોકે ઑનલાઇન ચેક કરેલો ૨૬/૨૧ નંબરનો એફઆઇઆર ૭ ફેબ્રુઆરીએ નિમેશ કનોજિયાએ ૩૦૦૦ રૂપિયાની ચોરીનો નોંધાવ્યો હોવાનું જણાઈ આવે છે. સાયન પોલીસના રેકૉર્ડમાં એક જ એફઆઇઆરમાં સોનાના દાગીનાની ચોરી અને માત્ર ૩૦૦૦ રૂપિયાની ચોરીની નોંધ છે.

mumbai mumbai news Crime News mumbai crime news sion nalasopara mumbai police prakash bambhrolia