✕

સાંતાક્રુઝમાં યોજાયું છે રાશિકલા પ્રદર્શન

29 November, 2026 08:12 AM IST  |  Mumbai | Alpa Nirmal

અહીં જોવા મળશે વિદ્યાની દેવી મા સરસ્વતીનાં ૧૨ રાશિ મુજબનાં સ્વરૂપોનાં લાઇફ-સાઇઝ પેઇન્ટિંગ્સ.

રાશિ મુજબ સરસ્વતીનાં રૂપ

એ ઉપરાંત ભિન્ન‍-ભિન્ન ઝૉડિઍક સાઇન મુજબ સંગીત, લાઇટિંગ અને સુગંધનો અનુભવ પણ કરી શકાશે અને હા, મા સરસ્વતીની સાધના તો ખરી જ. તમે અષ્ટલક્ષ્મી વિશે તો સાંભળ્યું હશે પણ સરસ્વતી માનાં દ્વાદશ સ્વરૂપો વિશેનો ખ્યાલ છે? એ જ રીતે બ્રહ્માંડની બારેય રાશિઓ પર અલગ-અલગ સ્વરૂપનાં સરસ્વતી માતા વધુ સટીક અસર કરે છે એ વિશે ખબર છે? જો તમારો જવાબ ના હોય અથવા તમને એ વિશે વધુ જાણવું હોય તો પહોંચી જાઓ સાંતાક્રુઝ-વેસ્ટમાં પોદ્દાર સ્કૂલ નજીક આવેલા કુંથુનાથ જૈન દેરાસરમાં જ્યાં ક્યારેય ન થયું હોય એવું અનોખું રાશિકલા પ્રદર્શન યોજાયું છે.

આ પ્રદર્શન શેનું છે? એમાં શું જાણવા-શીખવા મળશે? એ વિશે એક્ઝિબિશનના પ્રણેતા પંડિત પ્રવર ત્રૈલોક્યમંડન વિજય મહારાજસાહેબ ‘મિડ-ડે’ને કહે છે, ‘ત્રણ વર્ષ પહેલાં મને ‘દેવતા મૂર્તિ પ્રકરણ’ નામે પ્રાચીન ગ્રંથની હસ્તપ્રત મળી હતી. એ ગ્રંથમાં અલગ-અલગ રાશિઓને સમર્પિત સરસ્વતી માતાનો શ્ળોક તથા બેઝિક આકૃતિરૂપે વિસ્તૃત વર્ણન હતું. એ છંદ-શ્ળોકનો મેં અભ્યાસ કર્યો. આથી આ વિષયની વધુ ગહન છણાવટ માટે અમે ભારતીય જ્યોતિષશાસ્ત્ર, શિલ્પશાસ્ત્રો, વનસ્પતિશાસ્ત્ર તથા નાટ્યશાસ્ત્રનો પણ વિસ્તૃત અભ્યાસ કર્યો અને એથી ખ્યાલ આવ્યો કે બારેય રાશિ માટે સરસ્વતી માતાનું ભિન્ન સ્વરૂપ છે. તેમના હાવભાવ, તેમના હસ્તમાં રહેલી વસ્તુઓ, તેમનાં વસ્ત્રો, તંત્રો જુદાં છે. ઈવન દરેક સ્વરૂપનાં નામો અને તેમનાં પ્રિય પુષ્પ પણઅલગ-અલગ છે. એક દાખલો આપું તો મેષ રાશિનાં સરસ્વતી માતાનું નામ મહાવિદ્યા છે અને તેમને ટ્યુલિપ પુષ્પની સુંગધ વધુ ગમે છે.’

આ અભ્યાસ પછી પંડિત મહારાજશ્રીએ આ વિષય ઉપર ગહન પઠન કર્યું. એ સાથે જ માતાના વર્ણન મુજબ તેમની આકૃતિની કલ્પનાઓ કરી, રફ સ્કેચિસ બનાવ્યા. હાલમાં સાંતાક્રુઝ-વેસ્ટમાં બિરાજમાન મહારાજસાહેબ આગળ કહે છે, ‘લક્ષ્મીજી, સરસ્વતીજીને આપણી આર્ય પરંપરાના દરેક ધર્મમાં ધન તથા વિદ્યાની દેવી મનાય છે. હા, દરેક સંપ્રદાયની ઉપાસના-પદ્ધતિ અલગ છે, પરંતુ ઐશ્વર્ય લક્ષ્મીજી પાસે અને જ્ઞાન સરસ્વતી માતા પાસે જ માગવાનું રહે છે. જૈન સાધુઓ અન્ય કોઈ દેવી તત્ત્વની સાધના નથી કરતા, પરંતુ સરસ્વતી માની આરાધના કરે છે જે વિદ્યા અને જ્ઞાન માટે તો જરૂરી છે. સાથે સાધુને નિર્મળ બુદ્ધિ, વિવેક, આત્મજાગૃતિ કેળવવા માટે વિદ્યા તથા કલાની અધિષ્ઠાત્રી મા સરસ્વતીની વધુ ઊંડી ઉપાસના કરવાની રહે છે અને એ ગુણો અમને પ્રાપ્ત થાય એ માટે દરેક શાસ્ત્રને સાંકળીને અમે માતાનાં ૧૨ રૂપ, તંત્ર, પ્રિય સંગીત, પુષ્પ, ગુણ વગેરે વિશેષણોને આધારિત એક ફાઇલ તૈયાર કરી.’

તાજેતરમાં જ જૈન દર્શન તથા ન્યાયજગતના શિખરસમાન જ્ઞાન વારસારૂપી ‘શ્રી સન્મતિતર્ક પ્રકરણમ્’ નામે દળદાર પ્રાચીન ગ્રંથનું સંકલન કરીને જૈન સંઘને અર્પણ કરનાર પંન્યાસ ભગવંત કહે છે, ‘૨૦ વર્ષના એ ભગીરથ કાર્યમાં મને મારી રાશિનાં અધિષ્ઠાત્રી માતાની સાધના ખૂબ સહાયભૂત બની અને મારાથી એ કાર્ય સંપન્ન થઈ શક્યું. આથી અમે સર્વે સાધુગણે વિચાર્યું કે આ વિષયનો પ્રસાર કરીએ જેથી સાધુ-સાધ્વીજી સહિત સંસારના તમામ મનુષ્ય એનો લાભ લઈ શકે.’

હેતલ મહેતા જોશી અને માલિની અવસ્થી

મહારાજસાહેબની આવી ઉત્તમ ભાવનાથી સુરતના ચિત્રકાર નૈનેશ સરૈયાએ પૂજ્યશ્રીના માર્ગદર્શન હેઠળ વિદ્યાદેવીનાં ભિન્ન-ભિન્ન રૂપનાં ચિત્રો દોર્યાં છે. આ ચિત્રોમાં એવી ઝીણવટ છે કે દરેક રાશિના સ્વભાવ મુજબ માતાના ચહેરાના હાવભાવ, વસ્ત્રો, આભૂષણો ચિત્રિત કરાયાં છે.

દેવી બ્રાહ્મી (કન્યા રાશિ / Virgo)

કન્યા રાશિનાં અધિષ્ઠાત્રી દેવી બ્રાહ્મી સૂક્ષ્મ વિશ્ળેષણ, ગણિત, વ્યાકરણ અને ઊંડા શાસ્ત્રીય અભ્યાસના કારક છે. તેઓ બુદ્ધિમાં સ્પષ્ટતા, વિવેક અને ઊંડી સમજણ પ્રદાન કરે છે. આ દેવીના મુખના ભાવોને બારીકાઈથી જોતાં એમાં વિવેક, પરિશ્રમી, વ્યવહારુ તથા વિશ્ળેષણાત્મક ગુણો સ્પષ્ટ દેખાય છે. સેંકડો ગ્રંથોના અભ્યાસુ ત્રૈલોક્યમંડન વિજય મહારાજસાહેબનું કહેવું છે કે ‘દરેક જાતકે તેની ચન્દ્ર રાશિ અનુસાર સરસ્વતી માતાના એ સ્વરૂપને પૂજવાનું હોય છે જેથી તે પોતાની રાશિનો સ્વભાવ, ગુણધર્મોને વધુ જાગૃત અને આત્મસાત્ કરી શકે; પરંતુ જો કોઈ વ્યક્તિને પોતાનામાં બીજી પણ યોગ્યતાઓ કેળવવી હોય તો એ ગુણોનું પ્રતિનિધિત્વ કરતી રાશિના સ્વરૂપની ઉપાસના કરવાથી એ ખૂબીઓનો પણ વિકાસ થાય  છે અને દરેક મનુષ્ય એ પ્રમાણે એકથી વધુ સ્વરૂપની સાધના કરી શકે છે.

- શાંત મન સ્વયં જ્યોતિ છે અને કોસ્મિક એનર્જી કહો કે પરમ તત્ત્વ એના દ્વાર આજે પણ ખૂલી શકે છે.

રાશિકલા પ્રદર્શનમાં શું છે?

સાડાપાંચ હજાર ફુટમાં પ્રદર્શિત આ એક્ઝિબિશનમાં 5X3 ફુટની ૧૨ રાશિને સમર્પિત હંસવાહિનીનાં વિભિન્ન સ્વરૂપનાં હસ્તનિર્મિત પેઇન્ટિંગ્સ છે. એ સાથે મૉડર્ન ટેક્નૉલૉજીનો સાથ લઈ આ દરેક સ્વરૂપનું વિવરણ, વિશેષતા, સાધનાપદ્ધતિ, મંત્ર, તંત્ર, ટૅબ્લેટ દ્વારા એ ચિત્ર પાસે જોઈ-જાણી શકાય એવી સરળ સુવિધા કરાઈ છે. બાળકોને આનંદ આવે એ માટે પ્રદર્શનને અનુરૂપ ગેમ્સ, સેલ્ફી-પૉઇન્ટ આદિ છે તથા સરસ્વતીસાધના માટે અલાયદો વિસ્તાર પણ છે. ઉપરાંત સરસ્વતી માતાની અવનવાં રૂપની પ્રાચીન-અર્વાચીન મૂર્તિઓ, હસ્તપ્રતો તથા ચિત્રો પણ પ્રદર્શિત કરાયાં છે.

ગઈ કાલથી શરૂ થયેલું આ પ્રદર્શન સાંતાક્રુઝમાં આજે પણ સવારે ૧૦થી રાતે ૮ દરમ્યાન જોઈ શકાશે તથા ૧૨-૧૩ ડિસેમ્બરે વિલે પાર્લે-ઈસ્ટના ચિંતામણિ દેરાસર અને જાન્યુઆરીની ૧૬-૧૭ તારીખે મલાડ-વેસ્ટના જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસરના ઉપાશ્રયમાં આયોજિત થશે.

santacruz mumbai alpa nirmal religion culture news astrologer astrology news mumbai news jain community gujaratis of mumbai art exhibition