દુકાનો બંધ કરાવવા ગયેલી પોલીસને જ સરકારના નોટિફિકેશનની માહિતી નહોતી

07 April, 2021 08:54 AM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપર-વેસ્ટમાં દુકાનો બળજબરીથી બંધ કરાવી રહી હતી અને એ જ સમયે ઈસ્ટમાં કોઈ પણ જાતની હિચકિચાટ વગર દુકાનો ધમધમી રહી હતી

ઘાટકોપર સ્ટેશન પાસે પોલીસ આવ્યા બાદ બંધ કરવામાં આવી દુકાનો

સરકારે બ્રેક ધ ચેઇન હેઠળ બહાર પાડેલા રીટેલ દુકાનદારો માટે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર ન કરવાથી ઘાટકોપરના દુકાનદારોએ ગઈ કાલે સવારથી તેમની દુકાનો ખોલી નાખી હતી. જોકે સવારના ૧૧ વાગ્યાની આસપાસ ઘાટકોપર (વેસ્ટ)માં ઘાટકોપર પોલીસ-સ્ટેશનના અધિકારીઓ ઘાટકોપર સ્ટેશન પરની અને મહાત્મા ગાંધી રોડ પરની દુકાનો બંધ કરાવવા માટે રોડ પર ઊતરી આવ્યા હતા. એની સામે વિરોધ કરતાં પોલીસ પણ સરકારી નોટિફિકેશનથી અજ્ઞાન હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

આ બાબતની માહિતી આપતાં ઘાટકોપરના ઇમિટેશન જ્વેલરીના વેપારી પારસ ભાયાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા માટે સૌથી મોટું અચરજ એ હતું કે એક બાજુ ઘાટકોપર પોલીસ દુકાનદારોને તેમની દુકાનો બળજબરીથી બંધ કરાવી રહી હતી અને એ જ સમયે ઘાટકોપર (ઈસ્ટ)માં કોઈ પણ જાતની હિચકિચાટ વગર દુકાનો ધમધમી રહી હતી. પહેલા જ લૉકડાઉનમાં અમારો ખાતમો બોલી ગયો છે. અમારી પાસે આજે કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી એમ કહેવું સહેજ પણ અતિશયોક્તિભર્યું નથી. આથી અમે સરકારના નોટિફિકેશનના વિરોધમાં રોડ પર ઊતરી ગયા હતા.’

અમે રોડ પર ઊતરીને અમારી આગળની રણનીતિ તૈયાર કરી રહ્યા હતા એમ જણાવીને ભેગા થયેલા દુકાનદારોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સરકારના બ્રેક ધ ચેઇન નોટિફિકેશનના દિવસથી જ અસમંજસ પરિસ્થિતિમાં છીએ. સરકારે અમારા નેતાઓને ફક્ત વીક-એન્ડ લૉકડાઉનની વાત કરી હતી. એને બદલે સરકારે આડકતરી રીતે સંપૂર્ણ લૉકડાઉનની નીતિ અપનાવી છે. જેણે સરકારના આદેશનું પાલન કરાવવાનું છે એ પોલીસને પણ સરકારના નોટિફિકેશનની પૂરી માહિતી નથી. ગઈ કાલે અમને બીટ-માર્શલે આવીને પી-વન, પી-ટૂને ફૉલો કરવા કહ્યું હતું, જ્યારે એક દુકાનદારને ત્યાં જઈને ૧૧ વાગ્યે દુકાન બંધ કરવા કહ્યું હતું. જ્યારે દુકાનદારે નોટિફિકેશનની માગણી કરી ત્યારે પોલીસ ત્યાંથી સરકી ગઈ હતી.’ 

coronavirus covid19 mumbai mumbai news ghatkopar mulund lockdown rohit parikh