21 April, 2026 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૫૪ વર્ષીતપ આરાધકોના પારણા મહોત્સવમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, હિંગવાલા લેન, ઘાટકોપરના આંગણે પૂજ્ય સુબોધિકાબાઈ મહાસતીજી અને મુંબઈ, ઑસ્ટ્રેલિયા, અમેરિકા, દુબઈ આદિ ક્ષેત્રોના મળીને એકસાથે ૫૪ વર્ષીતપ આરાધકોના પારણા મહોત્સવમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં ડૉ. પૂ. શ્રી જશુબાઈ મ., વિરલપ્રજ્ઞા પૂ. શ્રી વીરમતીબાઈ મ. આદિ ઠાણા, પૂ. શ્રી ઊર્મિબાઈ મ. આદિ, ડૉ. પૂ. શ્રી ડોલરબાઈ મ., પૂ. શ્રી ધર્મિલાબાઈ મ., પૂ. શ્રી પદમાબાઈ મ., પૂ. શ્રી પૂર્વીબાઈ મ. આદિ ઠાણા, પૂ. શ્રી પરમસૌમ્યાજી મ. આદિ, કચ્છ આઠ કોટિ મોટી પક્ષનાં પૂ. શ્રી નયનાબાઈ મ., પૂ. શ્રી સુરભિબાઈ મ. આદિ સતીવૃંદની પાવન ઉપસ્થિતિ સાથે સમસ્ત ઘાટકોપરના શ્રી સંઘો તેમ જ પ્રત્યક્ષ અને લાઇવના માધ્યમથી હજારો ભાવિકો તપસ્વીઓની અનુમોદના કરવા જોડાયા હતા.
જૈનદર્શનમાં જે તપની પરંપરા કરોડો વર્ષોથી અવિરતપણે ચાલી રહી છે એવા એક દિવસના ઉપવાસ અને એક દિવસના પારણાની નિરંતર એક વર્ષની દીર્ઘ અને કઠિન તપશ્ચર્યા કરનારા ૫૪ ભાવિકોની આરાધનાની પરિપૂર્ણતાના આ અવસરે સૌને બોધિત કરતાં પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે ‘અંતરના ઊંડાણથી પરમાત્માના નામની એવી ધૂન જગાવી દઈએ કે પ્રભુનું નામ લેતાં આપણી જીભ કદી સુકાય નહીં. પ્રભુ જેવી આરાધના કરતાં-કરતાં માત્ર આહારના ત્યાગ સ્વરૂપ જ નહીં પરંતુ ઇચ્છાઓ, અનુકૂળતાઓ અને અપેક્ષાઓના ત્યાગ સ્વરૂપ વર્ષીતપ કરીને ધન્ય બની જઈએ.’