30 June, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના પોલીસ-કમિશનર દેવેન ભારતીએ કહ્યું હતું કે શહેરનાં તમામ ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવી લેવામાં આવ્યાં છે. પોલીસ અધિકારીઓએ મુંબઈનાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું જે પૂરું થતાં શનિવારે દેવેન ભારતીએ આ જાહેરાત કરી હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ મુજબ તમામ ધર્મના પ્રતિનિધિઓ અને રાજકીય નેતાઓની સંમતિ સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી તેમ જ કોઈ એક સમાજને ટાર્ગેટ કર્યો હોવાનો દાવો પણ તેમણે નકાર્યો હતો. લાઉડસ્પીકર્સ ધ્વનિપ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરતાં હોવાનું જણાતાં બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈ પોલીસને યોગ્ય પગલાં લેવા કહ્યું હતું. હાઈ કોર્ટે નોંધ્યું હતું કે લાઇડસ્પીકર કોઈ પણ ધર્મનું અભિન્ન અંગ નથી.
મુંબઈ પોલીસે અભિયાન અંતર્ગત ૧૫૦૦ લાઉડસ્પીકર હટાવ્યાં છે. એ પાછાં બેસાડી ન દેવાય એનું ધ્યાન પણ પોલીસ રાખશે. લાઉડસ્પીકર પર કાયમી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, પરંતુ તહેવારોમાં લાઉડસ્પીકર વગાડવા માટેની છૂટ મળશે એમ દેવેન ભરતી જણાવ્યું હતું.