11 October, 2026 11:38 AM IST | Mumbai | Varsha Chitaliya
કારમાંથી જમીન પર પગ પડે ત્યારથી માંડીને શૂટિંગનું પૅક-અપ થાય ત્યાં સુધી બિગ બીની તમામ મોમેન્ટ્સ કૅમેરામાં કૅપ્ચર કરવાની જવાબદારી સંભાળે છે પરેશ મહેતા
કારમાંથી જમીન પર પગ પડે ત્યારથી માંડીને શૂટિંગનું પૅક-અપ થાય ત્યાં સુધી બિગ બીની તમામ મોમેન્ટ્સ કૅમેરામાં કૅપ્ચર કરવાની જવાબદારી સંભાળે છે પરેશ મહેતા - માત્ર મુંબઈમાં નહીં, બધે જ
દર રવિવારે જુહુસ્થિત જલસા બંગલાની બહાર હજારો ફૅન્સ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની એક ઝલક જોવા એકઠા થાય છે. હાથમાં બચ્ચનસાહેબનાં પોસ્ટર્સ, સ્કેચ અને બુકે લઈને ઊભેલા ચાહકો તેમના બહાર આવવાની રાહ જુએ છે. સિક્યૉરિટી અલર્ટ મોડ પર છે અને અચાનક જલસાના દરવાજા ખૂલે છે. બિગ બી બહાર ગોઠવેલા પ્લૅટફૉર્મ પર આવીને ઊભા રહે છે, હાથ જોડે છે અને હવામાં હાથ હલાવી ચાહકોનું અભિવાદન ઝીલે છે. ભીડમાં હાજર દરેક વ્યક્તિ પોતાના મોબાઇલ કૅમેરાથી આ ક્ષણને કેદ કરવા મથી રહી છે. જોકે આ જ ભીડથી થોડે દૂર એક એવી આંખ છે જે ખાસ ઍન્ગલ પરથી પ્રોફેશનલ કૅમેરામાં બચ્ચનસાહેબના ચહેરાના દરેક હાવભાવને પકડી રહી છે. એ આંખ અને કૅમેરા છે પરેશ મહેતાનાં. સદીના મહાનાયક ૩૬ વર્ષથી એક ગુજરાતી ફોટોગ્રાફરના કૅમેરામાં કેદ થતા આવ્યા છે. બિગ બીના પડછાયાની જેમ સતત સાથે રહેતા તેમના પર્સનલ ફોટોગ્રાફર પરેશ મહેતા સાથે થયેલી ‘મિડ-ડે’ની એકદમ ખાસમખાસ વાતચીતમાં જાણો એવાં સીક્રેટ્સ જે ગૂગલ પર સર્ચ કરવાથી પણ નહીં મળે.
ગેટ્સ ઑફ જલસા
પરેશભાઈ કહે છે, ‘ગેટ્સ ઑફ જલસા ફૅન મોમેન્ટ અથવા સન્ડે દર્શન મોમેન્ટ માત્ર ૩ મિનિટની હોય છે. ફોટોગ્રાફર તરીકે શ્વાસ લેવાનો પણ સમય નથી હોતો. સાહેબની ઘરમાં પૂજા, ચાહકો સામે હાથ હલાવવો, તેમનું સ્મિત અને ૩૬૦ ડિગ્રી ઍન્ગલથી લઈને બૅક-ટુ-ફ્રન્ટ એક્સપ્રેશન બધું જ એક પણ સેકન્ડ ગુમાવ્યા વિના કૅપ્ચર કરવાનું હોય છે. આજના ડિજિટલ યુગમાં ફોટોગ્રાફરો ફટાફટ સેંકડો ફોટો ક્લિક કરી લે અને પછી સિલેક્ટેડ ફોટો એડિટ કરે છે. મારી નજરે એને અસલી ફોટોગ્રાફી ન કહેવાય. મારી સ્ટાઇલ ઑન ધ સ્પૉટ ક્લિકની છે. જ્યારે હું સાહેબનો ફોટો પાડતો હોઉં ત્યારે કોઈની સાથે વાત નથી કરતો. મહાભારતમાં અર્જુનની આંખો માછલી પર હતી એવી જ રીતે મારું સંપૂર્ણ કૉન્સન્ટ્રેશન તેમની આંખો અને મૂવમેન્ટ પર હોય છે. તેમના હાવભાવ અને આસપાસનું વાતાવરણ કેવું છે એ બધું જ એકસાથે ફોકસમાં રાખવું પડે. મારું થિન્કિંગ અને ટાઇમિંગ એટલાં શાર્પ છે કે ૯૯ ટકા ક્યારેય મારો ફોટો ખરાબ નથી થયો કે સાહેબની આંખ બંધ થઈ ગઈ હોય એવો શૉટ નથી લીધો. સાહેબ પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટ અને કૅપ્શન માટે બહુ જ પર્ફેક્ટ છે. દિવસભરના શૂટ કે રવિવારનાં દર્શન પૂરાં થાય પછી રાત સુધીમાં પેન ડ્રાઇવ સોંપવી જ પડે. રૂટીન લાઇફમાં પણ કારમાંથી નીચે જમીન પર તેમનો પગ પડે ત્યારથી લઈને પૅક-અપ સુધીની તમામ મોમેન્ટ્સને કૅપ્ચર કરવાની. અડધી રાતના મેસેજ કે કૉલ આવે કે પરેશ સો ગએ હો? હું કહું કે નહીં સર, જાગ રહા હૂં. તેઓ ફોટો જોયા વગર સૂતા નથી અને મને પણ સૂવા દેતા નથી. આ મારી રોજની પરીક્ષા છે. તેઓ જ્યારે ફોટો ઓકે કરે ત્યારે એવું લાગે કે પપ્પુ પાસ હો ગયા. આ લેવલની સર્વિસ આપી શકું છું એની ખુશી છે.’
ધ બિગિનિંગ
બચ્ચન-પરિવારના અદૃશ્ય સભ્ય જેવો મોભો ધરાવતા પરેશ મહેતાની આ સફરની શરૂઆત ફોટોગ્રાફી પ્રત્યેના ઝનૂનથી થઈ હતી. એ દોર એવો હતો જ્યારે ડિજિટલ કૅમેરા કે સ્માર્ટફોનનું નામનિશાન નહોતું. રીલવાળા કૅમેરા, બ્લૅક ઍન્ડ વાઇટ નેગેટિવ્સ અને ડાર્કરૂમની અંદર કલાકો સુધી ફોટો ડેવલપ કરવાની ધીરજ માગી લેતી કળાનો એ સુવર્ણકાળ હતો. પરેશભાઈના મનમાં ફોટોગ્રાફી પ્રત્યે એક અલગ જ દીવાનગી હતી. પરેશભાઈની કંપનીનું નામ ભલે ‘મેમરી મેકર્સ’ છે, પણ તેમની પોતાની મેમરી બહુ સારી નથી. હળવા સ્મિત સાથે યાદોનો પટારો ખોલતાં તેઓ કહે છે, ‘હું માત્ર ૧૨ વર્ષનો હતો ત્યારે અમિતાભ બચ્ચનને પહેલી વાર નજરે જોયા હતા. એ જમાનો રીલ અને નેગેટિવ્સનો હતો. બ્લૅક ઍન્ડ વાઇટ ફોટોનું કટિંગ કરવા અને એને વૉશ કરવા માટે સ્ટુડિયોમાં જતો હતો. ફિલ્મ ‘સત્તે પે સત્તા’ના શૂટિંગ દરમ્યાન સેટ પર ફોટોગ્રાફરની કૅમેરા-બૅગ પકડીને ઊભો હતો. બચ્ચનસાહેબને જોઈને આંખો અંજાઈ ગઈ. સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક દિવસ હું તેમનો પર્સનલ ફોટોગ્રાફર અને તેમના પરિવારનો હિસ્સો બની જઈશ.’
મારા પહેલાં જે ફોટોગ્રાફર સાહેબનું કામ કરતા હતા તેઓ મને ઘણી વાર શૂટિંગમાં સાથે લઈ જતા અને ત્યાંથી જ આ સફરનાં બીજ રોપાયાં એમ જણાવીને પરેશભાઈ કહે છે, ‘પ્રતીક્ષા બંગલામાં બચ્ચનસાહેબ સાથે પહેલી રૂબરૂ મુલાકાત થયાને લગભગ ૩૬ વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે. મારું કામ જોઈને તેમણે ફૅમિલી
ગેટ-ટુગેધરના ફોટો કૅપ્ચર કરવા બોલાવ્યો હતો. એમાં બાબુજી (હરિવંશરાય બચ્ચન) પોતાની અદ્ભુત શૈલીમાં કવિતાઓનું પઠન કરવાના હતા. બાબુજીની સાથે માજી (તેજી બચ્ચન) અને જયાજી પણ ઉપસ્થિત હતાં. સાહિત્ય અને ફિલ્મજગતના બે દિગ્ગજને એકસાથે કૅપ્ચર કરવા કૅમેરા ગોઠવ્યો ત્યારે રોમાંચ હતો અને હાથ પણ ધ્રૂજતા હતા. સાચું કહું તો બચ્ચનસાહેબની પર્સનાલિટી અને તેમનો ઑરા એવાં છે કે આજે પણ ગભરામણ થાય છે. મેં તેમને ‘ઍન્ગ્રી યંગ મૅન’થી લઈને આજના સોશ્યલ મીડિયાના જમાનાના ગ્લોબલ આઇકન બનતાં ખૂબ નજીકથી જોયા છે. આટલાં વર્ષોમાં ઘણુંબધું બદલાયું, પણ બચ્ચનસાહેબની શિસ્ત અને કૅમેરા સામેનો તેમનો વિશ્વાસ એવાં જ અકબંધ છે.’
બિહાઇન્ડ ધ કૅમેરા
કૅમેરાની પાછળના મહાનાયક વિશે પરેશભાઈ કહે છે, ‘તમે બધા દરરોજ ટેલિવિઝન પર ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)માં જુઓ છો કે જો સેટ પર કોઈ બચ્ચનસાહેબનાં વખાણ કરવાનું શરૂ કરે એટલે તેઓ તરત જ વાતને વાળી દે છે. તેમને પોતાનાં વખાણ સાંભળવાં બિલકુલ પસંદ નથી. તેમના કામની પ્રશંસા કરીએ ત્યારે વિનમ્રતાથી હાથ જોડીને કહેશે કે ના રે ના, મને કંઈ નથી આવડતું, આ તો તમે લોકોએ મારું નામ મોટું કરી નાખ્યું છે; અસલી જાદુગર તો ડિરેક્ટર અને રાઇટર છે. ક્રેડિટ બીજાને આપી દેવાની આ જે સાદગી છે એ શીખવા જેવી છે. તેઓ કૅરિંગ પણ છે. ચાર્ટર્ડ પ્લેનમાં પણ તેઓ મને હંમેશાં સાથે જ રાખે છે. ઘણી વાર સવારનો નાસ્તો એક શહેરમાં હોય તો લંચ બીજા શહેરમાં હોય. એક વાર પૅકઅપ પછી મને મોડું થઈ ગયું તો સાહેબે રનવે પર ચાર્ટર્ડ પ્લેન ઊભું રખાવ્યું અને કહ્યું કે મારો ફોટોગ્રાફર ન આવે ત્યાં સુધી પ્લેન ટેક-ઑફ નહીં થાય. એક વાર નાગપુરમાં શૂટિંગ દરમ્યાન મને તાવ આવી ગયો તો ડૉક્ટરને બોલાવ્યો અને ફ્લાઇટની ટિકિટ બુક કરાવીને મુંબઈ મોકલી દીધો. હજી હમણાં મારી વાઇફનો ૮ ઑક્ટોબરે બર્થ-ડે હતો ત્યારે મને કહ્યું કે જાઓ ભાગો ઘર પર, વાઇફનો બર્થ-ડે મિસ ન કરતો. તેમનો વિલપાવર પણ અદ્ભુત છે. તેમની તબિયત બહુ ખરાબ હતી અને હૉસ્પિટલમાં ઍડ્મિટ થવાનું હતું, પણ કમિટમેન્ટ કર્યું હોવાથી શૂટિંગ પૂરું કર્યું. એક વાર કલકત્તામાં શૂટિંગ વખતે પોતે ચુસ્ત વેજિટેરિયન હોવા છતાં મટન-માછલીની તીવ્ર સ્મેલ વચ્ચે પણ તેમણે હાથમાં ફિશ પકડીને શૂટિંગ કર્યું એવું તેમનું ડેડિકેશન છે. રાતના બે વાગ્યે તેમની કાર રેડ સિગ્નલ પર ઊભી રહે છે. બચ્ચન પરિવારમાં ઊજવાતા તહેવારો, ધાર્મિક પ્રસંગો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ પણ આપણને ઘણું શીખવી જાય છે. જલસા બંગલાનો સ્ટાફ હાય-હેલો કે ગુડ મૉર્નિંગ નહીં પણ નમસ્તે અને પ્રણામ બોલે છે. બિગ બી સંસ્કૃતિ અને ધર્મથી એટલા અટૅચ્ડ છે કે સત્યનારાયણની પૂજામાં ઉતાવળ કરવાને બદલે એક-એક તુલસીદળ આસ્થાથી ચડાવે છે. તેઓ પૂજા-પાઠમાં ખૂબ માને છે અને ભાષાની શુદ્ધતાના આગ્રહી છે. તહેવારોમાં અલગ જ લેવલની રોનક હોય છે. ડ્રેસિંગમાં પણ બચ્ચન પરિવારનો જવાબ નથી.’
પરેશભાઈ પાસે બચ્ચન પરિવારના અંગત ફોટોનો ખજાનો છે. તેજી બચ્ચન દીકરાના ગાલ પર ટપલી મારીને પંપાળતાં હોય, અભિષેક-ઐશ્વર્યાના વેડિંગ, આરાધ્યાનો જન્મ વગેરે તમામ મોમેન્ટ્સને તેમણે કૅપ્ચર કરી છે. પરેશભાઈને જ્યારે પૂછ્યું કે તમારો ફેવરિટ ફોટો કયો છે? ત્યારે તેમણે જવાબ આપ્યો, ‘સાહેબના આભામંડળને એક ફોટોમાં કેદ ન કરી શકાય. પેરન્ટ્સને તેમનાં બધાં સંતાન વહાલાં હોય એમ એક-એક ફોટો દિલની નજીક છે.’
બચ્ચનસાહેબ જ્યારે પરેશભાઈના ઘરે આવ્યા
પરેશભાઈએ ફોટોગ્રાફીનો કોઈ કોર્સ નથી કર્યો. શૂટિંગમાં લાઇટ પકડતાં-પકડતાં જ આ પૅશન ડેવલપ થયું અને જાતે શીખતા ગયા. તેમનો મલાડમાં ‘પરેશ મહેતા સ્ટુડિયો - મેમરી મેકર્સ’ સ્ટુડિયો છે જેનું ઉદ્ઘાટન ખુદ અમિતાભ બચ્ચને કર્યું હતું. દિવસ-રાત બિગ બીના પડછાયાની જેમ દોડતા પરેશભાઈ પોતાના પરિવારને સમય આપવા ક્યારેક મોડી રાત્રે લૉન્ગ ડ્રાઇવ પર નીકળી પડે છે. અમિતાભ બચ્ચનના ક્રેઝી શેડ્યુલની અસર અંગત જીવન પર કેવી પડી એનો એક મજેદાર કિસ્સો શૅર કરતાં તેઓ કહે છે, ‘મારાં લગ્નને ૨૬ વર્ષ થયાં છે. બચ્ચનસાહેબની કોઈ ફ્રેમ મિસ ન થાય એટલે મેં ભાગીને લગ્ન કર્યાં હતાં (જોકે આ એક મજાક છે). મારી વાઇફ ઘણી વાર મીઠી ટકોર કરે છે કે આખી દુનિયા બચ્ચનસાહેબની એક ઝલક જોવા માટે લાઇનમાં ઊભી રહે છે, પણ મને ખુદ બિગ બી ઘરે આવીને મળી ગયા છે.’
સ્ટાર ક્લાયન્ટ્સ
અમિતાભ બચ્ચનના Flashback Friday કે Throwback ફોટો વાઇરલ થાય છે એ આખી ડિજિટલ લાઇબ્રેરી મૅનેજ કરવા ઉપરાંત પરેશ મહેતા ઇન્ડસ્ટ્રીના જાણીતા કમર્શિયલ ફોટોગ્રાફર છે. તેમના ક્લાયન્ટ્સની યાદીમાં બૉલીવુડના ટૉપ સ્ટાર્સ સામેલ છે. તેઓ અભિષેક બચ્ચન, કરીના કપૂર, રવીના ટંડન, ઝાયેદ ખાન, ફેમસ ડિઝાઇનર ફરાહ અલી ખાન, સુઝૅન ખાન અને નતાશા નંદા જેવી સેલિબ્રિટીઝના પર્સનલ અને કમર્શિયલ શૂટ્સ કરે છે.