વિરતિ ગડાના નેમપથ પંચાન્હિકા સંયમ મહોત્સવમાં બુધવાર રાતના નેમરાગ ભક્તિ કાર્યક્રમને કૅન્સલ કરવામાં આવ્યો

24 April, 2025 10:22 AM IST  |  Mumbai | Lalit Gala

પહલગામમાં આતંકવાદીઓના હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે શ્રી અચલગચ્છ જૈન સંઘ, ડોમ્બિવલીનો નિર્ણય

મંગળવારે વિરતિબહેન ગડાના નેમપથ પંચાન્હિકા સંયમ મહોત્સવના વિદાય સમારંભ આયોજનમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા.

વિરતિ ગડાની આજે દીક્ષા નિમિત્તે છેલ્લા પાંચ દિવસથી ‘નેમપથ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગિરનાર તીર્થમાં ૯૯ યાત્રા દરમ્યાન તીર્થના મૂળ નાયક અને જૈનોના બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનની ભક્તિ કરતાં વિરતિબહેનને દીક્ષા લેવાના ભાવ થયા હતા. નેમપથ એટલે શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષાના પથ તરફ પ્રયાણ કરવું. આ કાર્યક્રમમાં પહેલા દિવસે ગુરુદેવોના પ્રવેશ સાથે મુમુક્ષુની વરસીદાન યાત્રા, બીજા દિવસે શ્રમણી વંદનાવલી અને વસ્ત્ર રંગોત્સવ, ત્રીજા દિવસે  ઋષિમંડલ અભિષેક અને વિરતિબહેનનો વિદાય સમારંભ, ગઈ કાલે ચંગબંધન, બેઠું વર્ષીદાન, છાબ ભરવાનું અને સાંજે નેમરાગ અને આજે વહેલી સવારે દીક્ષા એમ પાંચ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગઈ કાલ સાંજના કાર્યક્રમમાં પ્રભુ શ્રી નેમિનાથ ભગવાનના નેમરાગ ભક્તિ કાર્યક્રમના આયોજનમાં હજારો લોકો જોડાવાના હતા. આ વિશે વધુ માહિતી આપતાં શ્રી અચલગચ્છ જૈન સંઘ, ડોમ્બિવલીના પ્રમુખ કુલીનકાન્ત પીરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પહલગામમાં આતંકવાદીઓના હુમલામાં ડોમ્બિવલીના ત્રણ નાગરિકો મૃત્યુ પામ્યાં હતાં. ગઈ કાલે કાર્યક્રમના સમય દરમ્યાન જ તેમની અંતિમયાત્રાની તૈયારી થઈ રહી હતી. તેમને અને તેમની સાથેના અન્ય નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાના સ્વરૂપે અમે સાંજે સાત વાગ્યે શરૂ થનારા નેમપથ ભક્તિ કાર્યક્રમને કૅન્સલ કર્યો હતો. કાર્યક્રમના સ્થળે ૭ વાગ્યે જ લોકોના આવવાની શરૂઆત થઈ ગઈ હતી. આઠ વાગ્યે અમે આ કાર્યક્રમ કૅન્સલ કરવા માટે અનાઉન્સમેન્ટ કર્યું હતું અને આવનારા સૌને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ૧૨ નવકારનું સ્મરણ કરવા માટે કહ્યું હતું.’

dombivli jain community Pahalgam Terror Attack terror attack jammu and kashmir kashmir gujarati community news gujaratis of mumbai news mumbai mumbai news