02 June, 2025 11:12 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નાશિકમાં યોજાયેલી મીટિંગમાં સંતો-મહંતો સાથે દેવેન્દ્ર ફડણવીસ.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે નાશિકની મુલાકાત લીધી હતી અને ૨૦૨૭માં યોજાનારા સિંહસ્થ કુંભમેળાની તૈયારી માટેની એક મહત્ત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી અને ખાતરી આપી હતી કે સિંહસ્થ કુંભમેળાનો ભવ્ય કાર્યક્રમ શાંતિપૂર્વક પાર પાડવામાં આવશે.
આ બેઠકમાં ૧૩ અગ્રણી અખાડાઓના સંતો અને કુંભમેળાના આયોજનમાં સામેલ થનારી વિવિધ સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.
આ બેઠક યોજાયા બાદ મીડિયાને સંબોધતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કુંભમેળા વિશે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૩ અગ્રણી અખાડા હાજર રહ્યા હતા. એમાં સંતો, સાધુઓ અને મહંતોએ ભાગ લીધો હતો. અમે કાર્યક્રમની વ્યવસ્થા વિશે ચર્ચા કરી હતી. એમાં કાર્યક્રમનું સમયપત્રક, માળખાગત આયોજન, ભીડ-વ્યવસ્થાપન અને ગોદાવરી નદીમાં પ્રદૂષણના મુદ્દા જેવાં મહત્ત્વપૂર્ણ પાસાંઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.’
મહત્ત્વની તારીખોની જાહેરાત ટૂંક સમયમાં
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે સિંહસ્થ કુંભમેળાના મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોની તારીખો પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવી હતી અને એ વિશેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.