19 May, 2025 06:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત અને વિનાયક આંબેકરનાં પુસ્તકોનાં કવરપેજ.
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે મરાઠી ભાષામાં લખેલા પુસ્તક ‘નરકાતલા સ્વર્ગ’નું ગઈ કાલે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બાળાસાહેબ ઠાકરેએ કેવી અને કેટલી મદદ કરી હતી એ વિશે લખવામાં આવ્યું છે. આવું લખીને સંજય રાઉતે શિવસેનાના ભારતીય જનતા પાર્ટી (BJP) પર ઘણા અહેસાન છે એવું જણાવવાનો પ્રયાસ કર્યો છે. સંજય રાઉતના પુસ્તકનો જવાબ BJPએ ‘કિંગમેકર ક્રૉનિકલ - વસૂલી વ ઘોટાળ્યાંચે પર્વ’ નામના પુસ્તકથી આપ્યો છે. આ પુસ્તક BJPના પ્રવક્તા વિનાયક આંબેકરે લખ્યું છે, જેનું ગઈ કાલે પુણેમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. સત્તા મેળવવા માટેની લડાઈ બાદ હવે ઉદ્ધવસેના અને BJPમાં પુસ્તકવૉર થઈ હોવાની ચર્ચા થઈ રહી છે.
પુસ્તકના લેખક અને BJPના પ્રવક્તા વિનાયક આંબેકરે કહ્યું હતું કે પોતાની આસુરી રાજકીય મહત્ત્વાકાંક્ષા માટે અસંખ્ય નિષ્પાપ નાગરિકોને જીવતેજીવ નરકની યાતના આપનારા સંપાદકનાં કાળાં કામાનો પર્દાફાશ પુસ્તકમાં કરવામાં આવ્યો છે.
પુસ્તક પ્રકાશનમાં નેતાઓ-લેખકોનો મેળાવડો
ઉદ્ધવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે લખેલા મરાઠી પુસ્તક ‘નરકાતલા સ્વર્ગ’ના પ્રકાશનનો કાર્યક્રમ ગઈ કાલે પ્રભાદેવીના રવીન્દ્ર નાટ્ય ગૃહમાં આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં સંજય રાઉત સાથે ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને લેખક-પટકથાકાર જાવેદ અખ્તર સહિતના મહાનુભાવો જોવા મળ્યા હતા. (તસવીર : આશિષ રાજે)