05 May, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રસ્તામાં લાંબા સમયથી પાર્ક કરેલી કાર પર ધૂળ ચડી ગઈ છે.
મુંબઈમાં વિવિધ સ્થળોએ જાહેર રસ્તામાં ૨૦,૦૦૦થી વધુ વાહનો લાંબા સમયથી પડી રહ્યાં હોવાથી ટ્રૅફિકની સમસ્યાની સાથે લોકોને ચાલવામાં મુશ્કેલી થઈ રહી હોવાનું ધ્યાનમાં આવતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આ વાહનોને હટાવવાનો નિર્ણય લીધો છે.
BMCના એક અધિકારીના જણાવ્યા મુજબ જાહેર રસ્તામાં લાંબા સમયથી પાર્ક કરવામાં આવેલા વાહનચાલકોને નોટિસ આપવામાં આવી હતી. કેટલાંક વાહનચાલકોએ વાહનો હટાવી લીધાં છે. હજી પણ ૨૦,૦૦૦થી વધુ વાહનો શહેરનાં વિવિધ સ્થળે પાર્ક કરેલાં છે જેના પર ધૂળ ચડી ગઈ છે. આવાં વાહનોને લીધે અનેક જગ્યાએ રસ્તામાં ટ્રૅફિક થાય છે અને લોકોને ચાલવામાં મુશ્કેલી થતી હોવાની ફરિયાદો મળી છે. આથી આવાં વાહનોને ૨૬ હાઇડ્રૉલિક વૅનની મદદથી હટાવવામાં આવશે. ઉપરાંત વાહનોને ઉપાડીને શહેરની બહાર લઈ જવા માટે એક એજન્સી નીમવામાં આવશે. આ વાહનોને બાદમાં ભંગારમાં કાઢવામાં આવશે. આ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.
સૌથી વધુ વાહનો સાયન, વડાલા, દાદર, દહિસર, બોરીવલી મલાડ, અંધેરી, મુલુંડ અને કાંજુરમાર્ગમાં હોવાનું જાણવા મળ્યું છે.